લંડનઃ શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીના ભારત ખાતેના પ્રત્યર્પણની અપીલ નકારી કાઢતા લંડન હાઇકોર્ટના ચુકાદાને બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં પડકારવાની અનુમતિ ભારત સરકારે લંડન હાઇકોર્ટ પાસે માગી છે. લંડનમાં વસવાટ કરતા સંજય ભંડારી પર ભારતમાં રૂપિયા 197 કરોડની કરચોરી કરવા અને મની લોન્ડરિંગના આરોપ છે.
આ પહેલાં શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીને ભારતને સોંપવાનો લંડન હાઇકોર્ટે ઇનકાર કરી દીધો હતો. ભારતની તિહાર જેલમાં પોતે સુરક્ષિત નથી, મારા પર ખંડણી, હિંસા અને અત્યાચારનું જોખમ રહેલું છે અને ભારતમાં મારી ન્યાયી સુનાવણી થશે નહીં તેવી સંજય ભંડારીની દલીલોને બ્રિટનની અદાલતે સ્વીકારી લીધી હતી. આમ સંજય ભંડારીને ભારત પરત લઇ આવવાના નવી દિલ્હીના પ્રયાસોને મોટો ફટકો પડ્યો હતો.
આ પહેલાં 7 નવેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે 6 દલીલના અધારે સંજય ભંડારીના ભારત ખાતેના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. જેને ભંડારી દ્વારા લંડન હાઇકોર્ટમાં પડકાર અપાયો હતો. તેમની અરજીની સુનાવણી ડિસેમ્બર 2024માં પૂરી થઇ હતી. લોર્ડ જસ્ટિસ હોલરોયડ અને મિસિસ જસ્ટિસસ્ટેઇને તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, સંજય ભંડારીના પ્રત્યર્પણને કારણે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સના આર્ટિકલ 3 અને 6નું ઉલ્લંઘન થશે તેથી ભંડારીનું પ્રત્યર્પણ ગેરકાયદેસર ગણાશે. અદાલતે સંજય ભંડારીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
ભારત સરકારનો આરોપ છે કે સંજય ભંડારીએ રૂપિયા 665 કરોડની વિદેશી સંપત્તિ અને વિદેશી આવક પર કર ચૂકવ્યો નથી. તેમના પર મની લોન્ડરિંગના આરોપ પણ ભારત સરકાર દ્વારા મૂકાયા છે. સંજય ભંડારી 19 વિદેશી બેન્ક ખાતા ધરાવે છે. તેઓ લંડન અને દુબઇમાં 6 કંપની અને 4 પ્રોપર્ટી પણ ધરાવે છે.
લંડન હાઇકોર્ટે ભારત સરકાર દ્વારા અપાયેલા આશ્વાસનને નકારી કાઢ્યું હતું. ભારત સરકારે જણાવ્યું હતું કે, સંજય ભંડારીની તિહાર જેલમાં ફક્ત પૂછપરછ કરાશે.