સંક્ષિપ્ત સમાચાર (યુકે – ૧)

Wednesday 27th October 2021 07:31 EDT
 

NHS સ્ટાફને ફરજિયાત કોવિડ વેક્સિનઃ

બ્રિટન કોવિડ સંક્રમણની નવી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ NHS સ્ટાફ-વર્કર્સ માટે કોવિડ વેક્સિનને ફરજિયાત બનાવવા કાયદો લાવી રહ્યા છે જેનો અમલ ઝડપથી કરાશે. આના પરિણામે, અસુરક્ષિત પેશન્ટ્સને જીવલેણ વાઈરસનો ચેપ લાગવા સામે રક્ષણ મળશે. જોકે, હેલ્થ ગ્રૂપ્સે ચેતવણી આપી છે કે આવા કાયદાથી હોસ્પિટલ્સને સ્ટાફને ફ્રન્ટલાઈન પરથી દૂર કરવા અથવા હાંકી કાઢવાની ફરજ પડશે. ઈંગ્લેન્ડમાં ૧૦૬,૩૫૧ એટલે કે કુલ વર્કફોર્સના સાત ટકા NHS વર્કર્સને વેક્સિન આપવાની બાકી રહી છે. SAGE વિજ્ઞાનીઓએ ક્રિસમસમાં લોકડાઉન લાદવાની ફરજ પડશે તેવી ચેતવણી આપ્યા પછી ૫૦થી વધુ વયના તમામ બ્રિટિશરોને વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપી શકાય તેવી વ્યવસ્થા હાથ ધરાઈ છે.

કોરોના સામે પ્લાન બી નહિઃ

ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટ કર્યું છે કે ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસના વધતા કેસીસનો સામનો કરવા હાલ ‘પ્લાન બી’ દાખલ કરવાની કોઈ યોજના નથી. ‘પ્લાન બી’માં વેક્સિન પાસપોર્ટનો ઉપયોગ, ચોક્કસ સ્થિતિમાં ફેસ કવરિંગ ફરજિયાત બનાવવા તેમજ ઘેર રહી કામ કરવા સહિતની સલાહનો સમાવેશ કરી શકાતો હતો. વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘જો લોકો જાહેર કરાયેલા માર્ગદર્શન અને વર્તણૂકનો અમલ કરશે અને જે લોકોએ વેક્સિન લેવાનું હોય તેઓ બૂસ્ટર ડોઝ લઈ લેશે તો કેસીસને અંકુશમાં લઈ લેવાશે તેમજ હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુ સહિત સંક્રમણદરને નીચા લાવી શકાશે. હાલ આ તબક્કે પ્લાન બી તરફ આગળ વધવાની કોઈ યોજના નથી.’ ઈંગ્લેન્ડના કેટલાક વિસ્તારોમાં શાળાઓને વિદ્યાર્થીસભાઓ રદ કરવા અને માસ્ક પહેરવા પર ભાર આપવા સહિતના પગલાં લેવાની સલાહ આપી દેવાઈ છે.

પીઢ પૂર્વ સાંસદ લોર્ડ ફ્રાન્ક ફિલ્ડ કેન્સરથી ગંભીર બીમારઃ

હાઉસ ઓફ લોર્ડ્સમાં બેરોનેસ મીએચર દ્વારા મૂકાયેલાં આસિસ્ટેડ ડાઈંગ બિલને ગંભીર બીમાર લોર્ડ ફ્રાન્ક ફિલ્ડે સમર્થન જાહેર કર્યું હતું. તેઓ ૪૦ વર્ષ સુધી બિર્કેનહેડ મતક્ષેત્રના સાંસદ રહ્યા હતા અને હાલ લોર્ડ ફિલ્ડ ઓફ બિર્કેનહેડ છે. બેરોનેસ મીએચરે લોર્ડ્સમાં પોતાના નિવેદનની શરૂઆતમાં લોર્ડ ફ્રાન્ક ફિલ્ડના વતી ટુંકુ નિવેદન વાંચી તેમની કેન્સરની ગંભીર બીમારીની ગૃહને જાણ કરી હતી. બેરોનેસના બિલમાં જીવનના આખરી તબક્કામાં રહેલા ગંભીર બીમાર વયસ્કોને તેમના જીવનનો અંત લાવવામાં મદદ પૂરી પાડવામાં આવે તે મુદ્દો ઉઠાવાયો છે.

બોસ દ્વારા સેક્સ્યુઅલ કનડગતના દાવામાં વર્કરની જીતઃ

ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંના વર્કર આકીફાહ અલીની સેક્સ્યુઅલ કનડગતના કેસમાં મેનેજર ઝોલ્ટાન ઝોકે ૨૩,૪૦૮ પાઉન્ડથી વધુ રકમ ચૂકવી આપવી તેવો આદેશ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે કર્યો છે. નોર્થ વેસ્ટ લંડનના નોર્થવૂડમાં ‘Pepe’s Piri Piri’ રેસ્ટોરાંના મેનેજર ઝોલ્ટાન ઝોકે મહિલા વર્કર આકીફાહ અલીને વસ્ત્રો ઉતારી નાખવા જણાવ્યું હતું તેમજ વારંવાર તેના શરીરને અશ્લીલ રીતે સ્પર્શ કર્યો હોવાની ફરિયાદ કરાઈ હતી. રેસ્ટોરાંના માલિકના પિતા મોહમ્મદ હૂસૈને આકીફાહનો વહાબી મુસ્લિમ ધર્મ ટેરરિઝમનું કારણ હોવાની ટીકા પણ કરી હતી. વોટફર્ડની પેનલે આકીફાહ સેક્સ્યુઅલ તથા ધાર્મિક કનડગતની શિકાર બની હોવાનું ઠરાવ્યું હતું.

ટોરી સાંસદોએ લાંબી વાતો કરીને બિલને અટકાવી દીધુઃ

કર્મચારીઓને નોકરી પરથી દૂર કરવા અને ખરાબ શરતો સાથે ફરી નોકરીએ રાખવાની એમ્પ્લોયર્સની રીતરસમો પર પ્રતિબંધ ઈચ્છતા લેબર સાંસદ બેરી ગાર્ડિનરના ‘ફાયર એન્ડ રી-હાયર’ બિલને અટકાવવામાં ટોરી સાંસદોએ સફળતા મેળવી હતી. આ બિલ પસાર કરાયું હોત તો ટ્રિબ્યુનલ સમક્ષ આ રીતરસમનો સામનો કરવાનું સરળ બન્યું હોત. ટોરી મિનિસ્ટર્સે ‘ક્લોઝર મોશન’ સાથે બિલ પર મતદાન અટકાવવા પ્રયાસ કર્યો હતો જે ૨૫૧ વિરુદ્ધ ૧૮૮ મતથી નિષ્ફળ રહ્યો હતો. મોટી સંખ્યામાં સાંસદોની હાજરી સાથેના ગૃહમાં બિઝનેસ મિનિસ્ટર પોલ સ્કલીએ કોમન્સના નિયમો મુજબના બપોરના ૨.૩૦ વાગ્યા સુધીના કટ-ઓફ ટાઈમથી વધુ લાંબી વાતો કરી સમય બગાડ્યો હતો જેના પરિણામે, બિલને અભરાઈએ ચડાવી દેવાયું હતું.

કોર્ટ્સ બેકલોગ વર્ષો સુધી રહેશેઃ

નેશનલ ઓડિટ ઓફિસે ચેતવણી આપી છે કે ક્રાઉન કોર્ટ્સના બેકલોગ હજુ વર્ષો સુધી ચાલશે. કોવિડ મહામારીની અસરોના કારણે જસ્ટિસ મિનિસ્ટ્રીએ ક્રિમિનલ કોર્ટ્સમાં કેટલાક વર્ષો સુધી બેકલોગનો સામનો કરવો પડશે. બેકલોગ દૂર કરવાની કામગીરીમાં તેને વધારાના ૨.૨ બિલિયન પાઉન્ડ ભંડોળની જરૂર પડશે તેમ ઓડિટ ઓફિસનું કહેવું છે. જૂન મહિનાના અંત સુધીમાં જસ્ટિસ મિનિસ્ટ્રી અને કોર્ટ્સ સમક્ષ લગભગ ૬૧,૦૦૦ ક્રાઉન કોર્ટ કેસીસ તેમજ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ લેવલે ૩૬૪,૦૦૦ કેસ પડતર હોવાનું ઓડિટ ઓફિસે જણાવ્યું છે. મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ તેને ક્રિમિનલ કોર્ટ્સ માટે ૫૦૦ મિલિયન તેમજ લીગલ એઈડ, પ્રિઝન્સ અને પ્રોબેશન સર્વિસીસ માટે ૧.૭ બિલિયન પાઉન્ડના ભંડોળની જરૂર છે.

અનરજિસ્ટર્ડ લોબિઈંગ મુદ્દે કેમરન નિર્દોષઃ

પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનને અનરજિસ્ટર્ડ લોબિઈંગ મામલે નિર્દોષ જાહેર કરાયા છે. કેમરને પોતાના એમ્પ્લોયર વતી સમિટમાં હાજર રહેવા હેલ્થ સેક્રેટરીને જણાવ્યું હોવાનો ઘટસ્ફોટ ટાઈમ્સ દ્વારા કરાયો હતો. લોબિઈંગ પ્રેક્ટિસ પર અંકુશ રાખતી ઓફિસ ઓફ ધ રજિસ્ટર ઓફ કન્સલ્ટન્ટ લોબિઈસ્ટ્સ દ્વારા યુએસ બાયોટેક જાયન્ટ ઈલ્યુમિના માટે કેમરનની કામગીરીના રિપોર્ટ્સ સંદર્ભે તપાસ હાથ ધરાઈ હતી. કેમરન મેટ હેનકોક અને ઈલ્યુમિનાના પૂર્વ વડા સાથે સમિટમાં હાજર રહ્યા પછી કંપનીને ૧૨૩ મિલિયન પાઉન્ડનો જિનેટિક સીકવન્સીંગ કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું ઓગસ્ટમાં બહાર આવ્યું હતું. કંપનીને માર્ચમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ૮૭૦,૦૦૦ પાઉન્ડના કોન્ટ્રાક્ટ્સ અપાયા તે પહેલાકેમરને પૂર્વ વેક્સિન મિનિસ્ટર નધિમ ઝાહાવી સાથે મમુલાકાત કર્યાનું પણ બહાર આવ્યું હતું. રજિસ્ટ્રાર હેરી રિચે નિર્ણય લીધો હતો કે કેમરનની કામગીરી ‘રજિસ્ટ્રેબલ લોબિઈંગ’ની હતી અને ‘ઈન્સિડેન્ટ્લ એક્ઝેમ્પ્શન’ લાગુ પડતું હતું.

