• મેગન મર્કેલના પિતાના પત્ર મુદ્દે ચુકાદોઃ

Wednesday 01st December 2021 06:57 EST
 

મેગન મર્કેલના પિતાના પત્ર મુદ્દે ચુકાદોઃ

મેગન મર્કેલના પત્ર મુદ્દે મેઈલ ઓન સન્ડેના પ્રકાશકો એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ (ANL)ની અપીલ પર જજીસ ૨ ડિસેમ્બરે ચુકાદો આપે તેવી શક્યતા છે. મેગન ટ્રાયલ વિના જ પ્રાઈવસી કાનૂની દાવો જીતી શકે તેવા અગાઉના ચુકાદાને ઉલટાવવા અખબારના પ્રકાશકોએ અપીલ કરી છે. પબ્લિશિંગ કંપનીએ પાંચ આર્ટિકલ પ્રકાશિત કર્યા હતા જેમાં ડચેસ ઓફ સસેક્સ મેગને તેના પિતા થોમસ મર્કેલને ઓગસ્ટ ૨૦૧૮માં લખેલા ‘અંગત અને ખાનગી’ પત્રના અંશો પ્રસિદ્ધ કર્યા હતા તેની વિરુદ્ધ કાનૂની દાવો દાખલ કર્યો હતો. હાઈ કોર્ટના જજે મેગનને સમરી જજમેન્ટ એટલે કે ટ્રાયલ વિના જ કેસ જીત્યાનો ચુકાદો આપ્યો હતો. નવેમ્બરમાં ત્રણ દિવસની સુનાવણીમાં ANL દ્વારા દલીલ કરાઈ હતી કે પ્રાઈવસીના ભંગ અને કોપીરાઈટ મુદ્દા સહિત મેગનના દાવા પર ટ્રાયલ થવી જોઈએ.

પૂર્વ ચાન્સેલર ફિલિપ હેમન્ડને સજા નહિઃ

કેબિનેટ ઓફિસ મિનિસ્ટર લોર્ડ ટ્રુએ લોબિઈંગ મુદ્દે પૂર્વ ટોરી ચાન્સેલર ફિલિપ હેમન્ડ વિરુદ્ધ પ્રતિબંધ નહિ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. અગાઉ, લોબિઈંગ વોચડોગે હેમન્ડનું વર્તન અસ્વીકાર્ય અને બિઝનેસ એપોઈન્ટમેન્ટ રુલ્સને સુસંગત નહિ હોવાનો ચુકાદો જાહેર કર્યો હતો. હેમન્ડ અત્યારે જેમના માટે સલાહકાર તરીકે કામ કરે છે તે બેન્કને મદદ કરવા પોતાના સરકારી સંપર્કોનો ઉપયોગ કરી જુલાઈ ૨૦૨૦માં ઓકનોર્થ બેન્ક અને સીનિયર ટ્રેઝરી અધિકારી વચ્ચે બેઠકનું આયોજન કર્યું હતું. લોર્ડ ટ્રુએ ઠરાવ્યું હતું કે ઈરાદાપૂર્વક નિયમોનો ભંગ કરવાનો પ્રયાસ ન હતો અને તેથી કોઈ પ્રતિબંધ લદાશે નહિ.

ઘરમાં જન્મ અપાવવાની સેવા સસ્પેન્ડઃ

યુકેના હેલ્થ ટ્રસ્ટોએ મિડવાઈવ્ઝ-દાયણોની અછતને ધ્યાનમાં લેતા બાળકોને ઘરમાં જન્મ અપાવવાની સેવા સસ્પેન્ડ કરી છે. મેટરનિટી કેરની કટોકટીથી સગર્ભા માતાઓએ હોસ્પિટલમાં અથવા કોઈ સહાય વિના ઘરમાં બાળકને જન્મ આપવાની મુશ્કેલી સહન કરવી પડશે. સમગ્ર યુકેના અનેક હોસ્પિટલ ટ્રસ્ટોએ દાયણોની તીવ્ર અછતને નજરમાં રાખી હોમ બર્થ સેવા બંધ કરી છે અથવા ઘટાડી નાખી છે. આના પરિણામે, સગર્ભા માતાઓ બાળકને ક્યા જન્મ આપવાનો રહેશે તે બાબતે ચિંતામાં પડી છે. ગત ત્રણ મહિનામાં ૨૦થી વધુ ટ્રસ્ટોએ હોમ બર્થ સેવા બંધ કરી છે. ભારે માગ અથવા અછત હોય ત્યારે દાયણને મોકલવાની ગેરન્ટી અપાતી નથી. રોયલ કોલેજ ઓફ મિડવાઈવ્ઝ (RCM)ના તાજેતરના સર્વે અનુસાર સ્ટાફની તંગી અને દાયણો સલામત કાળજી પૂરી પાડી શકતી ન હોવાના ભયથી NHS દ્વારા તેમને દૂર કરાઈ રહી છે.

યુકેમાં રહેવા ઈયુ નાગરિકોની અરજીઃ

યુકેમાં રહેવા અને કામ કરવા માટે અરજી કરવાની મુદત જૂન મહિનામાં વીતી ગયા પછી પણ ૨૩૦,૦૦૦થી વધુ ઈયુ નાગરિકોએ આ માટે અરજી કરી હતી. ઈયુ નાગરિકો અને પરિવારોને ૩૦ જૂન સુધી સ્ટેટસ બદલવાની અરજી કરવા જણાવાયું હતું. સમયમર્યાદા વીતી ગયા પછી અને ઓક્ટોબરના અંત સુધીમાં કુલ ૨૩૬,૮૪૦ અરજીઓ મળી હતી. આ યોજના શરૂ કરાયા પછી ૬,૨૮૭ ૭૦૦ અરજીઓ દાખલ કરાઈ હતી. આમાંથી, ૩,૦૬૮,૭૦૦ અરજદારોને સેટલ્ડ સ્ટેટસ અપાયું છે એટલે કે તેમને યુકેમાં કાયમી રહેવાની પરવાનગી મળી છે. આ ઉપરાંત, ૨,૪૬૦,૯૦૦ અરજદારને પ્રી-સેટલ્ડ સ્ટેટસ અપાયું હતું એટલે કે તેમણે પાંચ વર્ષ યુકેમાં રહ્યા પછી કાયમી નિવાસ માટે ફરી અરજી કરવાની રહેશે. હોમ ઓફિસના જણાવ્યા મુજબ આઠ ટકા અરજીઓ ફરીથી કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter