• યુકેની ફૂડ બેંક્સ દ્વારા સેવાનો વ્યાપ વધારાયો
નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોને યુકેની ૨૦૦૦ જેટલી ચેરિટેબલી ફંડેડ ફૂડ બેંક્સ દ્વારા ઈમરજન્સી ફૂડ અને સપોર્ટ અપાય છે. પરંતુ, આ બેંક્સની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને તે ફૂડ પાર્સલ્સ ઉપરાંત વધારાની મદદ પણ કરે છે. ઘણી સંસ્થાઓ લોકોને તેમની મુશ્કેલીમાં મદદનો પ્રયાસ કરે છે, દેવું અને માનસિક આરોગ્ય જેવી બાબતે સલાહ આપવા જેવી સર્વિસ ઓફર કરે છે. સ્કૂલ યુનિફોર્મ્સ, ફર્નિચર અને બુક્સ પૂરી પાડવા તેમજ યુટિલીટી પ્રોવાઈડર્સ બદલવામાં મદદ કરે છે.
• નો - ડીલના ભયથી £૪.૨ બિલિયન પાછા ખેંચાયા
થેરેસા મેએ બ્રિટનના વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી યુકેના ઈક્વિટી ફંડ્સમાંથી રોકાણકારોએ ૪.૨ બિલિયન પાઉન્ડ પાછા ખેંચી લીધા છે. તેમના અનુગામી બોરિસ જહોન્સનના શાસનમાં યુકે નો - ડીલ બ્રેક્ઝિટ તરફ આગળ વધી રહ્યું હોવાનો ભય વધી ગયો છે.
• પુરુષની હત્યા બદલ ૧૯ વર્ષીય શકમંદની ધરપકડ
વોટફર્ડમાં ત્રણ કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ કારચાલકો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ૨૭ વર્ષીય લ્યુક ઓ’ કોનેલની સ્ટેબિંગ દ્વારા હત્યા કરવાના આરોપસર ૧૯ વર્ષીય શકમંદની ધરપકડ કરવામાં આવી હતી. ૩૧ ઓગસ્ટે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ પોલીસને કોનેલ ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલે લઈ જવાતા તેમને મૃત જાહેર કરાયા હતા. પોલીસને માહિતી અપાઈ હતી કે કોનેલની બાજુમાં જ ઘાયલ હાલતમાં અન્ય વ્યક્તિ પડી હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
• ગાલપચોળિયાના કેસની સંખ્યા દસ વર્ષમાં વિક્રમસ્તરે
ઈંગ્લેન્ડની યુનિવર્સિટીઓમાં ફાટી નીકળેલા ગાલપચોળિયાના રોગને લીધે તેના દર્દીઓની સંખ્યા છેલ્લાં દસ વર્ષમાં વિક્રમસ્તરે પહોંચી હતી. ગયા એપ્રિલ અને જૂન વચ્ચે તેના ૨,૦૨૮ કેસ નોંધાયા હતા. તેમાં એમએમઆર જેબ ન લીધી હોય તેવા લગભગ અડધા લોકો હતા. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું કે ઓરીના દર્દીઓની સંખ્યા પણ વધી હતી. તેના ૩૦૧ કેસમાં ૧૫ વર્ષથી ઉપરના અને વેક્સિનેશન ન લીધું હોય તેવા ૮૮ ટકા કેસ હતા. એનએચએસ દ્વારા જણાવાયું હતું કે સંતોષ માની લેવો જોખમી હોય છે.
• હોમ લોન મામલે સંતાનોને કોર્ટ સુધી લઈ જતા પેરન્ટ્સ
મકાન ખરીદવા માટે પોતાના સંતાનોને આપેલા નાણાં પરત મેળવવા માટે તેમને કોર્ટ સુધી લઈ જતા પેરન્ટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું ‘ધ ટાઈમ્સ’ને જણાયું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નાણાં પાછા મેળવવા પેરન્ટ્સ પોતાના વયસ્ક સંતાનો અથવા તેમની પત્નીને કોર્ટ કોર્ટ સુધી લઈ જતા હોવાના દર મહિને ૧૨થી ૧૫ કેસ નોંધાય છે.
• લંડનમાં હવે (020) 4નો ઉમેરો થશે
નવા મકાનો અને ઓફિસોને લીધે વધી ગયેલી માંગને પહોંચી વળવા આ વર્ષે લંડનને નવા વધુ દસ મિલિયન લેન્ડલાઈન ફોન નંબર અપાશે. રેગ્યુલેટર ‘ઓફ્કોમ’ દ્વારા વધુમાં જણાવાયું હતું કે હાલની (020) 3,7,8ની શ્રેણીમાં (020) 4નો ઉમેરો કરાશે. 3,7,8ની શ્રેણીમાં હવે એક મિલિયન કરતાં ઓછાં નંબર બાકી રહ્યા છે. દર અઠવાડિયે ૩૦,૦૦૦ નંબર ફાળવતું ઓફ્કોમ ઓક્ટોબરથી ટેલિકોમ કંપનીઓ પાસેથી નવા પ્રિફિક્સ માટેની અરજીઓ સ્વીકારશે.
• બ્રેક્ઝિટ અનિશ્ચિતતાની યુકેના સર્વિસીસ સેક્ટર પર અસર
બ્રેક્ઝિટ વિશે પ્રવર્તતી અનિશ્ચિતતાને લીધે બ્રિટનના સર્વિસીસ સેક્ટરમાં ભરોસો અને નફામાં ઘાટાડો નોંધાયો હોવાનું સર્વેમાં જણાયું હતું. હોટલો, બાર, રેસ્ટોરન્ટ્સ અને લેઝર કંપનીઓ સહિત કન્ઝ્યુમર સર્વિસ કંપનીઓની બિઝનેસ એક્ટિવિટીમાં સતત ચોથી વખત ઘટાડો નોંધાયો હતો અને આગામી ત્રિમાસિક ગાળામાં પણ ઘટાડો રહેશે.
• વધતી નારાજગી માટે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવતા બાળકો
બ્રિટનના બાળકો છેલ્લાં એક દાયકામાં ક્યારેય ન હતા તેટલા નારાજ અને નાખુશ અત્યારે હોવાનું અભ્યાસમાં જણાયું હતું. બાળકોમાં તેમના દેખાવને લઈને અસુરક્ષા વધી રહી છે. ઈન્સ્ટાગ્રામ અને ‘લવ આઈલેન્ડ’ જેવા રિયાલિટી ટીવી શોમાં સુંદર વસ્ત્રો પરિધાન કરીને ફૂલેલા સ્નાયુ દર્શાવતા પુરુષોને જોવાના દબાણને લીધે હવે છોકરાઓેને તેમના શરીર વિશે ચિંતા થતી હોવાનું ચીલ્ડ્ર્ન્સ સોસાયટીના એનાલિસ્ટ્સે જણાવ્યું હતું. બીજી બાજુ છોકરીઓ વધુ સલામતીના અનુભવ સાથે ઉછરતી હોય તેમ લાગે છે.
• બેંક ઓફ મમ એન્ડ ડેડની ઉદારતાથી પેન્શનરોને ગરીબીનું જોખમ
બેંક ઓફ મમ એન્ડ ડેડ એ દર્શાવેલી ઉદારતાને લીધે લાખો લોકો રિટાયર થાય ત્યારે તેમને ગરીબીનો સામનો કરવો પડશે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસ મુજબ ૫૫થી વધુની વયના ઘણાં લોકોએ તેમના પુત્રો અથવા પૌત્રોને મકાન ખરીદવા માટે સરેરાશ ૨૪,૧૦૦ પાઉન્ડ આપ્યા હોવાથી તેમનું રિટાયરમેન્ટ અનિશ્ચિત રહેવાનું જોખમ છે. ૨૦ ટકાથી વધુ પેરન્ટ્સ અથવા ગ્રાન્ડ પેરન્ટ્સે પોતાના પેન્શન પોટનો અને અડધા ઉપરાંતની બચતની રકમનો ઉપયોગ કરીને પરિવારના સભ્યોને મોર્ગેજ મેળવવામાં મદદ કરી હતી.
• આશ્રય મેળવવામાં નિષ્ફળ રહેલા ૪૦,૦૦૦ લોકો હજુ યુકેમાં
આશ્રય મેળવી ન શકેલા લોકોને દેશમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી ચાલી રહી હોવા છતાં તેવા ૪૦,૦૦૦ લોકો હજુ યુકેમાં હોવાનું સત્તાવાર આંકડામાં જણાયું હતું. એક સાંસદે તેને દેશ માટે કલંક સમાન ગણાવ્યું હતું. ઈમિગ્રેશન નિષ્ણાતો ખાનગીમાં સ્વીકારે છે કે આશ્રય મેળવવામાં નિષ્ફળ રહેલા ઘણાં લોકો ક્યારેય દેશ છોડીને પાછા જશે નહીં અને કોઈક પ્રકારે રાઈટ ટુ સ્ટે મેળવશે. •
• ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને અન્યાયનો આક્ષેપ
સાઉથ વેસ્ટ લંડનના વિમ્બલ્ડનમાં આવેલી કિંગ્સ કોલેજ સ્કૂલના હેડ ટીચર એન્ડ્રયુ હોલ્સે ઓક્સફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટીઓની કડક ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ બન્ને યુનિવર્સિટીઓ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ‘બિનસત્તાવાર ક્વોટા સિસ્ટમ’નું સંચાલન કરે છે. તે વિદ્યાર્થીઓનું ‘એ’ લેવલનું નબળું પરિણામ હોય તો પણ તેમનો સમાવેશ કરાય છે. પ્રાઈવેટ સ્કૂલોના વિદ્યાર્થીઓ પર આ સમરથી ૩૦ ટકાની બિનસત્તાવાર મર્યાદા અમલી બનાવાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ બન્ને સંસ્થાઓ ખાનગી સ્કૂલમાં અભ્યાસ મેળવનારા ‘તેજસ્વી’ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કરે છે.
• ઈ-સિગારેટથી પ્રથમ મૃત્યુ થતાં બ્રિટિશર્સમાં ગભરાટ
વેપિંગને લીધે થયેલા પ્રથમ મૃત્યુને લીધે ઈ-સિગારેટ્સનો ઉપયોગ કરતાં ત્રણ મિલિયન બ્રિટિશર્સમાં તે સુરક્ષિત હોવાની બાબતે પ્રશ્રો ઉભા થયાં છે. વેપિંગ સાથે સંકળાયેલી ફેફ્સાંની રહસ્યમય બીમારીને લીધે ઈલિનોઈસના એક વયસ્કનું મૃત્યુ થયાની બાબતને હેલ્થ અધિકારીઓએ સમર્થન આપ્યું હતું.

