લંડનઃ કાન્તિભાઈ નાગડાને ક્વીનના ૨૦૨૦ માટેના ઓનર્સ લિસ્ટમાં મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ એશિયન એચિવર્સ એવોર્ડ ૨૦૦૨માં કોમ્યુનિટી સેવા માટે એશિયન ઓફ ધ યર એવોર્ડ તેમજ હાઉસ ઓફ કોમન્સના તત્કાલીન સ્પીકર બેરોનેસ બેટ્ટી બૂથ્રોઈડના હસ્તે નેશનલ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ (AAA)થી પણ તેઓ સન્માનિત કરાયા હતા.
કાન્તિભાઈ ૧૯૭૨માં યુગાન્ડાથી ઈદી અમીન દ્વારા એશિયનોની હકાલપટ્ટી કરાઈ ત્યારે પહેરેલા કપડે અને ખિસ્સામાં માત્ર ૫૦ પાઉન્ડ સાથે યુકે આવ્યા ત્યારે તેમણે અજાણી ભૂમિમાં કપરી હાલતમાં આવતા સાથી નિર્વાસિતોની યાતના હળવી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે યુવાનોને સાથે રાખી તત્કાળ નોર્થ હેરોમાં ‘ડ્રોપ-ઈન સેન્ટર’ શરુ કર્યું હતું જ્યાં ભારે ઠંડીમાં કશે ન જઈ શકતા વયોવૃદ્ધ એશિયનો એકબીજાને મળી શકતા હતા. આ પછી તેમણે ‘એન્ગ્લો ઈન્ડિયન સર્કલ ચેરિટી’ની સ્થાપના કરી આ સેન્ટરને સત્તાવાર સ્વરુપ આપ્યું હતું. આ સેન્ટર ઘણા વર્ષો સુધી ફૂલ્યું ફાલ્યું અને ૧૦૦-૧૫૦ લોકો નિયમિતપણે તેની સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનો લાભ મેળવતા રહ્યા. આફ્રિકાથી નાસી છૂટતા યુગાન્ડન નિર્વાસિતોને મદદ કરવા ૪૬ વર્ષ અગાઉ કાન્તિભાઈએ આરંભેલી યાત્રા આજે વાસ્તવમાં નેશનલ ચેરિટી બની છે જેનો લાભ રંગ કે ધર્મને ધ્યાનમાં રાખ્યા વિના હજારો લોકો લઈ રહ્યા છે.
તેમણે પોતાનો ફાજલ સમય લોકોની સહાય માટે કાર્યરત ચેરિટીઝ સાથે વીતાવ્યો અને ૧૯૮૨માં હેરો કાઉન્સિલમાં સામાજિક કાર્યકર તરીકે નોકરી મેળવી હતી. શરણાર્થી અને લઘુમતી સમુદાયની સમસ્યાઓ સંદર્ભે તેમની પહેલોને માન્યતા આપી કાઉન્સિલે હેરોમાં સ્થિર થતા નવા ઈમિગ્રન્ટ્સને મદદ કરવા વિવિધ પ્રોજેક્ટ્સમાં સ્થાન આપ્યું હતું. હેરો કાઉન્સિલના તત્કાળ લીડરના વિરોધ વચ્ચે પણ તેમણે પ્રતિદિન ૧૦૦ શાકાહારીઓને ભોજન પીરસતી ‘મીલ્સ ઓન વ્હીલ્સ’ તેમજ હેરો વીલ્ડમાં ઘરવિહોણાઓ માટે હોસ્ટેલ શરૂ કરાવી હતી. કાન્તિભાઈ હેરો રેસ રીલેશન્સ કાઉન્સિલના સ્થાપક સભ્યોમાં એક હતા.
તેમના પ્રયાસ થકી ચેરિટી સંસ્થાએ ૧૯૮૨માં ૪૫,૦૦૦ પાઉન્ડમાં મકાન ખરીદ્યું જ્યાં, અશક્તો માટે ડે કેર સેન્ટર સહિત ૧૦૦થી વધુ વૃદ્ધો માટે નિયમિત પ્રવૃત્તિઓ થતી હતી. સંગત સેન્ટરનું નામ અપાયેલા કેન્દ્રના લાભાર્થીઓમાં યુગાન્ડાના મૂળથી પણ આગળ વધી વિવિધ રાષ્ટ્રીયતાનો લોકોનો સમાવેશ થાય છે.
સખાવતી પ્રવૃત્તિઓ વધવા સાથે તેમણે ૧૯૯૪માં કાઉન્સિલમાંથી નિવૃત્તિ લઈ ચેરિટી કાર્યને જ મહત્ત્વ આપ્યું હતું. સંગત સેન્ટર દ્વારા વેલ્ફેર, ઈમિગ્રેશન, જાતિ સંબંધો, અને લગ્ન જેવા મુદ્દાઓ પર મફત કાનૂની સલાહ આપવાની શરૂઆત કરાયા પછી સમગ્ર યુકેમાં તેની માગમાં ભારે વધારો થયો હતો. કામગીરી વધવા સાથે તેમણે નવા મકાન માટે ૭૦૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા અથાક પ્રયાસો કર્યા હતા. પ્રિન્સ એડવર્ડ અને કાઉન્ટેસ ઓફ વેસેક્સના હસ્તે ૨૦૦૨માં નવા વિશાળ મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે સંગત સેન્ટર દ્વારા વાર્ષિક ઓછામાં ઓછાં ૧૫૦૦ વ્યક્તિને કાનૂની સલાહ પૂરી પડાય છે અને ૧૫ વર્ષમાં ૨૫,૦૦૦ જેટલી વ્યક્તિએ તેનો લાભ લીધો છે. સેન્ટરને સ્વનિર્ભર બનાવવા વર્ષ ૨૦૧૩થી કાનૂની સલાહ માટે નજીવી ફી લેવાની શરૂ કરાઈ છે.
નોંધપાત્ર સખાવતી પ્રવૃત્તિઓ ઉપરાંત, કાન્તિભાઈએ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (યુકે), હેરો કોમ્યુનિટી રીલેશન્સ કાઉન્સિલ, નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (યુકે), હેરો રેફ્યુજી ફોરમ, નોર્થ વેસ્ટ લંડન કોમ્યુનિટી ફાઉન્ડેશન, કર્મયોગ ફાઉન્ડેશનમાં વિવિધ કાર્યભાર સંભાળ્યો છે. તેઓ સંગત સેન્ટરના સંચાલનની સાથોસાથ વિવિધ ચેરિટી સંસ્થાઓમાં પણ કાર્યરત છે.


