• બ્રેક્ઝિટનો હવાલો લિઝ ટ્રસને સુપરતઃ

Wednesday 22nd December 2021 06:18 EST
 

બ્રેક્ઝિટ મિનિસ્ટર લોર્ડ ફ્રોસ્ટના રાજીનામાના પગલે બ્રેક્ઝિટનો હવાલો ૪૬ વર્ષીય ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને સુપરત કરાયો છે. પૂર્વ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરીને સપ્ટેમ્બર મહિનામાં જ ડોમિનિક રાબના સ્થાને ફોરેન સેક્રેટરી બનાવાયાં હતાં અને તેમની પાસે બ્રેક્ઝિટ પછીના વેપારસોદાઓનો હવાલો હતો. મિસ ટ્રસ નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકલ અને તેમાંથી ઉભી થતી સમસ્યાઓના મુદ્દે ઈયુ સાથે વાટાઘાટો હાથ ધરશે. આયર્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ વચ્ચે કડક બોર્ડર રાખવાનું ચાળવા આ પ્રોટોકલની રચના કરાઈ છે. મિસ ટ્રસે આ કામગીરી હાથ ધરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

• ઉશ્કેરણી બદલ પિયર્સ કોર્બીનની ધરપકડઃ

લંડનમાં ૧૮ ડિસેમ્બરે આઉટરીચ ફ્રીડમ રેલી દરમિયાન હજારો એન્ટિ-વેક્સિન દેખાવકારોને તેમના સાંસદોની ઓફિસીસ સગાવી દેવાની ઉશ્કેરણી કરવા બદલ પૂર્વ લેબરનેતા જેરેમી કોર્બીનના ૭૩ વર્ષીય ભાઈ પિયર્સ કોર્બીનની ધરપકડ કરાઈ હતી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં કોર્બીન કોવિડ નિયંત્રણોની તરફેણમાં મતદાન કરનારા રાજકારણીઓ પર પ્રહારો કરતા જણાયા હતા. દેખાવકારો વેક્સિન પાસપોર્ટ, NHSના વર્કર્સ માટે ફરજિયાત વેક્સિનેશન, તબીબી રંગભેદ, કોમ્યુનિઝમ, સોશિયલ ક્રેડિટ સિસ્ટમ અને વધુ લોકડાઉન્સનો વિરોધ કરવા એકત્ર થયા હતા. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે લોકોને આગચંપી માટે ઉશ્કેરવા કે ઉત્તેજન આપવાની શંકાએ આ ધરપકડ કરાઈ હતી. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત રાજકારણીઓએ આવી ઉશ્કેરણીનો વિરોધ કર્યો છે.

• બોરિસના વખાણ કરવા ભારે પડ્યાઃ

કલ્ચર સેક્રેટરી નાડિન ડોરિસની કન્ઝર્વેટિવ વોટ્સએપ ગ્રૂપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. ડોરિસે આ ગ્રૂપમાં સાંસદોએ ૮૩ બેઠકની બહુમતી અપાવનારા વડા પ્રધાનને સમર્થન આપી વફાદારી દર્શાવવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. શનિવારે બ્રેક્ઝિટ મિનિસ્ટર લોર્ડ ડેવિડ ફ્રોસ્ટના રાજીનામાં પછી ૧૦૦ જેટલા બળવાખોર ટોરી સાંસદોએ ‘કલીન ગ્લોબલ બ્રેક્ઝિટ’ ગ્રૂપની સ્થાપના કરી છે તેમાં ડોરિસનો સંદેશો મૂકાયો હતો. મિસ ડોરિસે વડા પ્રધાનને હીરો ગણાવ્યા હતા. જોકે, પૂર્વ મિનિસ્ટર સ્ટીવ બેકરે તત્કાળ મિસ ડોરિસની ગ્રૂપમાંથી હકાલપટ્ટી કરી હતી. નિયંત્રણોનો વિરોધ કરી રહેલા ઘણા સાંસદોએ લોર્ડ ફ્રોસ્ટે સરકારના કોવિડ પ્લાન બી સામેના વિરોધને વધાવી તેમને હીરો ગણાવ્યા હતા.

• લોર્ડ ફ્રોસ્ટના રાજીનામાં મુદ્દે વિખવાદઃ

શનિવારે રાજીનામું આપનારા બ્રેક્ઝિટ મિનિસ્ટર લોર્ડ ડેવિડ ફ્રોસ્ટના પગલાં મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભાગલા પડી ગયા છે. લોર્ડ ફ્રોસ્ટે કોવિડ પોલિસી સહિત સરકારની વર્તમાન દિશા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ટોરી બેકબેન્ચર્સે લોર્ડ ફ્રોસ્ટની વિદાયને આફત ગણાવી હતી. જોકે, કેટલાક સાંસદોએ આ રાજીનામાથી ઈયુ સાથેની વાટાઘાટોને નવેસરથી દિશાસૂચન મળશે તેમ જણાવ્યું હતું. નવા ઓમિક્રોન વેરિએન્ટના ફેલાવાને અટકાવવા વડા પ્રધાને લીધેલાં પગલાંનો તેમના જ પક્ષના બેકબેન્ચર્સ વિરોધ કરી રહ્યા છે.

