લંડનઃ બિઝનેસમેન સંજય કપૂરના આકસ્મિક નિધન બાદ સોના કોમસ્ટારના વારસા માટેના જંગમાં નાટકીય વળાંક આવ્યો છે. સંજય કપૂરની માતા રાની કપૂરે યુકેમાં તેમના પુત્રના મોતની તપાસની માગ કરી છે. તેમણે નોંધાવેલી સત્તાવાર ફરિયાદમાં બ્રિટિશ સત્તાવાળાઓ સમક્ષ સંજય કપૂરના મૃત્યુના રહસ્યમય સંજોગોની તપાસ કરવા માગ કરી છે. રાની કપૂરે દાવો કર્યો છે કે મારા પુત્રની હત્યાનું ટ્રાન્સનેશનલ કાવતરું હોવાના ચિંતાજનક પુરાવા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં લંડનમાં પોલો રમતી વખતે હૃદયરોગનો હુમલો થતાં સંજય કપૂરનું મોત થયું હતું. તેમના મોત બાદ તેમનો રૂપિયા 30,000 કરોડનો વારસો મેળવવા માતા રાની કપૂર અને પત્ની વચ્ચે જંગ છેડાયો છે. રાની કપૂરનો દાવો છે કે તેઓ તેમના પુત્રની સંપત્તિના કાયદેસરના વારસ છે. કેટલાક તત્વો અમારા પારિવારિક વારસા પર કબજો જમાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.
રાની કપૂરે આરોપ મૂક્યો છે કે મારા પુત્રના મોતને હૃદયરોગના હુમલામાં ખપાવી દેવામાં આવી રહ્યું છે. હકીકતો વિચલિત કરનારી છે. મારા પુત્રના નિધન બાદ તણાવના કારણે મારે ચોક્કસ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા. તેની હત્યાનું કાવતરું ઘડાયું હોય તેમ માનવાને ઘણા કારણો છે. યુકે, ભારત અને અમેરિકાની કેટલીક વ્યક્તિઓ તેમાં સંડોવાયેલી હોઇ શકે છે. તેનું મોત કુદરતી ન હોવાનું માનવાના વિશ્વસનીય પુરાવા છે.
સંજય કપૂરનું મોત કુદરતી હતુઃ સરે કોરોનર ઓફિસ
બ્રિટિશ મેડિકલ સત્તાવાળાઓએ સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવ કુમારને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે સંજય કપૂરનું મોત કુદરતી હતું. તેમના મોત માટે હૃદયરોગ જવાબદાર હતો.