લંડનઃ સંજય શાહ અને તેમના હેજ ફંડ સામેના 1.4 બિલિયન પાઉન્ડના ટેક્સ ફ્રોડના કેસમાં લંડનની હાઇકોર્ટમાં ડેન્માર્કનો પરાજય થયો છે. ડેન્માર્ક કથિત ટેક્સ સ્કેન્ડલના નાણા રિકવર કરવાના પ્રયાસમાં લંડનમાં કોર્ટ કેસ લડી રહ્યો હતો. ડેન્માર્કના આવકવેરા વિભાગે આરોપ મૂક્યો હતો કે સંજય શાહ અને તેમના હેજ ફંડે દેશમાં 3 વર્ષ સુધી ટેક્સ ફ્રોડ આચરી 1.4 બિલિયન પાઉન્ડ ડિવિડન્ડ ટેક્સ રિફંડ પ્રાપ્ત કર્યાં હતાં.
ગયા વર્ષે ડેન્માર્કની અદાલતે સંજય શાહને કથિત ટેક્સ ફ્રોડ કેસમાં દોષી ઠેરવ્યા હતા તેથી રિફંડ મેળવવા માટે ડેન્માર્કના સત્તાવાળાઓએ લંડન હાઇકોર્ટમાં દાવો માંડ્યો હતો.
લંડન હાઇકોર્ટના મિસ્ટર જસ્ટિસ એન્ડ્રુ બેકરે જણાવ્યું હતું કે, સંજય શાહ સહિતના પ્રતિવાદીઓ ઘણી રીતે અપ્રમાણિક હતા પરંતુ સત્તાવાળાઓ તેના પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યાં છે. ડેન્માર્કની ટેક્સ રિફંડ સિસ્ટમ અત્યંત નબળી છે તેથી પ્રતિવાદીઓની લાલચ સફળ રહી હતી.