• ઈયુને યુકેના £૬૪૦ મિલિયન ફાળાની જરૂરઃ

ઈયુનો ચાવીરુપ કોપરનિકસ સ્પેસ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ વિના અવરોધે આગળ વધતો રહે તે માટે યુરોપિયન બ્લોકને યુકેના યુકેના ૬૪૦ મિલિયન પાઉન્ડ (૭૫૦ મિલિયન યુરો)ના ફાળાની જરૂર છે પરંતુ, આર્ટિકલ ૧૬ હેઠળ બ્રિટનનું સસ્પેન્શન તેમાં આડે આવી રહ્યું છે. ઈયુના કોપરનિકસ, હોરાઈઝન યુરોપ અને યુરાટોમ સહિત ત્રણ સાયન્સ પ્રોજેક્ટમાં યુકેએ ૧૫ બિલિયન પાઉન્ડનો ફાળો આપવાનું આયોજન કર્યું હતું. જોકે, ફિશિંગ લાઈસન્સીસ અને નોર્ધર્ન આયર્લેન્ડ પ્રોટોકલ સહિતના બ્રેક્ઝિટ વિવાદોના કારણે આ પ્રોજેક્ટ્સની સુવિધા બ્રિટનને મળવાની બંધ કરાઈ છે. જો બ્રિટનને ઈયુ સ્પેસ પ્રોજેક્ટ્સ સહિત આ પ્રોજેક્ટમાં સામેલ નહિ કરાય તો ઈયુના સ્પેસ પ્રોગ્રામ પર ભારે જોખમ આવી શકે છે.

• કાર અથડાતા ટોરી સાંસદની ધરપકડ અને છૂટકારોઃ

વેલ્સમાં બ્રાઈગેન્ડ બેઠકના ટોરી સાંસદ જેમી વોલિસની વાહન હંકારવા માટે ફિટ નહિ હોવાની શંકાએ ધરપકડ કરાઈ હતી. વેલ્સ પોલીસ ગયા મહિનાની નઆ ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે સાંસદને મુક્ત કરી દેવાયા હતા. વોલિસની કાર ૨૮ નવેમ્બરની મોડી રાત્રે વેલ્સના લાન્બ્લેથીઆન ગામના ચર્ચ રોડ પરના એક લેમ્પ પોસ્ટ સાથે અથડાઈ હતી. કોઈને ઈજા પહોંચી ન હતી. મિ. વોલિસની ઓફિસે ૨૦૧૯માં ચૂંટાયેલા ૩૭ વર્ષીય સાંસદની ધરપકડને સમર્થન આપ્યું હતું પરંતુ, કોઈ ચાર્જ લગાવાયો નહિ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. જેમી વોલિસ કોવિડ માટે ટેસ્ટ પોઝિટિવ જાહેર કરાયા હતા.

• હત્યાના શકમંદ ટીનેજરની ધરપકડઃ

બર્મિંગહામના પ્રાયોરી ક્વીન્સવેના વ્યસ્ત સિટી સેન્ટર વિસ્તારમાં ૧૮ ડિસેમ્બરે બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળ્યા પછી ૧૬ વર્ષના એક તરુણને ચાકુના ઘા વાગવાથી હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, ઈજા ગંભીર નહિ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે ૧૫ વર્ષીય ટીનેજરની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ક્રિસમસની ખરીદીએ આવેલા સેંકડો લોકોએ ચાકુબાજીની ઘટના નિહાળી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખની કામગીરી કરાઈ રહી છે.

• HSBCને £૬૪ મિલિયનનો ભારે દંડઃ

એન્ટિ-મની લોન્ડરિંગ પ્રોસેસીસ સંબંધિત નિષ્ફળતા બદલ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી દ્વારા HSBCને ૬૪ મિલિયન પાઉન્ડ (૮૫.૨ મિલિયન ડોલર)નો ભારે દંડ ફટકારાયો છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે લેન્ડર દ્વારા સંભવિત નાણાકીય અપરાધને ઓળખવા માસિક લાખો ટ્રાન્ઝેક્શન્સ પર દેખરેખ રાખવા ઓટોમેટેડ પ્રોસેસીસનો મઉપયોગ કરાતો હતો. જોકે, ૨૦૧૦ની ૩૧ માર્ચથી ૨૦૧૮ની ૩૧ માર્ચ સુધી આઠ વર્ષના ગાળામાં મોનિટરિંગ સિસ્ટમના કેટલાક પાર્ટ્સના ગંભીર ખામી હોવાનું વોચડોગને જણાયું હતું. મની લોન્ડરિંગ અથવા ત્રાસવાદને નાણાભંડોળના ઈન્ડિકેટર્સનો ઉપયોગ કરવાનું ૨૦૧૪ સુધી વિચારાયું ન હતું. HSBCએ આ તારણોને સ્વીકાર વેળાસર પતાવટ કરવાની ખાતરી આપી હોવાથી તેને ૩૦ ટકા ડિસ્કાઉન્ટ અપાયું હતું. અન્યથા ઓથોરિટીએ ૯૧.૩ મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો હોત. ઉલ્લેખનીય છે કે મેક્સિકન ડ્રગ કાર્ટેલ્સ માટે વચેટિયા તરીકે કામ કરવા બદલ HSBCએ યુએસ રેગ્યુલેટર્સને ૧.૯ બિલિયન ડોલર (૧.૪ બિલિયન પાઉન્ડ)નો દંડ ૨૦૧૨માં ચૂકવવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter