લંડનના મેયર સાદિક ખાને ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે યોજાતી પારંપરિક ન્યુ યર ઈવ પાર્ટી રદ કરી છે. લંડનમાં ઓમિક્રોન કેસીસમાં ઉછાળો આવ્યો હોવાથી સેન્ટ્રલ લંડનની આ ભવ્ય ઉજવણીમાં હજારો ચાવીરુપ વર્કર્સ અને જાહેર જનતા હાજર રહેતી હોવાના લીધે આ કાર્યક્રમ રદ કર્યો છે. હવે વર્ષ ૨૦૨૧ની સૌથી લાક્ષણિક પળોને હાઈલાઈટ કરતું જીવંત પ્રસારણ લંડનના નવા વર્ષની પૂર્વસંધ્યાના કેન્દ્રસ્થાને રહેશે. લંડનવાસીઓ અને વિઝિટર્સને બીબીસી પરથી આ કાર્યક્રમ નિહાળે તેમ જણાવાયું છે.
• જાતીય ગેરવર્તન માટે પોલીસ યુનિયનનેતા સસ્પેન્ડઃ
પોલીસ ફેડરેશનના નેતા જ્હોન એપ્ટરને હેમ્પશાયર પોલીસે જાતીય ગેરવર્તનના મુદ્દે સસ્પેન્ડ કર્યા છે. મહિલા પોલીસ ઓફિસરે જાતીય ગેરવર્તનો આક્ષેપ કર્યાંના પગલે પોલીસ દળે એપ્ટરનું વોરન્ટ કાર્ડ લઈ લીધું હતું. મેટ પોલીસ અધિકારીના હાથે સારાહ એવરાર્ડનું અપહરણ, બળાત્કાર અને હત્યાની ઘટના પછી પોલીસ ફોર્સની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. એપ્ટરનું પોલીસ ફેડરેશન ૧૩૦,૦૦૦ ઓફિસરોનું પ્રતિનિધિત્વ કરે છે. એપ્ટરે ઈંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ ફેડરેશનના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. એપ્ટર જાતીય ગેરવર્તાવના આક્ષેપો પછી શિસ્તભંગ અને ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન હેઠળ મૂકાયા છે.
• ઈન્ટેલિજન્સ ઓફિસરે બનાવટી દસ્તાવેજો બનાવ્યાઃ
પોલીસ ઈન્ટેલિજન્સ ઓફિસરે તેના ઉપરીઓના કહેવાથી ઉચ્ચ ડેટાબેઝમાં ત્રાસવાદના ખબરી વિશે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું. ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સમાં પશ્ચાદવર્તી ફેરફારો કરાયા બાદ MI5 સાથે સંકળાયેલા ગુપ્ત સ્પેશિયલ બ્રાન્ચ યુનિટને વિખેરી કઢાયું હતું. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસમાં કાઉન્ટર ટેરરિઝમ હેન્ડલર ફિલ મોરાને દાવો કર્યો હતો કે સર્વેલન્સ વોચડોગને છેતરવા માટે નેશનલ સ્પેશિયલ બ્રાન્ચ ઈન્ટેલિજન્સ સિસ્ટમમાં માહિતી મેનિપ્યુલેટ કરવા તેના અપરી અધિકારીઓએ આદેશ કર્યો હતો. આ મુદ્દે બે અધિકારીને બરતરફ કરાયા હતા. મોરાન ૨૦૧૪માં નિવૃત્ત થયો હતો.
• વિદ્યાર્થીની હત્યા બદલ બે ટીનેજર્સ દોષિતઃ
કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી હુસૈન ચૌધરીની તેના ઘરની બહાર હત્યા કરવા બદલ બે ૧૮ વર્ષીય તરુણો- માર્વિન વાર્ડ (ગુડમાયેસ) અને એલેક્સીસ મોરિસ (સેવન કિંગ્સ)ને સાત સપ્તાહની ટ્રાયલ પછી વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટે દોષી ઠરાવ્યા હતા.વાલ્ધામસ્ટોના રહેવાસી હુસેન ચૌધરી ૧૭ માર્ચે આ બે હત્યારાને ડિઝાઈનર જેકેટ વેચી રહ્યો હતો ત્યારે ઘરની બહાર જ ચાકુના ઘા મારી તેની હત્યા કરી દેવાઈ હતી. આ બે હત્યારાને આગામી વર્ષની ચોથી ફેબ્રુઆરીએ સજા જાહેર કરાશે. આ કેસમાં હત્યારાઓને પોલીસથી બચવામાં મદદ કરનારા એન્થોની ગુયેનને પણ ચોથી ફેબ્રુઆરીએ સજા જાહેર કરાશે.
