સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 18th September 2019 08:20 EDT
 

                                               • પહેલી વખત પરિણિત મહિલાઓની ટકાવારી ઘટી

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સિંગલ લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લીધે પરિણિત મહિલાઓનું પ્રમાણ પહેલી વખત ૫૦ ટકાથી નીચે ગયું હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના આંકડામાં જણાયું હતું. ONSના તાજેતરના અભ્યાસમાં જણાયું હતું કે ૨૦૧૮થી પરિણિત પુરુષોનું પ્રમાણ ૫૩.૩ ટકાથી ઘટીને ૫૧.૫ ટકા જ્યારે એક દાયકામાં પરિણિત મહિલાઓનું પ્રમાણ ૫૦.૮ ટકાથી ઘટીને ૪૯.૫ ટકા થયું છે. તેમ છતાં છેલ્લાં એક દાયકામાં પરણેલા લોકોની સંખ્યામાં એકંદરે વધારો થયો હતો.

                                                   • ખ્રિસ્તીઓના રક્ષણ માટે વિશેષ રાજદૂત

વિશ્વભરમાં અત્યાચારનો ભોગ બનેલા ખ્રિસ્તીઓના વધુ રક્ષણ માટે સરકારે ‘સ્પેશિયલ એન્વોય ફોર ફ્રિડમ ઓફ રિલિજન ઓર બિલિફ’ના હોદ્દાની રચના કરી હતી. પાકિસ્તાનમાં ઈશનિંદાના આરોપસર આસિયા બીબીને મૃત્યુદંડની સજા થઈ હતી તેને મદદરૂપ થવા કેમ્પેઈન ચલાવનારા ટોરી સાંસદ રહેમાન ચિશ્તી તેની કામગીરી સંભાળશે. તેઓ ફોરેન ઓફિસમાં કાર્યરત રહેશે.

                                                      • બ્રિટિશ ડિગ્રીઓનું ખૂબ ઓછું મૂલ્ય

બ્રિટિશ વિદ્યાર્થીઓ સૌથી વધુ ટ્યુશન ફી ચૂકવે છે અને ઘણી મોટી રકમનું દેવું કરે છે. પરંતુ, વિદેશી ગ્રેજ્યુએટ્સ કરતાં આજીવન ખૂબ ઓછું કમાતા હોવાનું આંતરરાષ્ટ્રીય સર્વેમાં જણાયું હતું.

                                                  • છોકરીઓના ટૂંકા યુનિફોર્મ વેચવા બદલ ટીકા

છોકરાઓના સ્કૂલ યુનિફોર્મની સરખામણીમાં છોકરીઓના યુનિફોર્મ લગભગ બે ગણાંથી વધુ પડતાં ટૂંકા વેચવા બદલ પેરન્ટ્સ માર્ક્સ એન્ડ સ્પેન્સરની ઉગ્ર ટીકા કરી રહ્યા છે.

ધાર્યું પરિણામ મેળવવામાં છોકરાંઓ કરતાં છોકરીઓ આગળ

પ્રાઈમરી સ્કૂલના અંતમાં લેવાતી પરીક્ષામાં છોકરાઓ કરતાં છોકરીઓ આગળ નીકળી જતાં ત્રણ R (રીડિંગ, રાઈટીંગ અને એરિથમેટિક)માં છોકરાઓના નબળા દેખાવ વિશે ચિંતા ઉભી થઈ હતી. સત્તાવાર આંકડા મુજબ ૬૦ ટકા છોકરાઓની સામે ૭૦ ટકા છોકરીઓ વાંચન, લેખન અને અંકગણિતમાં ધાર્યું પરિણામ મેળવી શકી હતી. આ ટકાવારી ગયા વર્ષે ૬૧ અને ૬૮ ટકા હતી. બન્ને વચ્ચે સૌથી મોટો તફાવત લેખનમાં જણાયો હતો. ૮૫ ટકા છોકરીઓની સામે માત્ર ૭૨ ટકા છોકરાં જ ધાર્યું પરિણામ મેળવી શક્યા હતા.

                                               • રવિવારે બનતા સ્પીડિંગના સૌથી વધુ ગુના

સ્પીડિંગના ગુના માટે રવિવાર અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ અને રવિવારના સવારના ૪નો સમય સૌથી ખરાબ ગણાય છે. મની સુપર માર્કેટ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના આંકડાના વિશ્લેષણમાં જણાયું હતું કે તે સમયે કાર ચલાવનારા પૈકી ૬૩ ટકા લોકો લિમિટનો ભંગ કરે છે. દિવસનો સૌથી સલામત સમય બપોરના ૩થી ૫ વચ્ચેનો છે. તે સમયે ૫૫ ટકા વાહનચાલકો સ્પીડ લિમિટનું પાલન કરે છે.

                                                      • હત્યાના આરોપસર ધરપકડ

બર્મિંગહામના કિંગસ્ટેન્ડિંગમાં સ્ટેબિંગથી ગંભીર ઘાયલ હાલતમાં બે દીકરીના પિતા ૩૨ વર્ષીય ડેલ ગ્રીસ મળી આવ્યા હતા. જોકે, થોડા કલાકોમાં જ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના ટૂંક સમયમાં જ વોલસોલના ૩૭ વર્ષીય કન્સ્ટ્રક્શન વર્કર રવિન્દર હીરની હત્યાના આરોપસર ધરપકરડ કરાઈ હતી.

• ‘લાંચ’ના વિવાદથી યુનિવર્સિટીએ ઓફર્સ પડતી મૂકી

વિદ્યાર્થીઓ માટે બિનશરતી ઓફર્સની સૌથી વિવાદાસ્પદ પદ્ધતિ શરૂ કરનારી યુનિવર્સિટીએ સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા તેની સામે કાનૂની કાર્યવાહીની શક્યતાના દબાણ હેઠળ આ ઓફર્સ પડતી મૂકી છે. બર્મિંગહામ યુનિવર્સિટીએ પ્રવેશ માટે કોઈપણ એ – લેવલ ગ્રેડ જરૂરી ન હોવાની ઓફર આપવાનું બંધ કર્યું છે. ટીચરોએ આ કહેવાતી ‘શરતી બિનશરતી’ ઓફર્સને લાંચ ગણાવી હતી, જેને લીધે વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાઓમાં સારો દેખાવ કરે નહીં. ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ દ્વારા જણાવાયું હતું કે આ બાબત ‘પ્રેશર સેલિંગ’ ગણી શકાય. સરકારે ઓફરોના ઉપયોગને વખોડી કાઢ્યો હતો, પરંતુ, તેને બંધ કરવાની સરકાર પાસે કોઈ સીધી સત્તા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter