• બર્મિંગહામના હોમલેસ પરિવારોને જાણીતી હોટલોમાં રખાશેઃ
જીવનધોરણ સુધારાની એક મહત્ત્વની સિદ્ધિમાં બર્મિંગહામના સેંકડો હોમલેસ પરિવારોને હવે શહેરની કેટલીક જાણીતી હોટલો અને એપાર્ટમેન્ટ્સમાં રાખવામાં આવશે. હવે તેઓ નાના રુમ્સમાં ભોજન, જગ્યા અથવા રમતગમતના અભાવમાં જીવવાના બદલે ગરમ બ્રેકફાસ્ટ, ફ્રી વાઈફાઈ, રમતગમતની જગ્યા અને સંપૂર્ણ સુવિધાઓ સાથે વૈભવી રુમ્સ અને એપાર્ટમેન્ટમાં રહેશે. હાલ તેઓ હેગલે રોડ પર B&B ખાતે રહે છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલે શહેરમાં વૈભવી હોટલો અને એપાર્ટમેન્ટ્સનું સંચાલન કરતી સ્ટેવેલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ (SWHM) સાથે આ માટે કરાર કર્યો છે.
• નેટવેસ્ટ ગ્રૂપે મેટ્રો બેંકની £૩ બિલિયનની મોર્ગેજ બુક ખરીદીઃ
નેટવેસ્ટ ગ્રૂપે મેટ્રો બેંક પાસેથી ૩.૧ બિલિયન પાઉન્ડની મોર્ગેજ બુક ખરીદી હતી. મેટ્રો બેંકે યુકે મોર્ગેજનો ૧૩,૦૦૦ કરતા વધુ ગ્રાહકો સાથેનો પોર્ટફોલિયો વેચ્યો હતો. તેનો હાલનો લોન -ટુ - વેલ્યુ રેશિયો ૬૦ ટકા છે. ફ્રેડ ગુડવિનના નેતૃત્વ હેઠળની RBSએ ૨૦૦૭માં ૪૯ બિલિયન પાઉન્ડમાં ડચ બેંકિંગ ગ્રૂપ ABN Amroનો વહીવટ સંભાળ્યો અને નાણાંકીય કટોકટીમાં પહોંચી ગયા પછી તેનું આ સૌથી મોટું એક્વિઝિશન છે. ૨૦૦૮માં આર્થિક કટોકટીને લીધે તેણે ૨૪ બિલિયન પાઉન્ડની ખોટ કરી હતી.
• ઘરેલુ હિંસાના પીડિતોની ઈમિગ્રેશન માહિતી જાહેર ન કરવા પોલીસની સૂચનાઃ
ઘરેલુ હિંસાના પીડિતોના ઈમિગ્રેશન સ્ટેટસ વિશે પોલીસ અધિકારીઓને શંકા હોય તો તેમણે તે માહિતી હોમ ઓફિસ સાથે શેર ન કરવી તેમ એક તપાસના તારણમાં જણાવાયું હતું. હોમ ઓફિસ સાથે આ પીડિતોની વિગતો શેર કરવાની પોલીસની પદ્ધતિ વિશે લીબર્ટી એન્ટ સાઉથોલ બ્લેક સીસ્ટર્સ દ્વારા સૌ પ્રથમ સુપર કમ્પ્લેઈન્ટ રિપોર્ટ સુપરત કરાયો હતો. આ પદ્ધતિથી જાહેર હિતને ભારે નુક્સાન થાય છે કારણ કે અસુરક્ષિત ઈમિગ્રેશનના સ્ટેટસવાળા પીડિતો તેમની માહિતી હોમ ઓફિસને પહોંચી જશે તેવા ડરથી પોલીસને જણાવતા નથી. રિપોર્ટમાં ભલામણ કરાઈ હતી કે પોલીસે તાત્કાલિક અસરથી ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટને માહિતી આપવાનું બંધ કરવું જોઈએ. ઘરેલુ હિંસાના જે પીડિતો વિશે કોઈ સ્પષ્ટ પૂરાવા નથી હોતા તેમાં ઈમિગ્રેશનનો ગુનો લાગૂ પડે છે.
• મેટ પોલીસને £૨૨.૫ મિલિયન સહાયની સાદિક ખાનની જાહેરાતઃ
લંડનના મેયર સાદિક ખાને કોવિડ – ૧૯ મહામારીને લીધે આર્થિક તંગદિલીથી ફ્રન્ટલાઈન પોલીસીંગને રક્ષણ આપવા માટે ૨૨.૫ મિલિયન પાઉન્ડની સહાય જાહેર કરી હતી. ગ્રેટર લંડન ઓથોરિટીના અનામત ભંડોળમાંથી આ રકમ અપાશે અને તેનાથી લંડન પોલીસના ફંડિંગમાં જે ૪૫.૫ મિલિયન પાઉન્ડનો કાપ મૂકાયો છે તેમાંથી અડધી રકમ આગામી વર્ષ સુધીમાં સરભર થશે. બાકીની અડધી રકમ ૨૦૨૧-૨૨માં જે ૬૦૦ વધારાના ઓફિસરોની નિમણુંક કરવાની છે તે પ્રક્રિયાને વિલંબમાં મૂકીને પહોંચી વળાશે. સાદિક ખાને જણાવ્યું હતું કે ગુનો અને ગુનાના કારણો પ્રત્યે તેમનું વલણ કડક રહ્યું છે. તેમણે ઉમેર્યું કે લંડનમાં અગાઉ કરતાં અત્યારે ૧,૦૦૦ વધુ ઓફિસર છે.
• વર્જિનીટી ટેસ્ટીંગ પર પ્રતિબંધના કાયદાને કોમન્સની મંજૂરીઃ
યુકેમાં વર્જિનીટી ટેસ્ટીંગ પર પ્રતિબંધ માટે નવો કાયદો અમલમાં આવશે. ટોરી સાંસદ રિચાર્ડ હોલ્ડનના આ બિલને પ્રારંભિક તબક્કામાં હાઉસ ઓફ કોમન્સમાં મંજૂરી મળી હતી. કૌમાર્ય પરીક્ષણની મધ્યકાલીન પરંપરામાં મહિલાઓ અને યુવતીઓના માનવ અધિકારનો કેવી રીતે ભંગ થાય છે તે વિશે સાંસદોને માહિતી અપાઈ હતી. તાજેતરમાં બીબીસીની તપાસમાં જણાયું હતું કે યુકેમાં ૨૧ ક્લિનિકમાં ૧૫૦થી ૩૦૦ પાઉન્ડમાં આ ટેસ્ટ થાય છે. જાન્યુઆરીમાં આ બિલનું બીજું વાંચન થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે કૌમાર્યપટલ અકબંધ છે કે નહીં તે ચકાસવા વેજિનલ ટેસ્ટ તરીકે થતાં ટેસ્ટના કોઈ વૈજ્ઞાનિક પૂરાવા નથી. સેક્સ્યુઅલ હેલ્થ અને સ્પેશિયાલિસ્ટ સેક્સ્યુઅલ વાયોલન્સ વર્ક નર્સ સહિત યુકેના હેલ્થ પ્રોફેશનલ્સનું કાયદામાં સુધારાને સમર્થન છે.
• ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે ૨૦૨૦માં ૮૦,૦૦૦ ગુના ન નોંધ્યાઃ
ઈંગ્લેન્ડનું બીજા ક્રમનું સૌથી મોટું પોલીસ ફોર્સ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ (GMP)ના ઓફિસરો ૨૦૨૦માં ૮૦,૦૦૦ ગુના નોંધવામાં નિષ્ફળ રહ્યા હોવાનું ઈન્સ્પેક્શન રિપોર્ટમાં જણાતા તેને સ્પેશિયલ મેઝર્સ શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. ગુના નોંધવામાં અને નિર્બળ લોકોના રક્ષણમાં નિષ્ફળતાને પરિણામે હર મેજેસ્ટી ઈન્સ્પેક્ટોરેટ ઓફ કોન્સ્ટેબ્યુલરી (HMI) દ્વારા તેને આ શ્રેણીમાં મૂકાયું હતું. આ અગાઉ માત્ર ક્લેવલેન્ડ પોલીસને આ શ્રેણીમાં મૂકાઈ હતી. HMI દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી GMPને સતત ચેતવણી અપાતી હતી. હવે GMP યોગ્ય સુધારો નહીં દર્શાવે ત્યાં સુધી તેને આ શ્રેણીમાં જ રખાશે.