• ચેનલ ક્રોસિંગ મુદ્દે યુકે ગંભીર નથીઃ

Wednesday 01st December 2021 07:00 EST
 

ચેનલ ક્રોસિંગ મુદ્દે યુકે ગંભીર નથીઃ

ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સામે આર્ક્ષેપ લગાવ્યો હતો કે યુકે ચેનલ ક્રોસિંગ મુદ્દે જરા પણ ગંભીર નથી. આ સમસ્યા કેવી રીતે હલ કરવી તે બાબતે ફ્રેન્ચ પ્રમુખને જ્હોન્સને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર જાહેર કરવાના યુકે સરકારના નિર્ણયથી મેક્રોં રોષે ભરાયા હતા અને આકરી ટીકા કરી હતી. મેક્રોંએ માઈગ્રેશન મીટિંગ માટે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને પાઠવેલું આમંત્રણ પાછું ખેંચી લીધું હતું. યુકેના પ્રતિનિધિત્વ વિના જ રવિવારે ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, હોલેન્ડ અને યુરોપિયન કમિશનની બેઠક યોજાઈ હતી.

હવે વેક્સિન અભિયાનમાં ક્રિસમસ શબ્દપ્રયોગ પર પ્રતિબંધઃ

હવે વ્હાઈટહોલના કહેવાતા ‘જાગૃત’ અધિકારીઓ ક્રિસમસના ઉત્સવ નિમિત્તે વેક્સિન અભિયાનમાં ક્રિસમસ શબ્દપ્રયોગથી લઘુમતી સમુદાયો નારાજ થશે તેવો ભય દર્શાવી તેનો ઉપયોગ ન કરવા જણાવી રહ્યા છે. મિનિસ્ટર્સે શિયાળામાં કોવિડ કટોકટીને ટાળવાના પ્રયાસોમાં વિદ્યાર્થીઓ માટે ‘ડોન્ટ ટેઈક કોવિડ હોમ ફોર ક્રિસમસ’ સ્લોગનનો ઉપયોગ કરવા વિચાર્યું હતું પરંતુ, સિવિલ સર્વન્ટ્સે તેના પર રોક લગાવી દીધી છે. તેમનું માનવું છે કે ક્રિસમસ શબ્દથી લઘુમતી ધાર્મિક સમુદાયો નારાજ થશે. દરમિયાન, ટોરી મુસ્લિમ સાંસદ સાકિબ ભટ્ટીએ આ પ્રતિબંધને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. આના કારણે સિવિલ સર્વિસમાં ‘વોકિઝમ’ મુદ્દે હોબાળો મચ્યો છે.

લંડનમાં શીખ કિશોરની કરપીણ હત્યાઃ

પશ્ચિમ લંડનના સાઉધોલના રાલે રોડ પર ગત બુધવાર, ૨૪ નવેમ્બરે ૧૬ વર્ષીય બ્રિટિશ શીખ કિશોરની ચાકુ મારીને હત્યાની ઘટનામાં સ્કોટલેન્ડ યાર્ડે તપાસ હાત ધરી છે. મૃતકનું નામ અશ્મિત સિંહ જણાવાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. શીખ કિશોર હંમેશાં પોતાની પાસે ગુચ્ચીની બેગ રાખતો હતો જેના માટે હુમલો કરાયાની આશંકા તેના મિત્રોએ વ્યક્ત કરી હતી. આ વર્ષે ૨૮મા કિશોરની હત્યા લંડનના માર્ગો પર થઈ છે.

માઈગ્રન્ટ બોટ્સ ફ્રેન્ચ જળસીમામાં પાછી ધકેલી પણ શકાયઃ

ઈમિગ્રેશન મિનિસ્ટર કેવિન ફોસ્ટરે ચેનલ પસાર કરતી નાની હોડીઓ બાબતે યોગ્ય પગલાં લેવાશે તેમ જણાવવા સાથે માઈગ્રન્ટ બોટ્સ ફ્રેન્ચ જળસીમામાં પાછી ધકેલવા બાબતે કશુ કહેવાનું નકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે આનો નિર્ણય સ્થળ પરના કમાન્ડર્સ લેશે. ફોસ્ટરે બીબીસી રેડિયો સાથે વાતચીતમાં ચેનલ ક્રોસિંગ માટે જવાબદાર ક્રિમિનલ ગેંગ્સને વખોડતા કહ્યું હતું કે તે મૃતકોને નફા તરીકે જ નિહાળે છે. ગત બુધવાર ૨૪ નવેમ્બરે યુકે પહોંચવાના પ્રયાસમાં ઓછામાં ઓછી ૩૦ વ્યક્તિ ચેનલમાં તણાઈ ગઈ હતી.

યુકે એસાઈલમ સીકર્સ તરફ ‘હાર્ટલેસ’ નથીઃ

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ઈંગ્લિશ ચેનલ પાર કરવાના પ્રયાસમાં ૨૭ લોકોએ જાન ગુમાવ્યા પછી પોતાના વલણનો બચાવ કરતાં કહ્યું હતું કે યુકે એસાઈલમ સીકર્સ તરફ ‘લાગણીહીન’ નથી. પટેલે લોકોનું શોષણ કરવા ‘આધુનિક ગુલામીકાળ’માં પરોવાયેલા માનવ તસ્કરો પર દોષારોપણ કરતાં કહ્યું હતું કે યુકે એસાઈલમ સીકર્સ અને નિર્વાસિતો તરફ માનવીય અભિગમ ધરાવે છે. જોકે, આંકડા સ્પષ્ટ કરે છે કે યુકે સરકાર દેશમાં એસાઈલમ સીકર્સને સલામત પ્રવેશની પરવાનગી આપવાના પોતાના જ લક્ષ્યને પહોંચી વળતી નથી .


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter