• લંડનની શેરીઓના નામ બદલવા ગ્રાન્ટની ઓફરઃ
જે લંડનવાસીઓ પોતાની શેરી કે રોડનું નામ બદલવા ઈચ્છતા હોય તેમને ૨૫,૦૦૦ પાઉન્ડની ગ્રાન્ટ આપવાની મેયર સાદિક ખાનની ઓફરથી ભારે ઉહાપોહ જાગ્યો છે. મેયર ખાને બ્રિટિશ માર્ગોના નામ ‘ડિકોલોનાઈઝ’ અને ‘ડાઈવર્સિફાય’ કરવાનો ઈરાદો ધરાવતી યોજના જાહેર કરી છે. તેમનું કહેવું છે કે આનાથી શેરીઓના અપમાનજનક નામ બદલી શકાશે. સાદિક ખાને જણાવ્યું હતું કે સ્ટ્રીટના નવા નામની યોજના કોમ્યુનિટી ગ્રૂપ્સને મળવાપાત્ર ૧ મિલિયન પાઉન્ડના ‘અનટોલ્ડ સ્ટોરીઝ’ ફંડનો હિસ્સો છે. રીફોર્મ યુકેના નેતા રિચાર્ડ ટાઈસે આક્ષેપ કર્યો હતો કે બ્લેક લાઈવ્ઝ મેટર કેમ્પેઈનથી પ્રેરિત યોજના ખોટો અભિગમ છે જેનાથી સારા લોકોનું જીવન વધુ મુશ્કેલ બનશે. દાયકાઓથી અસ્તિત્વ ધરાવતી સારા નામની શેરીઓના નામ બદલવાનું અર્થહીન છે. ખરાબ નામના કેટલાક છૂટાછવાયા કિસ્સા હોઈ શકે છે
• કોવિડ ઉછાળાથી શાળાના વર્ગો બંધ રાખવાની ચિંતાઃ
વિદ્યાર્થીઓમાં કોવિડ પોઝિટીવ કેસની વધતી સંખ્યા તેમજ લેશન્સ ચાલુ રાખવા સપ્લાય ટીચર્સની ભારે અછઠતના કારણે શાળાઓએ સમગ્ર વર્ગોના વિદ્યાર્થીઓને ઘેર પાછા મોકલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નેશનલ એસોસિયેશન ઓફ હેડ ટીચર્સ (NAHT)ના પોલિસી ડાયરેક્ટરે કહ્યું છે કે મહામારીની શરૂઆત પછી શાળાઓ સામે આ સૌથી ખરાબ સ્થિતિ આવી છે. સ્ટાફની ગેરહાજરીનો સામનો કરવો મુશ્કેલ બન્યો છે. શાળાઓ સંપૂર્ણ બંધ કરવાનું અશક્ય છે પરંતુ, સપ્લાય ટીચર્સ મેળવવા પણ મુશ્કેલ છે. NAHTએ તેના ૪૫,૦૦૦ સભ્યો વતી એજ્યુકેશન ડિપાર્ટમન્ટને ક્લાસરૂમ્સમાં કોવિડ સંક્રમણને ઘટાડવાના વિશેષ વેન્ટિલેશન યુનિટ્સ અને એર પ્યુરિફાયર્સ કાર્યરત કરવાનું ઝડપી બનાવવા જણાવ્યું છે.
• યુકેના બંદરો પર બેકલોગ્સ આગામી વર્ષે પણ રહેશેઃ
દેશના ફ્રેઈટ કન્ટેઈનર ટ્રાફિકના ૩૬ ટકાનું હેન્ડલિંગ કરતા ફેલિક્સ્ટોવ પોર્ટ ખાતે ભારે બ્લોકેજીસથી સર્જાયેલી અરાજકતાનો અંત આવ્યો છે પરંતુ, ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યા મુજબ શિપમેન્ટ્સમાં વિલંબ અને ગ્રાહકોની ઘટેલી પસંદગી આગામી વર્ષ સુધીપણ યથાવત રહેશે. ફર્નિચર, રમકડાં, ઈલેક્ટ્રોનિક અને વ્હાઈટ ગુડ્સ સહિતની આઈટમ્સથી ભરેલા કન્ટેઈનર શિપ્સ યુકેના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટથી પાછા ફેરવી દેવાય છે જેનાથી સપ્લાય ચેઈનની કટોકટી ઉભી થઈ હતી. આવી સ્થિતિના કારણે ઓટમમાં અછતો ભોગવવી પડશે તેવી ચેતવણી છે. માલસામાન લઈ જવા માટે લોરી ડ્રાઈવર્સ પૂરતા નહિ હોવાથી હજારો કન્ટેઈનર્સને લાંબો સમય પડી રહેવું પડે છે.
• નવા મોટરવે કેમેરાથી દંડ અને પેનલ્ટી પોઈન્ટ્સ વધશેઃ
નવા ઓટોમેટિક મોટરવે કેમેરા ડ્રાઈવર્સની ભૂલો-અપરાધોને ઝડપથી પકડી પાડશે જેનાથી ૧૦૦ પાઉન્ડના દંડ તેમજ તેમના લાઈસન્સ પર ત્રણ પેનલ્ટી પોઈન્ટ્સ લાગી જશે તેવી ચેતવણી વાહનચાલકોને અપાઈ છે. હાઈવે ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું છે કે દેશભરમાં રેડ X માર્ક્સ સાથેની લેન્સમાં વાહન હંકારશો તો કેમેરા છોડશે નહિ. જોકે, ડ્રાઈવર્સ નારાજ છે. તેમનું કહેવું છે કે હાઈવેઝ પર સ્પીડ લિમિટ સહિત મૂકાતી નકામી નિશાનીઓનો કોઈ અર્થ નથી.
• કાઉન્સિલરે ખોટી રીતે બિઝનેસ ગ્રાન્ટ મેળવીઃ
વુલ્વરહેમ્પ્ટનના ૪૦ વર્ષીય કાઉન્સિલર હરમાન બાંગરે માર્ચ ૨૦૨૦માં તેની પત્નીના બેસિલડોનસ્થિત પિઝા પ્લસ બિઝનેસને ૧૦,૦૦૦ પાઉન્ડની નાની બિઝનેસ ગ્રાન્ટ મેળવવાને લાયક હોવાની ખોટી રજૂઆત કરી હતી. તેની પત્ની નીના કુમારી દ્વારા ચલાવાતું પિઝા રેસ્ટોરાં તદ્દન ગંદુ અને ભીડથી ભરચક હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી. નીના કુમારી વિરુદ્ધ પણ ખોટી રજૂઆતથી ફ્રોડ કરવાનો આરોપ લગાવાયો છે. પતિ અને પત્ની આ આરોપો સંદર્ભે વોલ્સાલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને ગુનાનો ઈનકાર કર્યો હતો. પ્રોસીક્યુટરે જણાવ્યું હતું કે કાઉન્સિલર બાંગર તેમના વોર્ડના બિઝનેસીસને ગ્રાન્ટ્સ માટે અરજી કરવામાં મદદ કરતા હતા. તેમની પત્નીની માલિકીના પિઝા રેસ્ટોરાં સહિત અનેક બિઝનેસીસ ગ્રાન્ટ્સનો ક્લેઈમ કરવા માગતા હોવાની રજૂઆત તેમણે કાઉન્સિલમાં કરી હતી. આ કેસની ટ્રાયલ ચાલી રહી છે.
• વેક્સિનના બૂસ્ટર ડોઝની રાહ જોતા લાખો લોકોઃ
કોવિડ સંક્રમણમાં વધારો અને ઈમ્યુનિટીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે કોવિડના લીધે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ પણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં લાખો લોકો વેક્સિનના બૂસ્ટર ડોઝની રાહ જોઈ રહ્યા છે. આશરે પાંચ મિલિયન લોકો બૂસ્ટર ડોઝ નહિ લેવાથી કોવિડના સંક્રમણનું ભારે જોખમ ધરાવી રહ્યા છે. જે લોકોએ બીજો ડોઝ લીધાને ૬ મહિના થઈ ગયા હોય તેવા ૫૦ વર્ષથી વધુ વયના અને અસુરક્ષિત જૂથોના સભ્યો બૂસ્ટર ડોઝ મેળવવાને પાત્ર છે પરંતુ, માહિતી અને વ્યવસ્થાના અભાવે લાખો લોકોને બૂસ્ટર વેક્સિનનો કાર્યક્રમ ગતિ પકડી રહ્યો નથી. યુકેમાં વેક્સિન કવરેજ ઊંચુ હોવા છતાં, શિયાળાની લહેરમાં જોવાયો હતો તે સંક્રમણ દર ફરી પાછો આવી રહ્યો હોવાનું જણાય છે.