• પાસપોર્ટ ઓફિસના વર્કર્સની પાંચ સપ્તાહની હડતાળઃ

Tuesday 28th March 2023 05:28 EDT
 

પાસપોર્ટ ઓફિસના 1,300થી વધુ વર્કર નોકરીઓ, વેતન અને કાર્યસ્થિતિના વિવાદના સંદર્ભે 3 એપ્રિલથી 5 મે સુધી પાંચ સપ્તાહની હડતાળ પર ઉતરશે. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસીસ યુનિયન (PCS)ના સભ્યો આ હડતાળમાં સામેલ થશે. બેલફાસ્ટમાં કામ કરતા વર્કર્સ 7 એપ્રિલથી 5 મે સુધી હડતાળ પર ઉતરશે. યુનિયને ઉનાળાના ગાળામાં પાસપોર્ટની અરજી અને ડિલિવરી બાબતે વિલંબ થવાની ચેતવણી આપી છે. હોમ ઓફિસે PCSના નિર્ણય બાબતે નિરાશા વ્યક્ત કરી છે. સમગ્ર યુકેની પાસપોર્ટ ઓફિસીસમાં 4,000થી વધુ લોકો નોકરી કરે છે એટલે કે દર ચારમાંથી એક વર્કર હડતાળમાં જોડાશે. યુનિયને જણાવ્યું છે કે હડતાળનો ઉદ્દેશ સામૂહિક ખલેલ ઉભી કરવાનો છે જેમાં પાસપોર્ટને ચકાસતા વિભાગોમાં કામ કરતા 1300થી વધુ લોકો જોડાશે. એપ્રિલ સહિત ઉનાળામાં પાસપોર્ટ ઓફિસને સાપ્તાહિક 250,000 જેટલી એરજીઓ મળે છે. આનો અર્થ એ થાય કે હડતાળના ગાળામાં એક મિલિયનથી વધુ અરજીઓને અસર થશે.

• રાહદારીને અકસ્માત કરવા બદલ અમર શાહને દંડ

વોટફોર્ડની લોઅર હાઈ સ્ટ્રીટના આર્ચીસ કાર પાર્કમાં 27 ઓક્ટોબર, 2021ના રોજ કાર રિવર્સ કરતી વખતે અકસ્માત કરી એક રાહદારી મહિલાને ઇજા પહોંચાડવા બદલ હાઈવુડ ગ્રોવ, લંડનના 40 વર્ષીય અમર શાહને કુલ1,856 પાઉન્ડ નો દંડ ચૂકવવા આદેશ કરાયો છે. અમર શાહ યોગ્ય કાળજી અને ધ્યાન રાખ્યા વિના તેમની ફોક્સવેગન કાર રિવર્સમાં લઈ રહ્યા હતા. શાહે ગત વર્ષે 30 ઓક્ટોબરે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. સ્ટીવનેજ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને 13 માર્ચે દોષી ઠરાવાયા હતા. જોકે, કોર્ટે માર્ગ અકસ્માત પછી ઘટનાસ્થળે નહિ રોકાવાનો આરોપ કાઢી નાંખ્યો હતો. કોર્ટે અમર શાહને 1,279 પાઉન્ડનો દંડ તેમજ ખર્ચ પેટે 577 પાઉન્ડનો વિક્ટીમ સરચાર્જ ચૂકવવા આદેશ આપ્યો હતો. કાયદાનુસાર અકસ્માત કરનાર વ્યક્તિએ ઈજાગ્રસ્તને નામ અને સરનામું આપવાના હોય છે તેમજ પોલીસને 24 કલાકમાં અકસ્માતની માહિતી આપવાની રહે છે.

• બળાત્કાર અને ટ્રાફિકીંગના જૂઠા દાવાઓ બદલ જેલઃ

એશિયન ગ્રુમિંગ ગેંગ દ્વારા બળાત્કાર અને ટ્રાફિકીંગના દાવાઓ કરવા ઉપરાંત, સૌશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરી પોતાની સાથે દુર્વ્યવહાર થયો હોવાના ખોટા આક્ષેપો બદલ પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે 22 વર્ષીય યુવતી એલેનોર વિલિયમ્સને આઠ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફરમાવી છે. એલેનોરને ન્યાયને ગેરમાર્ગે દોરવા બદલ ગત જાન્યુઆરીમાં નવ ગુનામાં દોષિત ઠેરવાઈ હતી. કમ્બ્રીયાની બેરો-ઇન-ફર્નેસની રહેવાસી એલેનોર વિલિયમ્સના તમામ આરોપો કાલ્પનિક હોવાનું જજ રોબર્ટ એલ્ધામે જણાવ્યું હતું. એલેનોરે મે 2020ના લોકડાઉનના ગાળામાં આઘાતજનક ઉઝરડા સાથે ઢંકાયેલા ચહેરા, કાળી પડેલી આંખો અને આંશિક કપાયેલી આંગળી સાથેની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી. તેણે આક્ષેપો કર્યા હતા કે મોટાભાગે પાકિસ્તાની બિઝનેસ માલિકો સહિત જંગલી એશિયન પુરુષોએ ‘સેક્સ પાર્ટીઓ’માં હાજરી આપવા તેને માર માર્યો હતો. તેના દાવાઓ વાયરલ થયા હતા. જજે સજા સંભળાવ્યા પછી એલિનોરે તેમનો આભાર માન્યો હતો.

