સંક્ષિપ્ત સમાચાર (યુકે)

• પાંચમાંથી એક વ્યક્તિ વર્ક ફ્રોમ હોમની તરફેણમા

Wednesday 17th February 2021 04:38 EST
 

• પાંચમાંથી એક વ્યક્તિ વર્ક ફ્રોમ હોમની તરફેણમા

સોશિયલ ડિસ્ટન્સિંગના નિયંત્રણો હટાવી લેવાય તે પછી પણ દર પાંચમાંથી એક વ્યક્તિ વર્કિંગ ફ્રોમ હોમ ચાલુ રાખવાની તરફેણમાં હોવાનું અંદાજે ૪૦૦૦ ઓફિસ કર્મચારીઓના સર્વેમાં જણાયું હતું. લગભગ ૧૭ ટકા લોકોએ આ તરફેણ કરી હતી. ઘરેથી લોકો ઘણાં કલાકો સુધી કામ કરે છે તે છતાં પરિવાર સાથે પણ વધારે સમય વીતાવે છે અને ઘરના કામો પણ સારી રીતે પૂરા કરતા હોવાનું ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ પર્સોનલ એન્ડ ડેવલપમેન્ટ અને માઈક્રોસોફ્ટના રિપોર્ટમાં જણાયું હતું. ગયા માર્ચમાં લોકડાઉનની જાહેરાત થયા પછી રિમોટ વર્કિંગના દરમાં ભારે ઉછાળો આવ્યો હતો અને તે વધીને ૩૭ ટકા થયો હતો. મહામારી અગાઉ માત્ર ૫ ટકા કર્મચારીઓ જ ઘરેથી કામ કરતા હતા. 

• ૧૦૦,૦૦૦ લોકો સ્ટેમ્પ ડ્યૂટી હોલિડેના લાભથી વંચિત રહેશે

ગયા વર્ષે મકાન ખરીદવા સંમત થયેલા અંદાજે ૧૦૦,૦૦૦ લોકો સમયસર ખરીદી પૂરી કરી ન શકે તેમ હોવાથી તેઓ સ્ટેમ્પ ડ્યૂટી હોલિડે ચૂકી જાય તેવું બની શકે. ગયા જુલાઈમાં ચાન્સેલર રિશિ સુનાકે ૩૧ માર્ચ સુધી ૫૦૦,૦૦૦ પાઉન્ડથી ઓછી રકમની ખરીદ કિંમત પર સ્ટેમ્પ ડ્યૂટી નાબૂદ કરી હતી. સેલ્સ વેબસાઈટ ‘રાઈટમૂવ’ના જણાવ્યા મુજબ પાંચમાંથી એક ટ્રાન્ઝેક્શન એટલે કે લગભગ ૧૦૦,૦૦૦ ટ્રાન્ઝેક્શન હજુ પૂરા થવાના બાકી છે.

• વધુ ફરિયાદોની શક્યતાથી ડોક્ટરો ચિંતિત

મહામારી દરમિયાન કોરોનાના દર્દીઓની સંભાળ રાખવાના દબાણના પરિણામે ફરિયાદોમાં ભારે વધારો થવાની ડોક્ટરોને દહેશત છે. ક્લિનિકલ નેગ્લીજન્સ ક્લેઈમ્સ માટે હેલ્થકેર વર્કરોને વળતર આપતા મેડિકલ ડિફેન્સ યુનિયને જણાવ્યું હતું કે ડોક્ટરોએ તેમને કહ્યું હતું કે સ્ટાફની અછત અને ઈન્ટેન્સીવ કેર સ્ટાફની માગને પહોંચી વળવા અન્ય કામગીરી કરતી વખતે તેઓ ભૂલ કરે તેમ હોવાથી તેઓ ચિંતિત છે. સંસ્થા અને મેડિકલ વેબસાઈટ જીપોનલાઈન દ્વારા ૧,૨૦૩ ડોક્ટરોના સર્વેમાં જણાયું હતું કે પ્રાઈમરી કેરના ૩૮ ટકા ડોક્ટરોએ જણાવ્યું કે તેમને મહામારી સંબંધિત કમ્પ્લેઈન્ટ મળી હતી.   

• ગેરવર્તણુંકને લીધે પોલીસ વડાએ નોકરી ગુમાવી

વોટ્સએપ મેસેજમાં પોતાના સહયોગી સાથે મુસાફરોનું વર્ણન કરવા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ એક પોલીસ વડાને નોકરીમાંથી છૂટાં કરવામાં આવ્યા હતા. હેમ્પશાયર કોન્સ્ટેબ્યુલરીએ ચીફ સ્પેશિયલ ઓફિસર ટોમ હેયને આ ગેરવર્તણુંક બદલ નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. પોલીસમાં ૩૦ વર્ષથી ફરજ બજાવતા હેય આ કાર્યવાહી સામે અપીલ કરશે.     

• ક્લિનિક્સમાં અછત વચ્ચે સ્પર્મ ડોનર્સ નેટ પર ઉપલબ્ધ  

લોકડાઉનને લીધે સ્પર્મના સંગ્રહમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અછત સર્જાઈ ત્યારે નોર્ધમ્પ્ટનમાં રહેતા ૩૬ વર્ષીય સાયન્ટિસ્ટ અને પાંચ બાળકોના પિતા બ્રેડલી વ્હાઈટે તેમાં મદદરૂપ થવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું કે સ્પર્મ માટે તેમને છેલ્લાં એક મહિનામાં ૪૦ જેટલી રિક્વેસ્ટ આવી હતી. સ્પર્મની અછતને લીધે મહીલાઓને ફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં લાંબો વિલંબ થઈ જાય છે અને સોશિયલ મીડિયા પર તેની કાળાબજારીને વધુ ઉત્તેજન મળે છે. ડોનર બેંકમાં તેનો ખર્ચ ખૂબ થાય છે અને કોરોના મહામારીને લીધે તે બંધ છે. વિકલ્પ મેળવવા માટે લોકો ફેસબુક ગ્રૂપ્સનો આશ્રય લે છે.  

• કોરોના સામે રક્ષણ માટે બે ફેસ કવર લગાવો

લોકોએ કોરોના વાઈરસના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે બે ફેસ કવર એટલે કે બે માસ્ક પહેરવા જોઈએ તેવી સલાહ બ્રિટનના એક અગ્રણી વાઈરોલોજિસ્ટે આપી હતી. મેડિકલ એક્સપર્ટ્સ અને અગ્રણી રાજકારણીઓએ મંજૂરીની મહોર માર્યા પછી અમેરિકામાં ડબલ માસ્કિંગની પ્રથા લોકપ્રિય બની હતી. તેની પદ્ધતિ અલગ હોય છે. પરંતુ, મોટાભાગે લોકો કોટન માસ્કની નીચે સર્જિકલ ફેસમાસ્ક પહેરે છે.   

• તુર્કીએ દેખાવો કરી રહેલા ઉઈઘુર્સને અટકમાં લીધા

તુર્કીમાં ચીની કેદી શિબિરોમાં સગાંસંબંધીઓને કેદ રાખવાનો વિરોધ કરી રહેલા ઉઈઘુર્સને પોલીસે અટકમાં લીધા હતા. ચીન સાથે તુર્કી પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષરો કરવાની તૈયારી કરી રહી હોય તેવી દહેશત તેને લીધે ઉભી થઈ હતી. એર્ડાગોનમાં ચીની એલચી કચેરી બહાર પ્લેકાર્ડ સાથે દેખાવો કરતા ચાર દેખાવકારોની અટક કરાઈ હતી.   

• વધુ ભણેલા પેરન્ટ્સના સંતાનો વધુ રંગીન મિજાજના

સ્કૂલેથી સીધા કામે જનારા પેરન્ટ્સના સંતાનોની સરખામણીમાં વધુ શિક્ષિત પેરન્ટ્સના સંતાનો ડ્રિંક્સની મોજ માણતા અને ઉઠાવગીરી વધુ કરતા હોવાનું ૧૭ વર્ષની ઉંમરના લગભગ ૧૯,૦૦૦ યુવાનોના અભ્યાસમાં જણાયું હતું.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter