કોવિડ – ૧૯ના ભારતીય વેરીઅન્ટ યુકેના નોર્થ વેસ્ટર્ન ભાગમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ટેસ્ટીંગ અને વેક્સિનેશન માટે અનુરોધ વધી ગયો છે. ગયા અઠવાડિયે ભારતીય વેરીઅન્ટ તરીકે જાણીતા B 1617.2ના ૨,૩૨૩ કન્ફર્મ કેસ હતા. તેને લીધે યુકેમાં લોકડાઉનમાં રાહત આપવાની પ્રક્રિયા સામે જોખમ ઉભું થયું છે.
આ સ્ટ્રેઈન અંગેના પ્રશ્રના જવાબમાં પ્રો. ડો. શિવ પાંડે MBEએ જણાવ્યું કે કમનસીબે ઈન્ડિયન વેરીઅન્ટ વધુ આક્રમક અને ટ્રાન્સફરેબલ તથા ઝડપથી ફેલાય તેવો છે. ભારતને ખૂબ પહેલા પહેલા રેડ લિસ્ટમાં મૂક્યું હોત તો સારું થાત.
બ્રિટિશ ઈન્ડિયન ડોક્ટર્સ એસોસિએશનના નેશનલ જનરલ સેક્રેટરી ડો. આશિષ ધવને જણાવ્યું કે ઈન્ડિયન વેરીઅન્ટ ચિંતાની બાબત છે. તે કેન્ટ સ્ટ્રેઈિન કરતાં ૫૦ ટકા વધુ ઝડપથી ફેલાય છે.
યુકેમાં કોઈ વ્યક્તિ અટવાઈ ગઈ હોય તો પહેલા તો તેને ભારત પાછી મોકલી દેવી અને દસ દિવસ માટે આઈસોલેટ કરવી જોઈએ. પરંતુ, તેમ ન થાય તો તેવા લોકોને અહીં યુકેમાં જ વેક્સિન આપવાનું સુનિશ્ચિત કરવું જોઈએ.
ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટનના પ્રમુખ ઈશ્વર ટેઈલરે વેક્સિન લીધી છે. તેમને પણ લાગે છે કે ભારતને વહેલા રેડ લિસ્ટમાં મૂકવાની જરૂર હતી. જેમણે વેક્સિન ન લીધી હોય તેમણે નિયમિત ટેસ્ટીંગ કરાવવું જોઈએ. કોમ્યુનિટીના સભ્યોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.
ડો. ભાવના કે પંડ્યાએ જણાવ્યું કે તે સમયે યુકે વેરીઅન્ટ વિશે ફરિયાદ કરવા જેવું કશું ન હતું. મને યુકેમાં સલામતી લાગે છે. નવા વેરીઅન્ટની ફેલાવાની ઝડપ વિશે કોઈ માહિતી ન હતી તેથી ભારતને વહેલું રેડ લિસ્ટમાં મૂકવાની જરૂર હતી કે નહીં તેનો જવાબ આપવો અઘરો છે.
જે પરિવારમાં એક કરતાં વધુ પેઢીના સભ્યો હોય તેમણે પોતાના રક્ષણ માટે શું કરવું તેવા પ્રશ્રના જવાબમાં ડો. પંડ્યાએ જણાવ્યું કે અત્યારના સમયમાં શ્રેષ્ઠ ઉપાય તેમને વેક્સિન આપવાનો છે.
હિંદુ ફોરમ ઓફ બ્રિટનના નોર્થના વાઈસ પ્રેસિડેન્ટ હર્ષા શુક્લ MBEએ જણાવ્યું કે તેમણે તમામ તકેદારી લીધી હોવાથી તેમને સલામત લાગે છે. કેન્ટ અને આફ્રિકન વેરીઅન્ટનું પ્રમાણ વધુ હતું અને લોકડાઉન હતું ત્યારે તેમણે સંક્રમણના વધતા દરને ઘટાડવા માટે કોમ્યુનિટીનું વેક્સિનેશન કરાવ્યું. તેમણે પોતે બન્ને ડોઝ લીધા છે. તેમણે ઉમેર્યું કે સેવા યુકે હોટ મીલ્સ, ફૂડ પાર્સલ, પીપીઈ કીટ્સ અને અન્ય રાહત સામગ્રી પહોંચાડવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છે. તેઓ માને છે કે વધી રહેલા કેસો વચ્ચે સરકાર વેક્સિનેશન અભિયાન સાથે નોર્થ વેસ્ટર્ન પ્રદેશના લોકોના રક્ષણ માટે શ્રેષ્ઠ કાર્ય કરશે.