• સાત ભૂતપૂર્વ સબપોસ્ટમાસ્ટર્સને નિર્દોષ જાહેર કરાયા
ખામીયુક્ત કમ્પ્યુટર સિસ્ટમને લીધે ખોટી રીતે દોષી ઠેરવવામાં આવેલા સાત ભૂતપૂર્વ સબપોસ્ટમાસ્ટર્સને કોર્ટ ઓફ અપીલ દ્વારા નિર્દોષ જાહેર કરાયા હતા. પોસ્ટ ઓફિસ દ્વારા અપીલોનો વિરોધ કરવામાં આવ્યો ન હતો. ૨૦૦૦માં સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલી હોરાઈઝન સિસ્ટમને લીધે કોઈપણ કારણ વિના બ્રાંચમાં હજારો પાઉન્ડની ઘટ દેખાતી હતી. તેને લીધે સ્ટાફ પર ચોરી અને ખોટા હિસાબનો આરોપ મૂકાયો હતો. તેને લીધે સેંકડો લોકોને દોષી જાહેર કરાયા હતા. અત્યાર સુધીમાં ૭૦થી વધુ લોકો નિર્દોષ જાહેર કરાયા હતા.
• ઘરનું કામ કરવાથી યાદશક્તિ સચોટ રહે
ઘરનું કામકાજ વધુ કરવાથી તીવ્ર યાદશક્તિ જળવાઈ રહેતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. વોશિંગ અપ, પથારી વ્યવસ્થિત કરવી, કૂકિંગ જેવા હળવા કામ અને વિન્ડો ક્લિનિંગ તથા વેક્યુમિંગ સહિતના ભારે કામ સાથે કરવાથી યાદશક્તિ સારી રહે છે. ૬૫ વર્ષથી વધુની વ્યક્તિ કામકાજના અથવા આરામના સમયમાં કેટલી શારીરિક પ્રવૃત્તિ કરે છે તેને સંબંધ હોવાનું જણાયું હતું. BMJ Openમાં પ્રકાશિત થયેલો તેમનો અહેવાલ સિંગાપુરમાં ૫૦૦ વયસ્કોના અભ્યાસ પર આધારિત છે.
• એમ્બ્યુલન્સનો વારંવાર ઉપયોગ કરતાં ૦.૬૭ ટકા લોકો
ઈંગ્લેન્ડમાં ૨૯ ટકા સુધી એમ્બ્યુલન્સ ડિસ્પેચ અને ૨૬ ટકા જેટલા હોસ્પિટલ એડમિશન્સમાં ૩૭૬,૦૦૦ અશક્ત લોકો એટલે કે વસતિના ૦.૬૭ ટકાનું એક જ ગ્રૂપ સંકળાયેલું હોવાનું બ્રિટિશ રેડ ક્રોસના અહેવાલમાં જણાવાયું હતું. આ લોકો વારંવાર ઈમરજન્સી સર્વિસીસનો ઉપયોગ કરે છે. તેમાં કેટલાંક લોકો તો વર્ષમાં સેંકડો વખત A&E પહોંચી જાય છે. A&Eનો વધુ પડતો ઉપયોગ વર્ષે પાંચ અથવા વધુ વિઝિટ ગણાય છે અને NHSને દર વર્ષે ૨.૫ બિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે.
• કંપનીઓ દ્વારા સ્ટાફ પર ચાંપતી નજર
વર્ક ફ્રોમ હોમ કરતાં સ્ટાફ પર મોટાભાગની કંપનીઓ નજર રાખતી હોવાનું સર્વેમાં જણાયું હતું. કેલિફોર્નિયા સ્થિત ટેક્નોલોજી કંપની Vmware દ્વારા યુકેની ૧,૦૦૦ કંપનીઓ સહિત દુનિયાભરની કંપનીઓનો સર્વે કરાયો હતો. તેમાં ૫૭ ટકા કંપનીઓ સ્ટાફના ઘરના કમ્પ્યુટર્સ પર દેખરેખ રાખતી હોવાનું જણાયું હતું. તેનો હેતુ મહામારી દરમિયાન પ્રોડક્ટિવિટીની ચકાસણી કરવાનો હતો.
• ચીની મિલ્યોનેર્સની સંખ્યા વધતા બ્રિટનને લાભ
બ્રિટનમાં રહેતા ચીની મિલ્યોનેર્સની સંખ્યા ગયા વર્ષે વધીને ૬૫૦ થઈ હતી. તેને લીધે લંડનમાં મલ્ટિબિલિયન ડોલર્સનું ઈન્વેસ્ટમેન્ટ થયું હતું. યુકે આવતા સમૃદ્ધ ચીની લોકોની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ હતી. હાઈ નેટ વર્થ્સ (HNWs) પ્રાઈવેટ સ્કૂલો, મૂડીરોકાણની તકો તથા રેસિડેન્શીયલ પ્રોપર્ટી માર્કેટની સ્થિરતા અને તરલતાને લીધે બ્રિટનની પસંદગી કરે છે.
• સ્ટાફની અછતથી મેટરનિટી સર્વિસ કથળી
મીડવાઈવ્સે જણાવ્યું હતું કે સ્ટાફની અછતને લીધે મેટરનિટી સેવા ખૂબ કથળી ગઈ છે અને આ સમસ્યાને રાષ્ટ્રીય કટોકટી ગણીને તોના પર તાત્કાલિક ધ્યાન અપાવું જોઈએ. માર્ચ વીથ મીડવાઈવ્સ કેમ્પેન ગ્રૂપે સ્ટાફની સંખ્યા, વર્કિંગ કન્ડીશન્સ અને સેવાની પરિસ્થિતિ વિશે પોચાની ચિંતા વ્યક્ત કરવા માટે શહેરોમાં દેખાવો યોજ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના પ્રવક્તાએ જણાવ્યું કે NHSમાં હાલ મીડવાઈવ્સની જે સંખ્યા છે તેટલી અગાઉ ક્યારેય ન હતી.
• કેન્સરને લીધે નપુંસકતાનો ભોગ બનેલા પુરુષો પિતા બની શકશે
બાળપણમાં કેન્સરને લીધે નપુંસકતાનો ભોગ બનેલા લોકો હવે ક્રાંતિકારી ફર્ટિલીટી સારવારને લીધે પ્રજનન કરવા સક્ષમ બની શકશે. યુનિવર્સિટી ઓફ એડીનબરાના વૈજ્ઞાનિકો નવા વર્ષે આ ટ્રીટમેન્ટની પ્રથમ હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી માગશે. યુકેમાં ૧૯૯૦ના દસકાથી બાળવયે થતાં કેન્સરમાં ૨૪ ટકાનો વધારો નોંધાયો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેવી પાછળના કારણોમાં વધતું પ્રદૂષણ એક કારણ છે.
• કોવિડ વખતે ચૂકવેલા નાણાં પાછા મેળવવા HMRCનો સંઘર્ષ
HM રેવન્યુ એન્ડ કસ્ટમના વડા જીમ હારાએ જણાવ્યું હતું કે HMRCને સરકાર સમર્થિત ત્રણ કોવિડ - ૧૯ રાહત સ્કીમો મારફતે ચૂકવેલા ૫.૮ બિલિયન પાઉન્ડના અડધા ઉપરાંતની રકમ પાછી મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે. તે રકમ ભૂલથી અથવા છેતરપિંડીમાં ચૂકવાઈ હતી. મહામારી દરમિયાન HMRCએ નાણાંકીય સહાય ચૂકવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઈન્કમ સપોર્ટ સ્કીમ અને ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ દ્વારા ૮.૧ બિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા. ખોટા ક્લેઈમ્સમાં ચૂકવાયેલા નાણાં પૈકી ૧૦૦ મિલિયન પાઉન્ડ સરકારી ફંડિંગમાં પ્રાપ્ત થયા હતા.
• તપાસ કરવાના ઈન્કાર બદલ મેટ સામે કાનૂની કાર્યવાહી
ત્રણ મિલિયન પાઉન્ડનું ડોનેશન આપનારા કન્ઝર્વેટિવ્સને નાણાંના બદલામાં હાઉસ ઓફ લોર્ડ્ઝમા બેઠક અપાતી હોવાના પૂરાવાની તપાસ કરવામાં નિષ્ફળ રહેલ સ્કોટલેન્ડ યાર્ડ સમક્ષ કાનૂની પડકાર ઉભો થયો છે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે પક્ષના મુખ્ય ૧૬ ટ્રેઝરરને પીઅર પદ અપાયું હોવા છતાં તે ક્રિમિનલ ઈન્ક્વાયરી કરશે નહીં. તાજેતરમાં જ એક કન્ઝર્વેટિવે ૩.૮ મિલિયન પાઉન્ડનું ડોનેશન આપ્યું હતું. તેમાં શહેરના ૬૮ વર્ષીય બિલ્યોનેર લોર્ડ ક્રુડાસનો સમાવેશ થાય છે. મેટ દ્વારા જણાવાયું કે SNPની ફરિયાદની કાર્યવાહી કરવા માટેના પૂરાવા પૂરતા નથી.
• નાઈફ અને કોકેન સાથે બકિંગહામ પેલેસમાં ઘૂસણખોરી
વેસ્ટ સસેક્સના હેવર્ડઝ હીથના ૪૪ વર્ષીય કેમરન કાલાનીએ શાહી તબેલાની વાડ ચડીને બકિંગહામ પેલેસમાં ટ્રેસપાસીંગ કર્યું હોવાનું વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું. ગઈ ૧૦ મેની વહેલી સવારે તે ઝડપાયો ત્યારે તેની બેગમાં કિચન નાઈફ અને કોકેન હતું. તેણે રક્ષિત સ્થળે ટ્રેસપાસીંગ, તીક્ષ્ણ વસ્તુ અને કોકેન રાખવાનું સ્વીકાર્યું હતું. શાહી તબેલો બકિંગહામ પેલેસ એસ્ટેટનો ભાગ છે અને ત્યાં શાહી પરિવારના અશ્વો રાખવામાં આવે છે. તેને પકડ્યો ત્યારે તે મૂંઝાયેલો હતો તે ક્યાં હતો અને શું બની રહ્યું હતું તેની તેને ખબર પડતી ન હતી. તે સ્કીઝોઅફેક્ટિવ ડિસઓર્ડરથી પીડાતો હોવાનું કોર્ટને જણાવાયું હતું.
• યુનિવર્સિટી કેમ્પસમાં એન્ટિસેમિટિઝમ વિક્રમજનક સ્તરે
યુનિવર્સિટીઓના કેમ્પસમાં એન્ટિસેમિટિઝમ વિક્રમજનક સ્તરે પહોંચી ગયો છે. અન્ય વિદ્યાર્થીઓ તરફથી ઓનલાઈન ધમકીઓ મળતાં જ્યૂઈશ વિદ્યાર્થીઓમાં તેમની સલામતી વિશે ચિંતા વધી ગઈ છે. અગાઉના શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટીઓમાં ૧૧૧ બનાવો નોંધાયા હતા., જે આગળના વર્ષ કરતાં ૫૯ ટકાનો વધારો સૂચવે છે. બ્રિસ્ટોલ અને વોરવિક બન્ને સ્થળે ૧૧ -૧૧ બનાવો નોંધાયા હતા જે સૌથી વધુ હતા. UCL ખાતે ૧૦, ઓક્સફર્ડ ખાતે ૯ અને બર્મિંગહામમાં ૮ બનાવ નોંધાયા હતા.

