• બ્રિટિશ મૂલ્યોની જાળવણી ન કરતી સંસ્થાઓ બ્લેકલિસ્ટ થશે
આતંકવાદનો સામનો કરવાના સરકારના એક પ્રયાસમાં ‘બ્રિટિશ મૂલ્યો’નું જતન કરવામાં નિષ્ફળ જનારી સંસ્થાઓ અથવા કંપનીઓને ‘બ્લેકલિસ્ટ’ કરવામાં આવશે અને વિદેશી સ્ટાફની ભરતી કરવા માટે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હોમ સેક્રેટરી સાજિદ જાવિદ દ્વારા જાહેર કરાયેલું આ પગલું આતંકવાદને ભડકાવતા જૂથોને વિખેરવા, વિદેશમાંથી તેમના જેવી વિચારસરણી ધરાવતા લોકોને લાવતા અટકાવશે અને યુવા કર્મચારીઓને ઉદામવાદી બનતા અટકાવશે.
• ઈન્ટરનેટ પર પાસપોર્ટ અપલોડ કરતા લોકોને ચેતવણી
પોતાના પાસપોર્ટ ઈન્ટરનેટ પર અપલોડ કરીને લોકો તેમની નાણાંકિય સલામતીને જોખમમાં મૂકી રહ્યા હોવાની ચેતવણી આપવામાં આવી હતી. બેંક ખાતું ખોલાવવા, લોન માટે અરજી કરવા અથવા ઓનલાઈન ગેમ્બલિંગ એપ્સ પર ઉપયોગમાં લેવા જેવી સર્વિસ મેળવવા લોકોને તેમના પાસપોર્ટ અપલોડ કરવા અથવા કંપનીઓ દ્વારા પાસપોર્ટની કોપી ડિજિટલ કરવાનું પ્રમાણ વધી ગયું છે.
• ઈન્સ્યુલિનનો સંગ્રહ કરતા ડાયાબિટીસના દર્દીઓ
ડાયાબિટીસના દર્દીઓ તેમનો દૈનિક ડોઝ ઘટાડીને ઈન્સ્યુલિનનો સંગ્રહ કરતા હોવાની ગંભીર ઘટનાઓ બનતી હોવાનું ક્લિનિશિયનોએ જણાવ્યું હતું. નો ડિલ બ્રેક્ઝિટના ભયને લીધે તેઓ સંગ્રહ કરી રહ્યા છે. આગામી ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી અયોગ્ય રીતે વિદાય થશે તો યુકેમાં જીવનરક્ષક દવાઓની અછત ઉભી થશે તેનાથી કેટલાંક દર્દીઓ ચિંતિત છે. સરકાર તરફથી ખાતરી અપાઈ હોવા છતાં તેઓ આ રીતે સંગ્રહ કરી રહ્યા છે.
• વડીલો નવી સ્કીલ શીખીને બ્રેઈન પાવર વધારી શકે
દરરોજ બે કલાક નવી સ્કીલ શીખીને પેન્શનરો ૩૦ વર્ષ પહેલા તેમને જેટલી યાદશક્તિ હોય તેટલી પાછી મેળવી શકે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રીવરસાઈડ ખાતે કરાયેલા સંશોધનમાં જણાયું હતું કે નવી ભાષા શીખવાથી અથવા ડ્રોઈંગ ક્લાસ ભરવાથી વડીલોની યાદશક્તિ અને તર્કશક્તિમાં વધારો થયો હતો.
• બેન નોવિસ પર્વત પર કેળાની છાલના ઢગલાં !
બ્રિટનના સૌથી ઉંચા પર્વત બેન નેવિસ પર પહોંચવાની સફળતા મેળવ્યા બાદ પર્વતારોહકો શક્તિના પુનઃસંચાર માટે કેળા ખાય છે. પરંતુ, તેમાંના ઘણાં લોકો કશું પણ વિચાર્યા વિના જ કેળાની છાલ ત્યાં નાખે છે. તેના લીધે ત્યાં સેંકડોની સંખ્યામાં છાલનો ખડકલો થઈ જાય છે. ત્યાંના વાતાવરણને લીધે તેને કોહવાતા બે વર્ષ જેટલો સમય લાગે છે જેને લીધે ઈકોસિસ્ટમને નુક્સાન થાય છે. દર અઠવાડિયે ત્યાં કેળાની ઓછામાં ઓછી ૩૦૦ છાલ ફેંકાતી હોવાનો અંદાજ છે.
• ૧૬થી નીચેની વયના બાળકો રેડબુલ ખરીદી નહીં શકે
હેલ્થ સેક્રેટરીએ જાહેર કરેલી નવી યોજના હેઠળ ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે રેડબુલ અને કેફેન ધરાવતા અન્ય એનર્જી ડ્રિંક્સ ખરીદવા પર પ્રતિબંધ મૂકાશે. આવા ડ્રિંક્સને લીધે બાળકોને માથાનો દુઃખાવો, અનિયમિત ઉંઘ, ગુસ્સો અને થાક લાગવા સહિતની આરરોગ્ય સમસ્યાઓ સર્જાતી હોવાના ભયથી આ નિર્ણય લેવાયો છે.
• હાર્ટ એટેકનો ભોગ બનેલી મહિલાઓને NHS દ્વારા કંગાળ સારવાર
હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ભોગ બનેલી મહિલા દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં NHS નિષ્ફળ રહેતી હોવાનું સાંસદો અને પીઅર્સ દ્વારા કરાયેલી તપાસમાં જણાયું હતું. હાર્ટ એટેક ‘પુરુષોનો રોગ’ છે તેવી માન્યતાને દૂર કરવા મહિલાઓના સ્વાસ્થ્ય વિશેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ દ્વારા અનુરોધ કરાયો હતો અને જણાવ્યું હતું કે તેમાં મહિલાઓને તેનું નિદાન અને સારવાર અપૂરતા હોય છે.
• યંગ ઓફેન્ડર ઈન્સ્ટિટ્યુશન્સમાં શ્વેત કરતાં બીએએમઈ યુવાનોની વધારે સંખ્યા
યંગ ઓફેન્ડર ઈન્સ્ટિટ્યુશન્સ અને સિક્યોર યુનિટ્સમાં પહેલી વખત શ્વેત લોકો કરતાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (બીએએમઈ) યુવાનોની સંખ્યા વધારે હોવાનું સરકારી આંકડામાં જણાવાયું હતું. શ્વેત મધ્યમવર્ગીય પ્રતિવાદીઓની જ્યૂરી વધુ તરફેણ કરે છે તેવા માન્ચેસ્ટર સેન્ટ્રલના લેબર સાંસદ લ્યૂસી પોવેલના નિવેદન બાદ આ આંકડા જાહેર કરાયા હતા. ૧૭ વર્ષીય સહવિદ્યાર્થી યુસુફ મક્કીના મૃત્યુના સંદર્ભમાં બે વિદ્યાર્થીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ છોડી મૂકાયા તેના પગલે પોવેલે આ નિવેદન આપ્યું હતું.

