• હેન્ડ્સવર્થ ગેંગ હુમલામાં ૧૫ વર્ષીય ટીનેજરનું મૃત્યુઃ
૨૨ જાન્યુઆરીએ હેન્ડ્સવર્થમાં ગેંગ દ્વારા કરાયેલા નિર્દયી હુમલામાં મૃત્યુ પામેલા ૧૫ વર્ષીય ટીનેજરનું નામ કેઓન લિંકન હોવાનું સત્તાવાર જણાવાયું હતું. પોલીસે જેની પાસે હુમલાખોરો વિશે કોઈ માહિતી હોય તો તેમનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. પરિવારે તેના વહાલસોયા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પી હતી. બપોરે લીનવુડ રોડ પર હથિયારો સાથે થયેલા હુમલામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. હત્યાની શંકાના આધારે ૧૪ વર્ષીય ટીનેજરની ધરપકડ કરાઈ હતી અને તેની પૂછપરછ હાથ ધરાઈ હતી.
• વિદ્યાર્થીની હત્યા કરનાર ટીનેજરને આજીવન કેદની સજાઃ
ગયા વર્ષે ૧૮ જુલાઈએ લેસ્ટરના હાઈફિલ્ડસની બાર્થોલોમ્યૂ સ્ટ્રીટમાં બિઝનેસ સ્ટડીઝનો અભ્યાસ કરતા ૧૯ વર્ષીય હસન જામાનું સ્ટેબિંગ કરીને મૃત્યુ નીપજાવનાર ૧૮ વર્ષીય કોલેજ ડ્રોપ આઉટ ઈશાક હસનજીને જ્યૂરીએ આજીવન કેદની સજા ફરમાવી હતી. દમોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જામાની છાતીમાં સ્ટેબિંગ કરનારા હસનજીએ દાવો કર્યો હતો કે તેણે સ્વબચાવમાં આ કૃત્ય કર્યું હતું. પરંતુ, જ્યૂરીએ તેના દાવાને ૧૦ વિરુદ્ધ ૨ની બહુમતી સાથે ફગાવીને તેને દોષી જાહેર કર્યો હતો. જામા લોહી નીકળતી હાલતમાં દોડ્યો હતો. પરંતુ, હસનજીએ નાઈફ સાથે તેનો પીછો કર્યો હતો.
• યુકેએ ટાન્ઝાનિયા અને કોંગોથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યોઃ
સાઉથ આફ્રિકાના કોવિડ સ્ટ્રેઈનને અટકાવવાના પ્રયાસમાં યુકેએ ટાન્ઝાનિયા અને કોંગોથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે આ બે આફ્રિકી દેશોથી આગમન પર મનાઈ ફરમાવી હતી. જોકે, આ નિયમ આ દેશોમાંથી પરત ફરતાં બ્રિટિશ અને આઈરીશ લોકો તેમજ રેસિડેન્સી રાઈટ ધરાવતા લોકોને લાગૂ નહી પડે. યુકેના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલેન્સે કોરોના વાઈરસના વેરિયન્ટ્સ ખરેખર ચિંતાનો વિષય હોવાની આપેલી ચેતવણી પછી આ નિર્ણય લેવાયો હતો. વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે હાલની વેક્સિન 501Y.V2 તરીકે ઓળખાતા સાઉથ આફ્રિકન વેરિયન્ટ સામે ઓછી અસરકારક રહેશે.
• વેસ્ટ મીડલેન્ડ્સમાં સાતમાંથી એક વ્યક્તિ કોરોના સંક્રમિત હતીઃ
વેસ્ટ મીડલેન્ડ્સમાં દર સાતમાંથી એક વ્યક્તિને કોરોના હતો તેમ નવા આંકડામાં જણાવાયું હતું. તે રાષ્ટ્રીય સરેરાશ કરતા થોડો વધારે છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં દર આઠ વ્યક્તિએ એક વાઈરસથી સંક્રમિત થઈ હતી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સની માહિતી મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં કુલ લોકો પૈકી ૧૪.૩ લોકો કોવિડ – ૧૯ના એન્ટિબોડીઝ માટે પોઝિટીવ જણાયા હતા. જે સૂચવે છે કે તેઓ ભૂતકાળમાં ક્યારેક વાઈરસથી સંક્રમિત થયા હતા. યોર્કશાયર અને હમ્બરમાં સંક્રમણનો દર સૌથી વધુ હતો. ત્યાં દર છમાંથી એક વ્યક્તિ સાથે ૧૬.૮ ટકા લોકોનો ટેસ્ટ પોઝિટીવ હતો. જ્યારે સાઉથ વેસ્ટમાં આ દર સૌથી ઓછો ૪.૯ ટકા એટલે કે ૨૦માથી એક વ્યક્તિનો રહ્યો હતો.
• સાંસદોની ઈન્ક્વાયરીનો જવાબ આપવામાં હોમ ઓફિસ નિષ્ફળઃ
સાંસદોની અડધાથી વધુ ઈન્ક્વાયરી અંગે નિર્ધારિત સમયમાં પ્રતિક્રિયા આપવામાં હોમ ઓફિસ નિષ્ફળ રહેતા યુકેના નિર્બળ લોકોમાં નિરાશા ફેલાઈ હતી. તેમાંની ઘણી ઈન્ક્વાયરી મદદ મેળવવાને લગતી હતી. આ વિભાગને સાંસદો તરફથી ઈન્ક્વાયરી મળે છે તેમાં મોટાભાગની લોકોના ઈમિગ્રેશન કેસની હોય છે. તેમને ચૂકાદા માટે ઘણાં લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. હોમ ઓફિસ આવી વિનંતીઓમાંથી ૯૫ ટકાનું ૨૦ વર્કિંગ દિવસમાં નિકાલનું લક્ષ્ય રાખે છે. જોકે, ગયા વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ઉપલબ્ધ સત્તાવાર આંકડા દર્શાવે છે કે સાંસદોની રજૂઆતોમાંથી માત્ર ૫૪ ટકાનો જ નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ આવ્યો હતો.
• યુકેના ૩૩ ટકાથી વધુ ગ્રાહકોને કેશ ચૂકવતા અટકાવાયાઃ
કોવિડ મહામારી શરૂ થઈ ત્યારથી ૩૩ ટકાથી વધુ ગ્રાહકોને કેશ ચૂકવતા અટકાવી દેવાતા યુકેના કેશ નેટવર્ક પર આધાર રાખતા મિલિયન્સ લોકોના રક્ષણ માટે તાકીદે પગલાં લેવા અનુરોધ કરાયો હતો. કન્ઝ્યુમર ગ્રૂપ Which? દ્વારા જણાવાયું કે કેશની સલામતિ અંગે મિશ્ર પ્રતિભાવો જવાબદાર છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે બાસ્કેટ, સેલ્ફ ચેકઆઉટ સ્ક્રીન અથવા સ્ટોરમાં રખાયેલી પ્રોડક્ટ્સને સ્પર્શ કરવાથી રહેતા જોખમની સરખામણીમાં કેશના વ્યવહારથી કોઈપણ પ્રકારનું જોખમ ઓછું રહે છે. Which? દ્વારા ૩૪ ટકા ગ્રાહકોનો સર્વે કરાયો હતો તેમણે જણાવ્યું કે ફર્સ્ટ લોકડાઉનથી અત્યાર સુધીમાં તેમને કેશની ચૂકવણી કરતા ઓછામાં ઓછું એક વખત અટકાવાયા હતા.
• બ્રેક્ઝિટ નિયમોને લીધે ઈયુ હોલિયર્સે યુકેનું કામ બંધ કર્યુઃ
ઈયુના હોલિયર્સ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓને માલસામાન બ્રિટનમાં પહોંચે ત્યારે વેટ અથવા ટેરિફ કવર કરવા માટે ગેરન્ટી તરીકે હજારો પાઉન્ડ ચૂકવવા જણાવાતું હોવાથી યુકે સાથેનો બિઝનેસ બંધ કરતા હોવાનું બ્રિટિશ ફ્રેઈટ કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું. બ્રેક્ઝિટ પહેલા ફાઈનાન્સિયલ ગેરન્ટીની જરૂર ન હતી. અગાઉ નાની અને મીડિયમ સાઈઝની કંપનીઓને શિપિંગ સર્વિસ પૂરી પાડતી ઈયુ ટ્રાન્સપોર્ટ કંપનીઓએ વધારાનો નાણાંકીય બોજ ન લેવાનો નિર્ણય કર્યો હોવાનું માન્ચેસ્ટરમાં આવેલી કી કાર્ગો ઈન્ટરનેશનલના કોલિન જેફ્રીસે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ૨૦,૦૦૦ પાઉન્ડની કિંમતના સામના સાથેના ટ્રકને માત્ર વેટ માટે જ ૪૦,૦૦૦ પાઉન્ડની કેશ અથવા ટી વન ફાઈનાન્સિયલ ગેરન્ટી ડોક્યુમેન્ટની જરૂર પડે છે.
• વેસ્ટ મીડલેન્ડ્સના પરિવારે કબાબ લેવા ૩૫૦ માઈલનું ડાર્ઈવિંગ કર્યુઃ
કોવિડ લોકડાઉન દરમિયાન એક પિતાએ કબાબ લેવા માટે બે બાળકો અને પત્ની સાથે એક્સેટરથી કોવેન્ટ્રી સુધી ૩૫૦ માઈલ સુધી કાર ડ્રાઈવ કરી હતી. તેઓ જ્યારે એક્સેટરમાં આવેલા તેમના ઘરે પાછા ફરતા હતા ત્યારે કારને અકસ્માત નડ્યો હતો. બ્રિસ્ટોલમાં પોર્ટીશીડ નજીક M5 પર અકસ્માત કરનારા ડ્રાઈવર પાસે લાઈસન્સ અથવા ઈન્સ્યોરન્સ ન હતો. પોલીસે તેમની સામે લાઈસન્સ અથવા ઈન્સ્યોરન્સ વિના તથા કોવિડ -૧૯ નિયમના ભંગ સહિત વિવિધ ગુના હેઠળ દંડ કર્યો હતો. એવન એન્ડ સમરસેટ રોડ પોલીસીંગ યુનિટે આ માહિતી ટ્વીટ કરી હતી.