• લોર્ડ નઝીર અહેમદની સજામાં 3 વર્ષનો ઘટાડોઃ

બળાત્કારના પ્રયાસ બદલ સજા કરાયેલા લેબર પાર્ટીના 65 વર્ષીય પૂર્વ લોર્ડ નઝીર અહેમદ દ્વારા સજામાં ઘટાડવા કરાયેલી અપીલના પગલે તેમની પાંચ વર્ષ અને છ મહિનાની સજા ઘટાડીને બે વર્ષ અને છ મહિના કરવામાં આવી છે. તેઓ તરુણાવસ્થામાં હતા ત્યારે સાઉથ યોર્કશાયરના રોધરહામમાં 16થી 17 વર્ષની કિશોરી અને 11 વર્ષના બાળક પર જાતીય શોષણ કરવાના આરોપમાં તેમને શેફિલ્ડ ક્રાઉન કોર્ટ દ્વારા 2022માં સજા કરાઈ હતી. કોર્ટ ઓફ અપીલ લંડનના અપીલ જજીસ લોર્ડ ચીફ જસ્ટિસ લોર્ડ બર્નેટ, લોર્ડ જસ્ટિસ હોલરોઈડ અને લોર્ડ જસ્ટિસ વિલિયમ ડેવિસે ચુકાદો જાહેર કરતા જણાવ્યું હતું કે ટ્રાયલ જજ મિ. જસ્ટિસ લેવેન્ડરે સજા ફરમાવતી વેળાએ ભૂલ કરી હતી. જોકે, તેમણે જસ્ટિસ લેવેન્ડરના તર્કની કોઈ ટીકા કરી ન હતી. તેમણે કહ્યું હતું કે અપરાધો કરાયા ત્યારે મિ. અહેમદ પણ બાળક હતા તે હકીકતને ધ્યાનમાં લેવાવી જોઈતી હતી. છ મહિનાની કસ્ટોડિયલ સજા યોગ્ય પેનલ્ટી ગણાઈ હોત. નઝીર અહેમદે મિ. જસ્ટિસ લેવેન્ડરના ચુકાદાને પડકાર્યો હતો.

• ખરાબ લેન્ડલોર્ડ્સ સામે પગલાં લેવા મેયર ખાનને તાકીદઃ

લંડન એસેમ્બલી હાઉસિંગ કમિટીએ મેયર સાદિક ખાનને નબળા લંડનવાસીઓને અયોગ્ય અને ખતરનાક હાઉસિંગમાં મૂકનારા અને ભાડૂતોને નિશાન બનાવનારા લેન્ડલોર્ડ્સ સામે સખત કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. કમિટીના રિપોર્ટમાં મેયર અને ગ્રેટર લંડન ઓથોરિટીને 19 ભલામણ કરવામાં આવી છે. કમિટીએ જણાવ્યું હતું કે મેયરે નિયંત્રણો વિનાના અને ભૂલો સાથેના સપોર્ટેડ હાઉસિંગની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. અગાઉની તપાસમાં જણાયું હતું કે હાઉસિંગની ખરાબ હાલતના કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. ખરાબ હાઉસિંગ પ્રોવાઈડર્સ લોકલ કાઉન્સિલ પાસેથી ઊંચાં ભાડાં વસૂલે છે પરંતુ, સગવડ આપતા નથી. લંડનના બરોઝ દ્વારા ગયા વર્ષે એક્ઝેમ્પ્ટ એકોમોડેશન માટે 107 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા.

• પત્રોની ડિલિવરીમાં રોયલ મેઈલની નિષ્ફળતાઃ

સાંસદોની બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી (BEIS) કમિટીએ રોયલ મેઈલને ઈન્ડસ્ટ્રી રેગ્યુલેટરને રીફર કરેલ છે. કમિટીએ પેનલ્ટીઝ લાદવાની સત્તા ધરાવતા રેગ્યુલેટર ઓફકોમને એન્ફોર્સમેન્ટ ઈન્વેસ્ટિગેશન શરૂ કરવા જણાવ્યું છે. રોયલ મેઈલ અને તેના મેનેજમેન્ટના પરફોર્મન્સ મુદ્દે સંસદીય કમિટીએ જારી કરેલા રિપોર્ટમાં કંપની સપ્તાહમાં છ દિવસ પત્રો ડિલિવર કરવાની ફરજમાંથી ચૂકી હોવાનો આક્ષેપ મૂકાયો છે તેમજ કંપનીના મેનેજમેન્ટની બેદરકારી હોવા બાબતે પણ પ્રશ્નાર્થ કર્યો છે. રોયલ મેઈલ કંપનીએ તેણે સાંસદોને ગેરમાર્ગે દોર્યા હોવાનું નકાર્યું છે. કમિટીના રિપોર્ટમાં આક્ષેપ કરાયો છે કે કંપનીએ સામાન્ય પત્રોની જગ્યાએ વધુ લાભકારી પાર્લ્સની ડિલિવરીને પ્રાથમિકતા આપી છે. કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે ચીફ એક્ઝિક્યુટિલ સિમોન થોમ્પસન ટેકનોલોજીના ઉપયોગ અને વર્કર્સની શિસ્ત વિશે તેમણે આપેલા ઉત્તરોમાં ચોક્કસ ન હતા. મેનેજમેન્ટની પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ મંજૂરી વિના વ્યાપક ભૂલો થઈ શકે તેમ માની શકાય નહિ. વેતન અને કંપનીના આધુનિકીકરણ પ્લાન્સ બાબતે રોયલ મેઈલના કોમ્યુનિકેશન્સ વર્કર્સ યુનિયન (CWU)ના 112,000 સભ્યો દ્વારા ઔદ્યોગિક વિવાદના પગલે સાંસદોની કમિટીએ તપાસ આદરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter