• છૂરાબાજીમાં જેડન ક્રિસ્ટીનું મોત
સાઉથ લંડનના સ્ટેબિંગમાં મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ જેડન ક્રિસ્ટી હોવાનું જાણવા મળ્યું હતું. ૨૦ વર્ષીય ક્રિસ્ટીનું તાજેતરમાં સ્ટોકવેલ રોડ પર ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસસ્ટેશનમાં જાતે હાજર થયેલા ૨૨ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. મેટના ડેપ્યુટી ચીફ ઈન્સ્પેક્ટર રોબ પેકે જણાવ્યું હતું કે જેડનના પરિવારજનો શોકગ્રસ્ત છે. શું બન્યું હશે તે શોધવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ડિટેક્ટિવો સાક્ષીઓને આગળ આવવા અપીલ કરી રહ્યા છે. લામ્બેથ અને સાઉથવાર્ક બેઝિક કમાન્ડના કોલિન વિન્ગ્રોવે જણાવ્યું હતું કે આ એક ગંભીર ઘટના છે અને મૃતકના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે.
• બ્લડ ટેસ્ટથી બ્રેસ્ટ કેન્સરનું નિદાન
NHS ટૂંક સમયમાં જ બાયોપ્સીની જરૂરિયાતને દૂર કરે તેવો બ્રેસ્ટ કેન્સર માટેનો સાદો બ્લડ ટેસ્ટ શરૂ કરશે. સંશોધકોએ જણાવ્યું છે કે આ ટેસ્ટ પર દર્દીઓ વિશ્વાસ કરી શકશે અને તેને મંજૂરી મળે તેની પ્રતીક્ષા છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ કેન્સર રિસર્ચ અને ધ રોયલ માર્સડન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રાથમિક પરિણામો મુજબ એડવાન્સ્ડ બ્રેસ્ટ કેન્સરમાં વિવિધ પ્રકારના પરિવર્તનને શોધવામાં અને મહિલાઓની લક્ષિત સારવારને સુસંગત થાય તેવા આ ટેસ્ટ છે.
• ઘરે જ રહો અથવા દંડ ભરો
બ્રિટન કોરોના વાઈરસના બીજા મોજાનો સામનો કરી રહ્યું છે ત્યારે સેલ્ફ આઈસોલેશનના નિયમોનો ભંગ કરતા લોકોને દંડ કરવાની બોરિસ જહોન્સનની યોજના છે. લોકો સલાહની સતત અવગણના કરે છે અને ઘરની બહાર નીકળે છે તેવા પૂરાવા મળ્યા પછી વડા પ્રધાને આ પગલું લેવા વિચાર્યું હતું. લોકો આઈસોલેશનમાં રહે તો તેમને મોટી રકમ ચૂકવાય તેવું પણ બને. હોલિડે પરથી પાછા ફરતા લોકો માટે ૧૪ દિવસનો આઈસોલેશનનો નિયમ છે. ક્વોરન્ટાઈનનો ભંગ કરનારને પોલીસ ૧,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ કરી શકે છે. જોકે, આ પગલું લાગુ કરાયું તે પછી માત્ર ૩૪ લોકોને જ દંડ કરાયો છે.
• ગ્રામર સ્કૂલોમાં પ્રવેશની અરજીઓ વધી
છેલ્લાં પાંચ વર્ષમાં ગ્રામર સ્કૂલોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૨૫ ટકાનો વધારો થયો હતો અને કેટલીક શ્રેષ્ઠ ગ્રામર સ્કૂલોમાં શ્વેત બ્રિટિશ બાળકોની સંખ્યા લઘુમતીમાં છે અને છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંખ્યામાં ઘટાડો થયો હતો. શ્રેષ્ઠ સ્કૂલોમાં પ્રવેશ મેળવવાની સ્પર્ધા વચ્ચે ૧૦૦ માઈલથી દૂરના અંતરે વસતા પરિવારો પણ અરજી કરે છે. એક સ્કૂલમાં આગળના વર્ષે ૧૦૪ની જગ્યાએ માત્ર ચાર બ્રિટિશ બાળકોને પ્રવેશ અપાયો હતો. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૭ હતી તે વધીને ૫૫ થઈ હતી.
• ડરહામ યુનિવર્સિટીમાં ધનવાન નબીરાઓ માટે સ્પર્ધા
કેમ્પસની સૌથી ગરીબ યુવતી સાથે સેક્સ માણવાની ધનવાન ફ્રેશર્સ નબીરાઓ માટેની સ્પર્ધાના આયોજનના દાવાઓથી ડરહામ યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો હતો. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આ યોજનાની ચર્ચા કરી હતી. જ્યારે બીજી ગ્રૂપ ચેટમાં બળાત્કાર વિશે વાત કરાઈ હતી. તેઓ તેમના ગ્રૂપને ડરહામ બોયઝ મેકિંગ ઓલ ધ નોઈઝ તરીકે ઓળખાવે છે. અન્ય વિદ્યાર્થીઓએ આ ગ્રૂપના લીક થયેલા મેસેજ અંગે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું હતું.
• એન્ટિસેમીટીઝમ મુદ્દે લિબ ડેમ ઉમેદવાર પડતા મૂકાયા
આવતા વર્ષે લંડનના મેયરની ચૂંટણી યોજાવાની છે. લીબરલ ડેમોક્રેટ્સે તેના ઉમેદવાર તરીકે ગીતા સિધુ રોબને મૂક્યા હતા. જોકે, ૧૯૯૭ના એક વીડિયો ફૂટેજમાં, સામાન્ય ચૂંટણી વખતે તેઓ બ્લેકબર્નમાં કન્ઝર્વેટિવ ઉમેદવાર જેક સ્ટ્રોને સમર્થન ન આપવા મુસ્લિમ મતદારોને અનુરોધ કરતા દેખાયા હતા. તેના પગલે તેમને લંડનના મેયરપદના ઉમેદવાર તરીકે પડતા મૂકવામાં આવ્યા છે. મિલિયોનેર બિઝનેસવુમન અને જ્યૂસ ડાયટ આંત્રપ્રિન્યોર રોબે તે વખતની તેમની આ વર્તણૂંક અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.
• ૨૦૨૧માં વ્યાજદર શૂન્ય ટકાથી નીચે જવાનો અંદાજ
ધીરાણપર ઓછા વ્યાજદર દ્વારા અર્થતંત્રને સહાયરૂપ થવા બેંક ઓફ ઈંગ્લેન્ડ તૈયારી કરી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યા પછી બેંક ૨૦૨૧માં વ્યાજદર શૂન્ય ટકાથી નીચે રાખે તેવી શક્યતા છે. બેંક ઓફ ઈંગ્લેન્ડ આ પગલાંથી, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ જાપાનની હરોળમાં આવી જશે. મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા જણાવાયું હતું કે તે નેગેટિવ ઈન્ટરેસ્ટ રેટ આડેના અવરોધોને દૂર કરવા પ્રયાસ કરશે.
• ક્વિનની પ્રોપર્ટીની કિંમતમાં £૫૫૦ મિલિયનનો ઘટાડો
શોપ્સની ભાડાની આવકમાં ભારે ઘટાડો થતાં ક્વિન એલિઝાબેથ દ્વિતીયની જમીન અને પ્રોપર્ટીની અંદાજિત કિંમતમાં ૫૫૦ મિલિયન પાઉન્ડથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ક્રાઉન એસ્ટેટમાં લંડનની રીજન્ટ સ્ટ્રીટ અને સેન્ટ જેમ્સ તેમજ દેશભરમાં મોલ અને રિટેઈલ પાર્ક્સનો સમાવેશ થાય છે. જોકે, કોરોના વાઈરસ મહામારીને લીધે રિટેલર્સ અને ઓફિસ ટેનન્ટ્સ ભાડાની રકમ ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાથી તેમાં ઘાટાડો નોંધાયો હતો. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વાર્ષિક પરિણામોમાં ગ્રૂપે પ્રોપર્ટીની અંદાજિત કિંમત ૫૫૨.૫ મિલિયન પાઉન્ડ ઘટાડીને ૧૩.૪ બિલિયન પાઉન્ડ દર્શાવી હતી.
• દસ કેર વર્કર્સને કુલ £૧૦૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ
સરકારે કેર વર્કર્સને યોગ્ય મહેનતાણુ ચૂકવાશે તેવી બાંહેધરી આપવી જોઈએ તેવી યુકેના સૌથી મોટા યુનિયને માંગ કરી હતી. નોર્થ લંડનમાં હોમકેર વર્કર્સના કાનૂની વિજય પછી યુનિયન દ્વારા આ માંગ કરાઈ હતી. હેરિંગે કાઉન્સિલ દ્વારા જે કંપનીઓને કોન્ટ્રકાક્ટ અપાયો હતો તે કેટલાંક કેરર્સને કલાક દીઠ ૪ પાઉન્ડ કરતાં પણ ઓછી રકમ ચૂકવીને વેતનના નિયમોનો ભંગ કરતી જણાઈ હતી. ચાર વર્ષની કાનૂની લડાઈ પછી દસ દાવેદારોને દરેકને વળતર તરીકે ૧૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવા ટ્રિબ્યુનલે આદેશ કર્યો હતો. ચૂકાદામાં જણાવાયું હતું કે દરેક એપોઈન્ટમેન્ટ વચ્ચેના એક કલાક સુધીના ટ્રાવેલિંગ અને વેઈટિંગ ટાઈમને વર્કિંગ ટાઈમ તરીકે ગણીને તેનું વળતર આપવું જોઈએ.
• બે ખાનગી કંપનીઓને ટેસ્ટ એન્ડ ટ્રેસ સંચાલનમાં કોઈ પેનલ્ટી નહિ
સરકારના ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમના અમુક ભાગનું સંચાલન કરવા માટે લગભગ ૨૦૦ મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ મેળવનારી બે ખાનગી કંપનીઓ તેમની કામગીરી યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ જશે તો પણ તેમને કોઈ પેનલ્ટી થશે નહિ. સાયટેલને ૧૦૮ મિલિયન પાઉન્ડ અને સર્કોને ૮૪ મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. કંપનીઓએ યુકેના કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૨૦ વિસ્તારોમાં ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સંપર્કમાં આવેલા માત્ર ૫૪ ટકા લોકોનો જ સંપર્ક કર્યો હતો તેવા અહેવાલથી ગયા ઓગસ્ટમાં તેમની ભારે ટીકા થઈ હતી. જોકે, હેલ્થ સર્વિસ જર્નલ પ્રમાણે બન્ને સાથેના કોન્ટ્રાક્ટમાં તેઓ મિનિસ્ટરોએ આપેલું લક્ષ્ય હાંસલ ન કરે તો પણ તેમને કોઈ પેનલ્ટી નહિ કરવાની જોગવાઈ છે.
• દસ વર્ષ સુધી ૨ પેન્સ અથવા £૨ના નવા સિક્કા નહિ
આગામી દસ વર્ષ સુધી ૨ પેન્સ અથવા ૨ પાઉન્ડના નવા સિક્કા બનાવવાની રોયલ મિન્ટની કોઈ યોજના નથી. બેંક નોટ્સની સરખામણીમાં સિક્કાની માંગમાં થયેલા ઘટાડાને લીધે મોટી સંખ્યામાં સિક્કાનો સંગ્રહ થયો છે. રોકડ નાણાંના ભવિષ્ય વિશે નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે ઓથોરિટી ડિજીટલ પેમેન્ટમાં થઈ રહેલા ફેરફારની ગતિ સાથે તાલમેલ જાળવી શકતી નથી. જોકે, રોયલ મિન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ બેંક અને પોસ્ટ ઓફિસો તરફથી સિક્કાની માંગ પર સતત દેખરેખ રાખી રહ્યા છે અને જરૂર જણાશે તો તેનું ઉત્પાદન કરાશે.
• સ્કોટલેન્ડમાં ૧ મિલિયન લોકોએ કોવિડ ટ્રેસિંગ એપ ડાઉનલોડ કર્યું
સ્કોટલેન્ડમાં ગયા અઠવાડિયે નવું કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન લોંચ થયા પછી એક મિલિયન કરતાં વધુ લોકોએ તે ડાઉનલોડ કર્યું હતું.૧૦ સપ્ટેમ્બરથી ‘પ્રોટેક્ટ સ્કોટલેન્ડ’ એપ્લિકેશન ગુગલ પ્લે અથવા એપલના એપ સ્ટોર પર સ્માર્ટ ફોન માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ એપ જેનો કોરોના ટેસ્ટ પાછળથી પોઝિટીવ આવ્યો હોય એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં તમે આવ્યા હોય તેની લોકોને જાણ કરે છે. ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને આ એપ વિશે જાણકારી ફેલાવવા લોકોને અનુરોધ કર્યો હતો. સ્કોટલેન્ડ સરકારે જણાવ્યું હતું કે આ એપ ટેસ્ટ એન્ડ પ્રોટેક્ટ સિસ્ટમને સપોર્ટ કરશે અને તે કોરોના વાઈરસ સામેની લડાઈ માટે બીજું સાધન છે. અત્યાર સુધી ચેપી રોગોને ફેલાતા અટકાવવા માટે વર્ષોથી જે મેન્યુઅલ પદ્ધતિ અપનાવાતી હતી તેનો જ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ઉપયોગ કરાતો હતો.
• જહોન લુઈસના સ્ટાફને પહેલી વખત બોનસ નહિ
લંડનઃ લોકડાઉનને લીધે સ્ટોર્સ બંધ રહેતા આર્થિક મુશ્કેલીને લીધે જહોન લુઈસ ૧૯૫૩થી ૬૭ વર્ષમાં આ પહેલી વખત તેના સ્ટાફને બોનસ આપશે નહિ. વેઈટરોસની પણ માલિકી ધરાવતા રિટેલરે વેચાણમાં એક ટકાનો વધારો નોંધાવ્યા પછી ગઈ ૨૫ જુલાઈ સુધીના છ મહિનાના ગાળામાં ૬૩૫ મિલિયન પાઉન્ડની જંગી પ્રિ-ટેક્સ ખોટ કરી હતી. તેના ચેરવુમને સ્ટાફને જણાવ્યું હતું કે તેમના માટે આ જાહેરાત એક આઘાત સમાન હશે. કોવિડ -૧૯ની મહામારી પહેલા પણ ચેઈન દ્વારા સ્ટાફને જણાવાયું હતું કે માર્કેટની સ્પર્ધામાં નફો વપરાઈ ગયો હોવાથી તે સામાન્ય રીતે અપાતું સ્ટાફ બોનસ ચૂકવી શકશે નહિ. પાર્ટનરશિપ તરીકે કાર્યરત આ ચેઈન દ્વારા છેલ્લે બીજા વિશ્વયુદ્ધ પછી સ્ટાફને બોનસ ન આપવાનો નિર્ણય લેવાયો હતો.

