સમગ્ર યુકેમાં ઓમિક્રોનના કેસીસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી ક્વીને નોર્ફોકના સાન્ડ્રિંગઘામ ખાતે ક્રિસમસ ઉજવવાની યોજના રદ કરી છે. ક્વીન હવે સાન્ડ્રિંગઘામ જવાના બદલે વિન્ડસર ખાતે જ ક્રિસમસ ઉજવશે. ક્વીન સામાન્યપણે તહેવારોની રજા પરિવારજનો સાથે સાન્ડ્રિંગઘામ એસ્ટેટમાં જ ઉજવે છે. શાહી સૂત્રોએ જણાવ્યા મુજબ આ નિર્ણય અંગત છે અને કાળજીપૂર્વકની વિચારણા બાદ લેવાયો છે. ક્વીનની પ્રિન્સ ફિલિપના ૭૩ વર્ષના સાથ વિના આ પ્રથમ ક્રિસમસ છે. ક્વીને અગાઉ પારિવારિક પ્રી-ક્રિસમસ લંચની યોજના પણ રદ કરેલી છે.
• નોવાવેક્સને ઈયુની મંજૂરીઃ
ઓમિક્રોન વકરી રહ્યો છે ત્યારે યુરોપિયન મેડિસીન એજન્સીએ યુએસ બાયોટેક કંપનીની નોવાવેક્સ કોવિડ વેક્સિનને વયસ્કો માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપી છે. આ રીતે મંજૂરી અપાયેલી નોવાવેક્સ પાંચમી સત્તાવાર વેક્સિન છે. નોવાવેક્સ સાથે ૨૦૦ મિલિયન ડોઝ પૂરા પાડવાનો કરાર થયો છે અને જાન્યુઆરીથી ઈયુના ૨૭ દેશોને પુરવઠો આપવા લાગશે. ઈયુના સભ્ય દેશોએ પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ૨૭ મિલિયન ડોઝનો ઓર્ડર આપેલો છે. બે મોટા અભ્યાસના તારણો મુજબ નોવાવેક્સ ૯૦ ટકા અસરકારકતા ધરાવે છે. જોકે, ઓમિક્રોન સહિતના વેરિએન્ટ્સ પર તેની અસરકારકતાનો કોઈ ડેટા નથી.
• જ્હોન્સન સામે પાર્લામેન્ટમાં જુઠું બોલવાનો આક્ષેપઃ
ફોરેન ઓફિસના સ્ટાફમાં ૧૦ ટકાનો કાપ મૂકવાની કોઈ યોજના ન હોવાનું જણાવી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન પાર્લામેન્ટ સમક્ષ જુઠું બોલ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. વડા પ્રધાને આ દાવાને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા પરંતુ, ફોરેન ઓફિસ સ્ટાફને મોકલાયેલા ઈમેઈલ લીક થઈ જતા સમાચાર સાચા ઠર્યા હતા. સીનિયર ટોરી સાંસદ ટોમ ટુગેન્ધાટે સ્ટાફમાં કાપના પગલાનો વિરોધ કર્યો ત્યારે જ્હોન્સને તેઓ ખોટું બોલતા હોવાનું કહ્યું હતું. જોકે, ફોરેન ઓફિસનો લીક થયેલો ઈમેઈલ જણાવે છે કે માર્ચ ૨૦૨૫ સુધીમાં સમગ્ર વર્કફોર્સમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવાની યોજના ઘડાઈ રહી છે. લેબરના શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ વડા પ્રધાન ખુદ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
• ચેરિટીઝ વોચડોગના નવા અધ્યક્ષનું રાજીનામુઃ
વિમેન ફોર વિમેન ઈન્ટરનેશનલ યુકે ચેરિટી સમક્ષ મહિલાઓ સાથે ગેરવર્તાવની ફરિયાદ કરાયાના પગલે ચેરિટીઝ કમિશનના નવા ચેરમેન માર્ટિન થોમસે રાજીનામું આપી દીધું છે. થોમસે ૨૦૧૮માં વિક્ટોરિયાઝ સીક્રેટ સ્ટોરમાં પોતે હોય તેવી તસ્વીર મહિલા કર્મચારીને મોકલી હતી તે સહિત ત્રણ ગેરવર્તાવની ફરિયાદ દાખલ થયેલી હોવાનું બહાર આવ્યું હતું. થોમસની નિયુક્તિને મંજૂર કરનારા કલ્ચર સિલેક્ટ કમિટીના સભ્યોને અગાઉના શિસ્તભંગના મુદ્દાઓની જાણકારી ન હતી. થોમસનો ત્રણ વર્ષનો કાર્યકાળ ૨૭ ડિસેમ્બરથી શરૂ થવાનો હતો પરંતુ તે પહેલા જ રાજીનામું આપવાની ફરજ પડી હતી.
• આગ અને હત્યા માટે ૧૨ વર્ષની જેલઃ
લેસ્ટર ક્રાઉન કોર્ટની જ્યુરી લેસ્ટરમાં એક ફ્લેટને આગ ચાંપવા તેમજ એક વ્યક્તિને કાતરના ૧૦ ઘા મારવા બદલ મુબારક જિબ્રિલને દોષી ઠરાવ્યા બાદ તેને ૧૨ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. જિબ્રિલે ગુનો સ્વીકાર્યો ન હતો. જુલાઈ મહિનાની ટ્રાયલમાં જ્યુરીએ જિબ્રિલને સર્વાનુમતે દોષી ગણાવ્યો હતો. તેણે ફ્લેટને આગ લગાવી ત્યારે ત્યાં એક વ્યક્તિ ઘસઘસાટ ઉંઘી રહી હતી. ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતા જિબ્રિલે અગાઉ પણ પોતાના ઘરને જ આગ ચાંપી હતી.
• સુસાનનાં ડ્રીમ વેડિંગનું સ્વપ્ન રોળાયુઃ
સુસાન ફોર્ડે તેના પાર્ટનર રોબ સાથે ૧૯ ડિસેમ્બરે મેલ્ટોન નજીક સ્ટેપલફોર્ડ હોલના ચર્ચ ઓફ સેન્ટ મેરી મેગ્ડેલીન ખાતે લગ્ન કરવાની હતી પરંતુ, ચર્ચની આસપાસ લાકડાના માંચડા બાંધી દેવાતા સંદર દૃશ્યાવલિઓ વચ્ચે લગ્ન કરવાનું તેનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. આ યુગલે હજારો પાઉન્ડનો ખર્ચ કર્યો હતો અને મહામારીના કારણે લગ્નદિન માટે કેટલાક વર્ષો રાહ પણ જોવી પડી હતી. લગ્ન આડે થોડા દિવસ બાકી હતા ત્યારે સુસાન અને રોબ ચર્ચ જોવાં ગયાં ત્યારે માંચડા લગાવેલા જોવા મળતા તેમને આઘાત લાગ્યો હતો. બીજી તરફ ચર્ચના માલિક ચર્ચીસ કન્ઝર્વેશન ટ્રસ્ટે જણાવ્યું હતું કે રીપેરકામની ઘણી જરૂર હોવાના કારણે માંચડા લગાવવા પડ્યા હતા. તેણે વૈકલ્પિક લગ્નસ્થળો ઓફર કર્યા હતા પરંતુ, સુસાન અને રોબે તે નકારી કાઢ્યા હતા.

