સંક્ષિપ્ત સમાચાર...(યુકે)

Wednesday 14th April 2021 07:09 EDT
 

• ગ્રીનસિલ લોબીઈંગ કૌભાંડમાં સ્વતંત્ર રિવ્યુ

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન અને ગ્રીનસિલ લોબીઈંગ સ્કેન્ડલમાં સ્વતંત્ર રિવ્યૂની જાહેરાત કરી છે. હાલ પડતીમાં આવેલી ફાઈનાન્સિયલ કંપની કંપની વતી કેમરનની કામગીરીની ભારે ટીકાના પગલે કાનૂની નિષ્ણાત નાઈજેલ બોર્ડમાન અને કેબિનેટ ઓફિસના વડપણ હેઠળ આ રિવ્યૂ કરાશે. ડેવિડ કેમરને પોતે કશું ખોટું નહિ કર્યાની દલીલ કરી છે પરંતુ, લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે હજુ ઘણા પ્રશ્નોના ઉત્તર બાકી છે. દરમિયાન, કેમરને રિવ્યૂની જાહેરાતને આવકારી હતી.

• ‘ડોન' દાઉદના સાગરીત જાબીરને કોર્ટે છોડ્યોઃ

 ડોન દાઉદ ઈબ્રાહિમની નિકટ મનાતો જાબીર મોતી બ્રિટિશ કોર્ટમાંથી છૂટી ગયો હતો. અમેરિકાએ તેના પ્રત્યાર્પણની અરજી પડતી મૂકી દેતા જાબીર છૂટીને પાકિસ્તાન ભેગો થઈ ગયો હતો. દાઉદના કાળા કારનામાના મુખ્ય સાગરીતો પૈકીના એક જાબીર મોતીની બ્રિટિશ પોલીસે ૨૦૧૮માં ધરપકડ કરી હતી. અમેરિકાએ ડ્રગ ટ્રાફિકિંગ, મની લોન્ડરિંગ અને બ્લેકમેઈલિંગ જેવા મુદ્દે તેના પ્રત્યર્પણની માગણી કરી હતી.અમેરિકાના માગણી સામે જાબીરે લંડનની હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જાબીરને જામીન પર છોડયો હતો તે દરમિયાન અમેરિકાએ જાબીરના પ્રત્યર્પણની અરજી પડતી મૂકી હતી.આના પરિણામે, તેના પરના આરોપો હટી ગયા હતા. જાબીર આનો લાભ લઈને તત્કાળ પાકિસ્તાન રવાના થયો હતો.

• Jet2ની તમામ ફ્લાઈટ્સ ૨૩ જૂન સુધી મુલતવીઃ

વિદેશ પ્રવાસ શરુ કરાવાની શક્યતાના છ સપ્તાહ અર્થાત ૨૩ જૂન સુધી તમામ ફ્લાઈટ્સ અને હોલીડેઝને ૨૩ જૂન સુધી બંધ રાખવા Jet2 એરલાઈન્સે જાહેરાત કરી છે. તેણે મિનિસ્ટર્સની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે સરકારની યોજનામાં કોઈ પ્રકારની સ્પષ્ટતા જણાતી નથી. બ્રિટિશરો ક્યાં અને ક્યારે વિદેશ પ્રવાસ કરી શકશે તેની વિસ્તૃત વિગતો અને સ્પષ્ટતાના અભાવથી નિરાશા ઉપજી હોવાનું કંપનીએ જણાવ્યું હતું. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે લેકો પોતાના પ્રવાસનું બુકિંગ કરાવવાનું શરુ કરી શકે છે. લોકડાઉન રોડ મેપ અનુસાર વિદેશ પ્રવાસોને ૧૭ મેથી પરવાનગી અપાય તેવી શક્યતા છે.

• સાદિક ખાન કેનાબીસને કાનૂની બનાવવા વિચારશેઃ

લંડનના વર્તમાન મેયર સાદિક ખાન આગામી મહિનાની મેયરપદની ચૂંટણીમાં વિજ્તા બનશે તો કેનાબીસને કાનૂની બનાવવા અંગે વિચારશે. અપરાધ સામે લડવાના નવા અભિગમ તરીકે કેનાબીસ-ગાંજાને ડિક્રિમિનલાઈઝ કરવાની યોગ્યતા ચકાસવા સ્વતંત્ર અભ્યાસને લોન્ચ કરવાની તેમણે તૈયારી આદરી છે. ૬ મેની ચૂંટણીમાં ફરી ચૂંટાશે તો ખાન આ વિવાદી પગલાંના આરોગ્ય, આર્થિક અને ક્રિમિનલ જસ્ટિસના સંભવિત લાભોને તપાસવા સ્વતંત્ર સંસ્થાની રચના કરાશે. ક્લાસ બી ડ્રગ તરફ વધુ હળવાશપૂર્ણ વલણ દર્શાવવા પ્રજાનું ભારે સમર્થન હોવાનું મનાય છે. લંડનમાં આશરે બે તૃતીઆંશ લોકો પુખ્ત વયના લોકોના મનોરંજનકારી ઉપયોગ માટે કેનાબીસને કાનૂની સ્વરુપ આપવાના ટેકેદાર હોવાનું ખાન ખુદ માને છે. જો કમિશનનો રિપોર્ટ તરફેણદાયક હશે તો સાદિક ખાન કેનાબીસના કાનૂની દરજ્જામાં ફેરફાર કરવા આગળ વધી શકે છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter