• સેન્ડહર્સ્ટમાં સિવિલ સર્વન્ટને મિલિટરી જેવી ટ્રેનિંગ અપાશેઃ
પાર્લામેન્ટની લાયેઝન કમિટીના સાંસદોને વડા પ્રધાન બોરિસ જહોન્સને જણાવ્યું હતું કે ભવિષ્યમાં સિવિલ સર્વન્ટ્સને સેન્ડહર્સ્ટમાં મિલિટરી જેવી ટ્રેનિંગ અપાશે. તેમણે ઉમેર્યું કે સરકાર સિવિલ સર્વિસમાં કૌશલ્ય વધારવાના તેના વચનના ભાગરૂપે ઓફિસરોને મિલિટરી એકેડમી ખાતે સત્તાવાર ટ્રેનિંગ આપવા વિચારી રહી છે. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવે આ વર્ષના પ્રારંભે જણાવ્યું હતું કે સરકારમાં લોકોને ટ્રેનિંગ આપવા માટે યોગ્ય સુવિધાથી સજ્જ કેમ્પસ માટે તેઓ વિચારી રહ્યા છે.
• બિટકોઈન્સ શોધવા ન્યૂપોર્ટ કાઉન્સિલને £૫૦ મિલિયનની ઓફરઃ
સાઉથ વેલ્સના ન્યૂપોર્ટમાં કચરાના ઢગમાંથી મિલિયન્સ પાઉન્ડની વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈન્સ બહાર કાઢવામાં મદદરૂપ થાય તો લોકલ કાઉન્સિલને તેના ચોથા ભાગની સંપતિ આપવાની ૩૫ વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર જેમ્સ હોવેલે ઓફર કરી હતી. તેણે જણાવ્યું કે તેણે ૨૦૧૩માં ભૂલથી આ કરન્સી સાથેની હાર્ડ ડ્રાઈવ ફેંકી દીધી હતી. તેના જૂના લેપટોપની હાર્ડ ડિસ્કમાં અંદાજે ૨૦૦ મિલિયન પાઉન્ડના બિટકોઈન્સ છે. હોવેલે જણાવ્યું કે તે જગ્યાએ ખોદકામ કરવા દેશે તો તેને અને કાઉન્સિલને બન્નેને લાભ થશે. પરંતુ, ત્યાં ખોદકામ કરવાથી લાયસન્સિંગ નિયમોનો ભંગ થશે તેમ જણાવીને લોકલ ઓથોરિટીએ તે સ્થળે ખોદકામનો ઈન્કાર કર્યો હતો.
• એનર્જી બિલમાં વાર્ષિક £૮૭ પાઉન્ડનો વધારો થશે
હોલસેલ ગેસ અને ઈલેક્ટ્રિસિટીના ભાવમાં ફરી વધારો થવાને લીધે આગામી એપ્રિલથી ૧૧ મિલિયન પરિવારો માટે એનર્જી બિલમાં વાર્ષિક ૮ ટકાનો એટલે કે લગભગ ૮૭ પાઉન્ડનો વધારો થાય તેવી શક્યતા છે. આ માટેની વાર્ષિક મર્યાદા ૧,૧૨૯ પાઉન્ડ કરાઈ છે.
• BT ના દરેક ગ્રાહકને £૫૦૦ વળતર મળશે
લેન્ડલાઈન ગ્રાહકો પાસેથી નિર્ધારિત કરતાં વધુ રકમ વસૂલવાની મોનોપોલીના આક્ષેપસરના એક સીમાચિહ્ન કોર્ટ કેસમાં BT ના લગભગ ૨.૩ મિલિયન ગ્રાહકને £૫૦૦નું વળતર મળે તેવી શક્યતા છે. વપરાશકારો પાસેથી ઓવરચાર્જિંગ માટે ટેલિકોમ જાયન્ટ સામે કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ લગભગ ૬૦૦ મિલિયન પાઉન્ડનો ક્લેઈમ કરાયો હતો. કંપનીએ ૨૦૧૫-૨૦૧૮ વચ્ચે માત્ર લેન્ડલાઈનની ડિલ કરી હતી.
• હાઉસ પાર્ટી સામે કાર્યવાહીની પોલીસને સત્તા
કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવાના પ્રયાસમાં જે હાઉસ પાર્ટીમાં ૧૫થી વધુ લોકો ભેગા થયા હોય ત્યાં કાર્યવાહી કરવા માટે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પોલીસને સત્તા આપશે. હોમ ઓફિસ દ્વારા તૈયાર કરાયેલી આ યોજના હેઠળ હેલ્થ ઓફિસરો જેને ‘સુપર સ્પ્રેડર એન્વાયર્નમેન્ટ’ ગણાવે છે તેમાં હાજર રહેલાને ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ કરાશે.
• કોવિડ અને બ્રેક્ઝિટથી ઓટોમોબાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં
કોરોના મહામારી, પાર્ટ્સની અછત અને પોર્ટ પર વિલંબને લીધે જગુઆર લેન્ડ રોવર, નિસાન અને વોક્સહોલને તેમનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી છે. આથી બ્રિટનના અગાઉથી મંદ પડેલા ઓટોમોબાઈલ ઉદ્યોગને ભારે મુશ્કેલી ઉભી થઈ છે.
• જેબ વિઝિટ ઝડપી બનાવવા GP માટે નિયમો હળવા
જેબ આપવાની કાર્યવાહી ઝડપી બનાવવા માટે જે જીપી ઘરે જઈને કોવિડ-૧૯ની વેક્સિન આપતા હશે તે હવે કેટલાંક પરિવારો માટે એક જ વાયલનો ઉપયોગ કરી શકશે. વેક્સિન આપ્યા પછી તેમણે દર્દીનું મોનિટરીંગ પણ કરવાનું રહેશે નહીં. અગાઉના ગાઈડન્સમાં સૂચવાયું હતું કે પંચર કરાયેલી એસ્ટ્રાઝેનેકાના આઠ અથવા દસ ડોઝ ધરાવતી વાયલની હેરફેર કરવાનું શક્ય નથી. NHS ઈંગ્લેન્ડ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે રસી છ કલાકમાં વપરાઈ જાય ત્યાં સુધી વાયલ્સને એક ઘરેથી બીજા ઘરે લઈ જઈ શકાશે.
• સ્ટાફે વડીલ યુગલને ‘છેલ્લી વખત’ ભેગું કર્યું
કોવિડ વાઈરસથી ગંભીર બીમાર પત્ની ૭૬ વર્ષીય બાર્બરાને ‘વધુ એક-બે કલાક જેટલાં કિંમતી સમય’ માટે મળવા દેવાની કોવિડના દર્દી પતિ ૭૯ વર્ષીય ગેરી જેરેટને મંજૂરી અપાઈ હતી. તેમની પુત્રીનું માનવું છે કે તે તેમના જીવનની એકસાથેની છેલ્લી ક્ષણ હતી. બન્નેને બે અઠવાડિયા પહેલા સરેમાં કેમ્બરલી નજીક ફ્રિમ્લે પાર્ક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બન્નેને અલગ વોર્ડમાં રખાયા હતા પરંતુ, જેરેટની તબિયત વધુ ખરાબ થતાં સ્ટાફે તેમને ભેગાં કરવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.
• કેર હોમમાં બેદરકારીને લીધે ૭ દર્દીનું મૃત્યુ
ડોક્ટરની માલિકીના કેર હોમમાં બેદરકારીને લીધે મોટી ઉંમરના ૭ દર્દીનું મૃત્યુ થયું હોવાનું ગ્વેન્ટમાં ન્યૂપોર્ટ ખાતે ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું. તેમાં ચાર પુરષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ પછી ન્યૂ ટ્રેડેગરના બ્રિથડીર નર્સિંગ હોમના માલિક પ્રાણ દાસ પર બેદરકારી અને છેતરપિંડીનો આરોપ મૂકાયો હતો. પરંતુ, કોઈ અદાલતી કાર્યવાહી થાય તે પહેલા ૨૦૧૯માં તેમનું મૃત્યુ થયું હતું.
• ૨૪૩ દિવસ પછી પાઈલોટ કોરોનાથી સાજો થયો
કોવિડ-૧૯ની બીમારી સાથે ગયા માર્ચમાં ટેક્સાસની હોસ્પિટલમાં દાખલ કરાયેલા બ્રિટિશ એરવેઝના ૫૯ વર્ષીય પાઈલોટ નિકોલસ સિનોટ વિક્રમજનક ૨૪૩ દિવસ બાદ સાજા થઈને સ્વદેશ પરત ફર્યા હતા. તેઓ સૌથી લાંબો સમય હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા. સરેમાં બેચવર્થ ખાતે આવેલા ઘરે જવા ક્રિસમસ પહેલા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા.
• ફર્સ્ટ ટાઈમ બાયરને લાંબા ગાળાનું મોર્ગેજ લેવાનું દબાણ
હાઉસિંગ પ્રોપર્ટીના ભાવ વધવાથી માસિક રિપેમેન્ટમાં સુવિધા મળે તે માટે લાંબા ગાળાનું મોર્ગેજ લેતા ફર્સ્ટ ટાઈમ બાયરનું પ્રમાણ વિક્રમજનક સ્તરે પહોંચ્યું હતું. પહેલી વખત મકાન ખરીદનારા પૈકી ૭૦ ટકાએ ૨૫ વર્ષથી વધુ સમયનું મોર્ગેજ લીધું હોવાનું નેશનવાઈડના હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ અફોર્ડેબિલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. એક દાયકા અગાઉ ૪૫ ટકાએ ૩૫ વર્ષ સુધીનું મોર્ગેજ લીધું હતું.
• યુકેમાં કોરોનાનો મૃત્યુઆંક ૧૦૦,૦૦૦ને પારઃ
લગભગ એક વર્ષ પહેલા યુકેમાં કોરોના દેખાયો ત્યારથી અત્યાર સુધીમાં ૧૦૦,૦૦૦થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સના માનવા મુજબ તે પોલિસી અને પદ્ધતિની સદંતર નિષ્ફળતાની નિશાની છે. ૧૩ જાન્યુઆરીએ ૧,૫૬૪ મૃત્યુ થયા હતા જે એક જ દિવસનો સૌથી ઉંચો આંક હતો. સરકારી અને સ્ટેટેસ્ટિકલ એજન્સીના આંકડા મુજબ કુલ મૃત્યુ આંક ૧૦૧,૧૬૦ થયો હતો. મહામારીના પહેલા મોજાં વખતે મૃત્યુ આંકનો જે અંદાજ મૂકાયો હતો તેના કરતાં ખૂબ વધારે મૃત્યુ થયાં છે. મહામારી દરમિયાન યુકેમાં દર ૬૬૦ લોકોમાંથી એકનું કોવિડ અથવા કોવિડ સંબંધિત કારણથી મૃત્યુ થયું છે. યુકેમાં કોવિડથી મૃત્યુદર દર ૧૦૦,૦૦૦ લોકોએ ૧૫૧નો છે જેની સરખામણીએ યુએસ, સ્પેન અને મેક્સિકોનો આ મૃત્યુદર અનુક્રમે ૧૧૬, ૧૧૩ અને૧૦૮ લોકોનો છે.
• યુકેની ૭૧ ટકા વર્કિંગ મધર્સને ફર્લોનો ઈનકારઃ
૫૦,૦૦૦ મહિલાઓના સર્વેમાં વર્કિંગ મધર્સ દ્વારા અનુભવાતી તકલીફો બહાર આવી હતી અને ટ્રેડ યુનિયનોની છત્રસંસ્થા TUCએ તેને ‘મદદ માટે પોકાર’ ગણાવી હતી. સ્કૂલો બંધ હોવાથી બાળકોની સંભાળના કારણસર ફર્લોની માગ કરતી ૭૦ ટકા વર્કિંગ મધર્સને ફર્લોનો ઈનકાર કરાયો હતો. TUCના જનરલ સેક્રેટરી ફ્રાન્સીસ ઓ'ગ્રેડીએ જણાવ્યું કે વર્કિંગ પેરન્ટ્સને સરકાર દ્વારા સહાયના અભાવને લીધે આર્થિક મુશ્કેલી અને તણાવ ઉભો થાય છે. તેમાં ઓછું વેતન ધરાવતી માતા અને સિંગલ પેરન્ટ્સને સૌથી વધુ તકલીફ થાય છે. એપ્રિલ ૨૦૨૦થી જોબ રિટેન્શન સ્કીમમાં ચાઈલ્ડકેરના અભાવે કામ પર નહિ જઈ શકતા પેરન્ટ્સને ફર્લો પર ઉતારવા બોસીસને મંજૂરી અપાઈ હતી.
• યુકેની રેલ સેવામાં ૫૦ ટકાથી ઓછાનો ઘટાડો થશેઃ
૨૧ જાન્યુઆરીએ રેલવે ટાઈમટેબલમાં ઘટાડાની જે જાહેરાત થશે તેમાં અપેક્ષા મુજબ રેલસેવામાં ૫૦ ટકાથી ઓછાનો ઘટાડો થશે. આગામી થોડાં અઠવાડિયામાં બ્રિટનની રેલ સેવાઓ કોરોના મહામારી અગાઉ જે હતી તેના ૭૨ ટકા જેટલી કરાશે અને પ્રવાસીઓ મુસાફરી કરે તે પહેલા તેમની ટ્રેન સેવા ચાલુ છે કે નહીં તે ચકાસવા જણાવાયું છે. NHS સ્ટાફ જેવા મુખ્ય વર્કરો તેમના કામના સ્થળે જઈ શકે તે માટે ટ્રેન ઓપરેટરોએ સવાર અને સાંજના પીક ટ્રાવેલ ટાઈમ ફરી જળવાય તેના પર ધ્યાન આપ્યું છે.
• HMRCને કસ્ટમર સર્વિસની ફરિયાદો ૧૨ ટકા વધીઃ
કસ્ટમર સર્વિસના છ મહિનાના સંઘર્ષ પછી HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સને નાગરિકો દ્વારા દર વર્ષે કરાતી ફરિયાદોમાં ૧૨ ટકાનો વધારો જણાયો હતો. ધીમા પણ સતત સુધારાના ગાળા પછી HMRCની કામગીરીમાં પણ નવેમ્બરમાં ફરી તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ડિપાર્ટમેન્ટને તે મહિનાના અંત સુધીમાં વર્ષ ૨૦૨૦ -૨૧ દરમિયાન કુલ ૫૦,૦૫૬ ફરિયાદો મળી હતી, જે અગાઉના વર્ષના તે સમયગાળા કરતા ૫,૫૦૦ વધુ હતી. યુકેમાં પહેલું લોકડાઉન થયું તેના ટૂંક સમયમાં એપ્રિલ – ૨૦૨૦ની શરૂઆતમાં ફોનકોલનો જવાબ આપવાના સમયમાં વધારો થયાનું જણાયું હતું. નવેમ્બરમાં ગ્રાહકના ફોનનો જવાબ આપવામાં ૧૨ મિનિટ ૪૫ સેકન્ડનો સમય લાગતો હતો.
• સાલમોન્ડ પ્રકરણમાં સ્ટર્જન સામે તપાસની માગઃ
નિકોલા સ્ટર્જને એલેક્સ સાલમન્ડ પ્રકરણમાં સ્કોટિશ પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી હોવાના નવા આક્ષેપોને પગલે વિપક્ષના સાંસદો દ્વારા આ પ્રકરણમાં સ્ટર્જને કરેલી કાર્યવાહીની તપાસની માગ વ્યાપક બની છે સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર સાલમન્ડે તેની આંતરિક તપાસમાં સ્ટર્જન કેટલું જાણે છે તે દર્શાવવામાં નિષ્ફળ રહીને મિનિસ્ટરિયલ કોડનો ભંગ કર્યો હોવાનો દાવો કરતા ચાર સાંસદોએ ભૂતપૂર્વ પ્રોસિક્યુટરને તેની તપાસ કરવા જણાવ્યું હતું. સાલમન્ડ સામે જાતીય ગેરવર્તણુંકના બે આક્ષેપોની સિવિલ સર્વિસ તપાસમાં સ્ટર્જને દખલગીરી કરી હતી કે કેમ તેની તપાસ માટે ૨૦૧૯માં જેમ્સ હેમિલ્ટન QCની નિમણૂક કરાઈ હતી.
• મર્ચન્ટ ટેલરની ક્લાઈવ ઓફ ઈન્ડિયા સ્કૂલનું નામ બદલાયુઃ
સંસ્થાનવાદ સાથે સંબંધ ધરાવતા ૧૮મી સદીના વિવાદાસ્પદ મીલીટરી વડા રોબર્ટ ક્લાઈવના નામ સાથેના પ્રાઈવેટ સ્કૂલ હાઉસ મરચન્ટ ટેલર્સ સ્કૂલ ફોર બોયઝનું નામ બદલી દેવાયું છે. નોર્થવુડસ્થિત આ સ્કૂલનું નામ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સરેના ક્રિકેટર જહોન રાફેલ પર રખાયું હતું. તે ઈંગ્લેન્ડ તરફથી રગ્બી રમતા હતા અને ૧૯૧૭ના યુદ્ધમાં મોતને ભેટ્યા હતા. લોર્ડ ક્લાઈવ પોતે આ સ્કૂલમાં એક વર્ષ ભણ્યા હતા. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનારા અને બેંગાલ પ્રેસિડેન્સીના પ્રથમ બ્રિટિશ ગવર્નર બનેલા ક્લાઈવે બંગાળનો ૨.૩૫ મિલિયન પાઉન્ડની કિંમતનો ખજાનો લૂંટ્યો હતો. શાળાનું નામ બદલવા પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શ કરાયો હતો.

