• બ્રિટિશ સહેલાણીઓ સાથે ૭ મિલિયન પાઉન્ડની ઠગાઈ
ગયા વર્ષે બ્રિટિશ સહેલાણીઓ સાથે ટ્રાવેલ ફ્રોડસ્ટર્સ દ્વારા ૭ મિલિયન પાઉન્ડથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. ૫,૦૦૦થી વધુ લોકોએ ટ્રાવેલ સ્કેમનો ભોગ બન્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનેલસા લોકોની સંખ્યામાં ૨૦૧૭ની સરખામણીમાં ૧૪ ટકાનો વધારો નોંધાયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે વાસ્તવિક આંકડો તો વધુ હશે કારણ કે આવું બનવાથી લોકો વધુ પડતા મૂંઝાઈ જાય છે અથવા તો પોલીસમાં ફરિયાદ નોંધાવવા ઈચ્છતા નથી હોતા.
• Isil દ્વારા ભોળવાયેલી પુત્રીને મદદ માટે પરિવારની અપીલ
ઈસ્લામિક સ્ટેટ – આઈ એસ પર ગઠબંધન દળો દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર ઘાયલ થયેલી બ્રિટિશ મહિલા સામીયા હુસૈનના પરિવારે તેને યુકેના ઘરે પાછા આવવા પરવાનગી આપવાની અપીલ કરી હતી. જેહાદી લડાકુઓ તેને આઈએસના કબજા હેઠળના શહેરમાં લઈ ગયા હતા. આ શહેર પર કથિત રીતે બ્રિટિશ અથવા યુએસ ડ્રોન દ્વારા થયેલા મિસાઈલ હુમલામાં સામીયાનો હાથ જતો રહ્યો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી.
• તમામ ધાર્મિક સંસ્થાઓની જાતીય સતામણી બાબતે તપાસ થશે
ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ (IICSA) તેનો સ્વતંત્ર તપાસનો વ્યાપ વિસ્તારી રહ્યું હોવાથી પ્રથમ વખત દેશની તમામ ધાર્મિક સંસ્થાઓની તપાસ કરવામાં આવશે. બૌદ્ધધર્મ, યહોવાહના સાક્ષીઓ અને બેપ્ટિસ્ટ્સ તેમજ મસ્જિદ અને સિનેગોગ જેવા ધાર્મિક સ્થળો આ તમામ નવી જાહેર કરાયેલી તપાસના દાયરામાં આવશે.
• પડી જવાથી વૃદ્ધોના મૃત્યુમાં વધારો
માત્ર થોડાં વર્ષના ગાળામાં પડી જવાને લીધે વધુ હજારો વૃદ્ધોનું મૃત્યુ થયું હોવાનું ‘એજ યુકે’ના આંકડામાં જણાયું હતું. ૨૦૧૭માં પડી જવાથી ૫,૦૦૦થી વધુ વૃદ્ધોનું મૃત્યુ થયું હતું. ૨૦૧૦માં આવી ઘટનાથી થયેલા મૃત્યુમાં ૭૦ ટકાનો વધારો નોંધાયો હતો.
• નશામાં રહેલા મુસાફરોની જાણ પોલીસને કરવા સૂચના
ફ્લાઈટ્સ દરમિયાન ખલેલ ઓછી કરવાની પહેલના ભાગરૂપે ગેટવિક એરપોર્ટના ટેક્સી ડ્રાઈવરોને જે મુસાફર નશાની હાલતમાં હોય તેની જાણ પોલીસને કરવાની સૂચના અપાઈ હતી. ગયા વર્ષે નશો કરીને પ્લેનમાં બેસવાના, હુમલો કરવાના અને વિમાનને નુક્સાન પહોંચાડવાની શક્યતા સહિતના વિવિધ ગુનાસર ૫૬ પ્રવાસીની ધરપકડ કરાઈ હતી. ૨૦૧૭માં આવા ગુનાસર ૪૮ પ્રવાસી ઝડપાયા હતા.
• યુકે નજીકના ભવિષ્યમાં કેશલેસ નહીં થાય
ચાન્સેલર ફિલિપ હેમન્ડે જણાવ્યું હતું કે બ્રિટન નજીકના ભવિષ્યમાં કેશલેસ થશે નહીં. તેમણે જાહેરાત કરી હતી કે સિક્કા અને નોટ્સ ચલણમાં યથાવત રહેશે.
• યુનિવર્સિટી પ્રવેશ માટેના ગ્રેડ ઉન્માદ સમાન
A લેવલ્સમાં EEE ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે તે એક ઉન્માદ હોવાનું એજ્યુકેશન મિનિસ્ટરે જણાવ્યું હતું. લોર્ડ એગન્યુએ ચેતવણી ઉચ્ચારી હતી કે આ એક પ્રકારનું ગંડપણ છે પરંતુ, સરકારે તેને સ્વીકારવું પડે છે.
• માનસિક સ્વસ્થતા વિશે જાણ કરવા વિદ્યાર્થીઓને અનુરોધ
UCAS એપ્લિકેશન ફોર્મના ડિસેબિલિટી સેકશનમાં વિદ્યાર્થીઓ તેમની માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દર્શાવી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ સિનિયર કોરોનર મારિયા વોઈસિને જણાવ્યું હતું.
• HIV ચેપને દબાવતી દવાની શોધ – એઈડ્સના અંતની શક્યતા
એચઆઈવી ચેપ ધરાવતા પુરુષોને એન્ટિરેટ્રોવાઈરલ દવા આપીને તેમના ચેપને સંપૂર્ણપણે દબાવી દેવાયો હતો અને તેમના પાર્ટનરોને ચેપ લાગ્યો ન હોવાનું એક સીમાચિહ્નરૂપ અભ્યાસમાં જણાયા બાદ વિશ્વવ્યાપી એઈડ્સ રોગનો અંત આવે તેવી શક્યતા ઉભી થઈ છે. યુરોપમાં આ વાઈરસને દબાવી દેવાની લગભગ ૧,૦૦૦ જેટલા સમલિંગી પુરુષ કપલની સારવાર કરવામાં આવી હતી. દરેક કપલમાં એક પાર્ટનર એચઆઈવીગ્રસ્ત હતો. જોકે, જાતીય સમાગમ દરમિયાન એચઆઈવી નેગેટિવ પાર્ટનરને તેનો કોઈ ચેપ લાગ્યો ન હતો.
• સંસદમાં ઉંદરો દૂર કરવા બિલાડીઓ મૂકાશે
રાજકારણ ભલે બિલાડી અને ઉંદરની રમત હોય પણ તેમાં વિજય તો ઉંદરોનો જ થાય છે. પાર્લામેન્ટમાં લાંબા સમયથી ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો છે. હાઉસ ઓફ કોમન્સના ડેપ્યુટી સ્પીકર સર લિન્ડસે હોલે જણાવ્યું હતું,‘ હું જ્યાં જઉં છું ત્યાં ઉંદરો જોવા મળે છે.’
• કોર્બિન ફરી એન્ટિ-સેમિટિઝમના વિવાદમાં ફસાયા
લેબર નેતા જેરેમી કોર્બિન ફરી એન્ટિ-સેમિટિઝમના વિવાદમાં ફસાયા છે. તેમણે યુરોપમાં બેંકો અને પ્રેસનું નિયંત્રણ યહૂદીઓ દ્વારા થતું હોવાની દલીલ કરતાં પુસ્તકની પ્રસ્તાવના લખી હતી. ૨૦૧૧માં કોર્બિને જે એ હોબ્સનના ૧૯૦૨ના પુસ્તક ‘ઈમ્પિરિયાલિઝમ’ની નવી આવૃત્તિની પ્રસ્તાવના લખવાની સંમતિ આપી હતી.
• લીડ્સમાં પેરન્ટીંગ ક્લાસથી બાળકોની સ્થૂળતા ઘટી
લીડ્સ સેંકડો પરિવારો માટે પેરન્ટીંગ ક્લાસ યોજીને બ્રિટનમાં બાળકોમાં સ્થૂળતા ઘટાડનારું પ્રથમ શહેર બન્યું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. લીડ્સના અતિ ગરીબ પ્રિ-સ્કૂલ બાળકો પાતળા બન્યા હતા. જ્યારે રાષ્ટ્રીય સ્તરે અમીર અને ગરીબ વિદ્યાર્થીઓ વચ્ચેના ઓબેસિટી ગેપમાં વધારો થયો હતો. તેમાં બાળકોને વધુ પૌષ્ટિક આહાર ખાવા અને વધુ કસરત માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા તે પેરન્ટ્સને શીખવવામાં આવ્યું હતું.
• ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ઓક્સબ્રીજમાં પ્રવેશ આપો
યુનિવર્સિટીમાં વિવિધતા વધારવા માટે એક B અને બે C મેળવનારા ગરીબ વિદ્યાર્થીઓને ઓક્સબ્રીજમાં પ્રવેશ આપવાનું વિચારવું જોઈએ તેમ યુનિવર્સિટીઝ રેગ્યુલેટર ઓફિસ ફોર ધ સ્ટુડન્ટ્સ દ્વારા જણાવાયું હતું. રેગ્યુલેટરે ઉમેર્યું હતું કે આ પ્રકારની ઓફરથી શૈક્ષણિક સ્તર કથળવાના જોખમ વિના વંચિત વિસ્તારોના તેજસ્વી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે.
• ગોળી લેતી સ્પોર્ટ્સવિમેનને ઈજા થવાની ઓછી શક્યતા
રમતગમત ક્ષેત્રે કારકિર્દી ખતમ થઈ જાય તેવી ઈજાથી બચવા માટે આ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓએ ગોળીઓ લેવી જોઈએ તેમ એક પાયારૂપ અભ્યાસમાં જણાયું હતું. અમેરિકામાં ૧૬૫,૦૦૦થી વધુ મહિલા એથ્લેટ્સના વિશ્લેષણમાં જણાયું હતું કે જે મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓ લેતી હતી તેમને ઘૂંટણની ઈજા થવાની શક્યતા ઓછી હતી.
• પહેલી જ નવલકથા લખનાર મહિલા ઈનામની સ્પર્ધામાં
પહેલી જ વખત નવલકથા લખનાર ૩૧ વર્ષીય નાઈજીરીયન મહિલા ઓયીન્કન બ્રેથવેઈટને વિમેન્સ પ્રાઈઝ ફોર ફિક્શન માટે ‘હિંમતવાન લેખકો’ની સાથે શોર્ટલિસ્ટ કરાયા હતા. તેમણે લો અને ક્રિએટિવ રાઈટીંગનો સાઉથવેસ્ટ લંડનમાં કિંગ્સ્ટન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો છે. તેમની ‘માય સિસ્ટર, ધ સિરિયલ કિલર’ નવલકથા માટે તેમની પસંદગી કરાઈ હતી અને તેયારી જોન્સ તથા મેડલિન મિલર સાથે શોર્ટલિસ્ટ કરાયા હતા.