• કેબિનેટ સેક્રેટરી સિમોન કેસની હકાલપટ્ટીઃ
ગયા વર્ષે લંડન લોકડાઉન હેઠળ હતું ત્યારે ડાઉનિંગ સ્ટ્રીટ અને વ્હાઈટહોલ ખાતે પાર્ટીઓ યોજાયાની ઘટનાઓમાં હકીકતો ચકાસવાની કામગીરી સોંપાઈ હતી તે કેબિનેટ સેક્રેટરી સિમોન કેસની વડા પ્રધાન જ્હોન્સને હકાલપટ્ટી કરી છે. લોકડાઉન નિયમોના ભંગ સાથે પાર્ટી યોજાવાથી વડા પ્રધાનના વહીવટીતંત્રમાં અરાજકતા વ્યાપી ગઈ હતી. સિમોન કેસ અને તેની ટીમે ગયા વર્ષે ૧૭ ડિસેમ્બરે કેબિનેટ ઓફિસના રુમમાં ક્રિસમસ પાર્ટીના ડિજિટલ આમંત્રણો મોકલ્યા હોવાનું બહાર આવતા ચકચાર જામી હતી. જોકે, કેસ આ કાર્યક્રમમાં સામેલ થયા ન હોવાનું કહેવાય છે પરંતુ, શું ચાલી રહ્યું છે તેનાથી વાકેફ હતા..
• શિક્ષકોને નિવૃત્તિમાંથી બહાર આવવા અપીલઃ
કોવિડના કારણે શાળાઓનું સંચાલન મુશ્કેલ બન્યું છે ત્યારે નિવૃત્ત થયેલા શિક્ષકોને ક્લાસરુમમાં પાછા આવવા અપીલ કરાઈ છે. કોવિડ મહામારી દરમિયાન ૧૩,૦૦૦થી વધુ સ્ટાફની ગેરહાજરીને ધ્યાનમાં રાખી એજ્યુકેશન સેક્રેટરી નાધીમ ઝાહાવીએ જાન્યુઆરીમાં શાળાઓ ચાલુ રાખી શકાય તે માટે પૂર્વ શિક્ષકોને નિવૃત્તિમાંથી બહાર આવવા જણાવ્યું છે. ક્રિસમસની રજાઓ પહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ગેરહાજરી વધવાની શક્યતા વચ્ચે સપ્લાય કેપિસિટી વધારવા સરકાર વિચારી રહી છે. હેડટીચર્સના યુનિયને ઓમિક્રોન વેરિએન્ટના કારણે ગેરહાજરી વધશે તો નવા વર્ષમાં રુબરુ અભ્યાસમાં સંભવિત મુશ્કેલીની ચેતવણી આપી છે.
• અફઘાન ચાર્ટર ફ્લાઈટ્સ પાછળ લાખોનો ખર્ચઃ
ડિફેન્સ મિનિસ્ટ્રીએ અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર લાવવા માટે ઓગસ્ટ મહિનામાં નવ દિવસ સુધી ચાર્ટર વિમાનોનાં ઉડ્ડયનો પાછળ ૪.૫ મિલિયન પાઉન્ડથી વધુ ખર્ચ કર્યો હતો. ડિફેન્સ મિનિસ્ટ્રીએ અફઘાન કટોકટીમાં ૧૬થી ૨૪ તારીખ સુધી ટુંકી મુદતના પાંચ ઉડ્ડયન કોન્ટ્રાક્ટ કર્યા હતા. કરારનું મૂલ્ય ૪૪૦,૦૦૦ પાઉન્ડથી ૧.૩ મિલિયન વચ્ચેનું હતું. યુએસ મિલિટરીની વાપસી અને તાલિબાને સાસન સંભાળ્યા પછી કાબુલ એરપોર્ટ પર નાગરિકોના સ્થળાંતરો શરૂ કરાયા હતા.
• યુકેના પ્રવાસીઓ માટે ફ્રાન્સે મર્યાદા લાદીઃ
ઓમિક્રોનનો ફેલાવો વધી રહ્યો છે ત્યારે ફ્રાન્સે યુકેથી આવતા પ્રવાસીઓ માટેના નિયમો વધુ કડક બનાવ્યા હતા. બ્રિટિશ પ્રવાસીએ ૨૪ કલાકથી ઓછાં સમયનો નેગેટિવ કોવિડ ટેસ્ટ દર્શાવવો પડશે. આ ઉપરાંત, ફ્રાન્સ પહોંચીને પણ ટેસ્ટ કરાવવાનો રહેશે તેમજ ૭ દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડશે. ફ્રેન્સ અથવા ઈયુ નાગરિકતાના લોકો સિવાય ટુરિઝમ અને બિઝનેસની ટ્રિપ્સ પણ મર્યાદિત કરી દેવાઈ છે. ફ્રાન્સ સરકારે કહ્યું હતું કે યુકે ઓમિક્રોન કેસીસની મોટી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે તેણે આ પગલાં લીધા છે. આ પગલાં વેક્સિનેશન સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના તમામને લાગુ પડશે. ચેનલની આરપાર વેપાર મુદ્દે યુકે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે માલસામાનની હેરફેર કરનારાઓને નવી નીતિ લાગુ નહિ કરાય.

