લંડનઃ કેન્યાથી પેરન્ટ્સ અને પાંચ બહેનો સાથે ૧૫ વર્ષની વયે ૧૯૭૯માં લેસ્ટર આવેલા કલાબહેન પટેલે ૨૧ વર્ષની વયે પ્રથમ નર્સરી સ્થાપી હતી. તેમને ભાષાની તકલીફો, નાણાકીય સંઘર્ષ અને માતા હોવાના દબાણોનો સામનો કરવો પડ્યો હતો. આજે તેઓ પાંચ નર્સરી ચલાવે છે અને બાળસંભાળના ક્ષેત્રમાં નોંધપાત્ર સેવા બદલ તેમને OBE એવોર્ડની નવાજેશ કરાઈ છે. તેમને અનેક એવોર્ડ્સ અપાયા છે તેમજ કેન્યા અને ભારતના ગામડાંમાં વોટર પ્લાન્ટ્સ અને અનાથાશ્રમો માટે પણ તેમણે મદદ કરી છે.
કિડ્ડીકેર નર્સરીઝના મેનેજિંગ ડિરેક્ટર કલા પટેલ કહે છે,‘ OBE મળવો એ મોટુ ગૌરવ છે. એશિયન મહિલા તરીકે ક્વીન પાસેથી એવોર્ડ મેળવવો તે ખરેખર સુખદ ઘટના છે. મેં બાળકો સાથે જે કાઈ કાર્ય કર્યું છે તેની કદર થાય તે મોટુ સન્માન છે. આવા એવોર્ડ કશુંક વધુ કરવાની તમારી ભાવનાને બળ આપે છે.’
શરૂઆતમાં કલાબહેનને નોકરી કરવી હતી પરંતુ તેમના બાળકની સંભાળ રાખવા કોઈ મળતું ન હતું. તેમણે સંખ્યાબંધ નર્સરીમાં તપાસ કરી તો બધી જગ્યાએ ૧૦૦-૨૦૦ બાળકોનું વેઈટિંગ લિસ્ટ હતું. આથી તેમણે પોતાની જ નર્સરી સ્થાપવા નિર્ણય કર્યો. જૂની ઓફિસની જગ્યા, બેન્ક લોન અને અઠવાડિક ૬૫ પાઉન્ડના એન્ટરપ્રાઈઝ એલાવન્સ સાથે ૧૫ બેઠકની તેમની નર્સરી સ્થપાઈ ત્યારે લેસ્ટરમાં ૧૦ વર્ષથી આવી કોઈ નર્સરી ખુલી ન હતી. નર્સરીના ઓપનિંગ દિવસે જ ૩૦૦ બાળકોનું વેઈટિંગ લિસ્ટ થયું હતું.


