લંડનઃ ભારતમાં શસ્ત્ર સોદાઓના વચેટિયા મનાતા સંજય ભંડારીને યુકેની હાઇકોર્ટે તેમના ભારત ખાતેના પ્રત્યર્પણને પડકારવાની પરવાનગી આપી દેતાં ભારત સરકારને મોટો ફટકો પડ્યો છે. ભારત સરકારે સંજય ભંડારીના પ્રત્યર્પણ માટે બ્રિટિશ સરકારને બે અરજી આપી હતી. હાલ સંજય ભંડારી લંડનમાં રહે છે. પહેલી અરજી ભારતના ઇડી વિભાગ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ભંડારીના પ્રત્યર્પણની માગ કરાઇ હતી જ્યારે બીજી માગ ભારતના આવકવેરા વિભાગ દ્વારા કર ચોરીના આરોપસર કરાઇ હતી.
7 નવેમ્બર 2022ના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ માઇકલ સ્નોએ ભંડારીનો કેસ તત્કાલિન હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને મોકલી આપ્યો હતો. સુએલા બ્રેવરમેને 12 જાન્યુઆરી 2023ના રોજ ભંડારીના પ્રત્યર્પણના આદેશ જારી કર્યા હતા.
ગુરુવારે જસ્ટિસ પુષ્પિન્દર સિંહ સૈનીએ ભંડારીને તેમના પ્રત્યર્પણ સામે અરજી કરવાની મંજૂરી આપી હતી.