હડતાળની કાર્યવાહી માટે GP સજ્જઃ

પેશન્ટ્સનું રૂબરૂ મુલાકાતો મામલે NHS ઈંગ્લેન્ડ અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદના પ્રસ્તાવોથી નારાજ જનરલ પ્રેક્ટિશનર્સ હડતાળની કાર્યવાહી માટે મતદાન કરવા તૈયાર થયા છે. સરકારે પેશન્ટ્સને રૂબરુ મુલાકાતો આપવા બાબતે GP પ્રેક્ટિસીસ માટે ૨૫૦ મિલિયન પાઉન્ડના ભંડોળની જાહેરાત કરી છે. જનરલ પ્રેક્ટિશનર્સ અને પેશન્ટ્સ માટે NHS ની યોજના હેઠળ GP પ્રેક્ટિસીસને રૂબરૂ એપોઈન્ટમેન્ટ્સ માટે દર્દીઓની પસંદગીને સન્માન આપવું પડશે તેમજ તેમના કામકાજનો સમય વધારવા અથવા વોક-ઈન કન્સલ્ટેશન્સ ઓફર કરવા નાણાનો ઉપયોગ કરવાનો રહેશે. જે સર્જરીઝ આમાં નિષ્ફળ રહેશે તેમનો નામોલ્લેખ કરાશે તેવી ચિમકી પણ અપાઈ છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશનની જીપી કમિટીએ આ યોજના ફગાવતું મતદાન કર્યું હતુ અને હવે હડતાળ માટે પણ મતદાન કરવામાં આવશે.

૨૯ મિલિયનથી વધુ લોકો કામે લાગ્યાઃ

રોજગારી મહામારી અગાઉના સ્તરે જઈ રહી છે ત્યારે ૨૯ મિલિયનથી વધુ લોકો કામે પાછા ફર્યા છે. લગભગ ૧.૧ મિલિયન ખાલી જગ્યાઓ સાથે સપ્ટેમ્બર મહિનામાં નવો માસિક વિક્રમ નોંધાયો છે. મોટા ભાગની ઈન્ડસ્ટ્રીઝ સંખ્યાબંધ નોકરીઓની જાહેરાતો આપી રહી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના વચ્ચે પેરોલ્સ પર રહેલા યુકે વર્કર્સની સંખ્યા ૨૦૭,૦૦૦ વધીને વિક્રમી ૨૯.૨ મિલિયન પર પહોંચી છે. સતત બીજા મહિને વેકેન્સીઝની સંખ્યા એક મિલિયનની ઉપર રહી છે અને જાહેરાત કરાયેલી નોકરીઓની સંખ્યા જુલાઈ અને સપ્ટેમ્બર મહિના વચ્ચે ૧.૧ મિલિયનના આંકડે પહોંચી હતી.

લાખોના ખર્ચે તૈયાર એસાઈલમ કેમ્પ વપરાયો જ નહિઃ

હોમ ઓફિસે એસાઈલમ સીકર્સ માટે પ્રિઝન સ્ટાઈલનો યાર્લ્સ વૂડ કેમ્પ બનાવવા પાછળ ૩ મિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ કર્યો હતો પરંતુ, તેનો કદી ઉપયોગ કરાયો જ નહિ. મિનિસ્ટર્સ દ્વારા ઉડાઉપણે ખર્ચ કરાયોનો આક્ષેપ થયો છે. ગયા વર્ષે નોર્થ બેડફોર્ડશાયરના યાર્લ્સ વૂડ રીમૂવલ સેન્ટરની જગ્યાએ ૧૮૭ એસાઈલમ સીકર્સને રહેવા માટે હંગામી બિલ્ડિંગ્સ બાંધવા કન્સ્ટ્રક્શન પેઢી વેર્નિક બિલ્ડિંગ્સ લિમિટેડને કરદાતાઓના ૩.૧૭૫ મિલિયન પાઉન્ડની ચૂકવણી કરાઈ હતી. કામ શરુ થયાના બે મહિના પછી વધારાની ક્ષમતાની હવે જરૂર નહિ હોવાનું જણાવી યોજના પડતી મૂકાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter