સંજય શાહઃ ૭૦૦ મિલિયન ડોલરના માલિક, પણ ગોટાળાની ભરમાર

Thursday 15th October 2020 05:46 EDT
 
 

દુબઈ, લંડનઃ એક દાયકા અગાઉ વૈશ્વિક નાણાકીય કટોકટીના ગાળામાં નોકરી ગુમાવનારા હજારો લોકોમાંના એક અને સામાન્ય નાના વેપારી તરીકેની ઓળખ ધરાવતા બ્રિટિશ બિઝનેસમેન સંજય શાહ ૭૦૦ મિલિયન ડોલરના માલિક છે. તેમણે ‘સોલો કેપિટલ પાર્ટનર્સ LLP’ કંપની મારફત યુરોપના વિવિધ દેશોના ટેક્સ કાયદાઓના છીંડાના ઉપયોગથી અપાર સંપત્તિ હાંસલ કરી છે જેને, ડેનમાર્ક અને જર્મની દ્વારા ટેક્સ ઈતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી ગણાવાઈ છે. જોકે, તેમની સંપત્તિ હાલ સ્થગિત કરી લેવાઈ છે અને તેમની સામે અનેક દેશોમાં કાનૂની અને ક્રિમિનલ કાર્યવાહી ચાલી રહી છે. પરિસ્થિતિ એવી છે કે જો તેઓ ગલ્ફ સિટીમાંથી બહાર નીકળે તો તેમની તત્કાળ ધરપકડ થવાના ભણકારા પણ વાગી રહ્યા છે. જોકે, તેમના વિરુદ્ધ કોઈ ચાર્જ લગાવાયા નથી. 

શાહનો દાવો છે કે તેમની તમામ કમાણી વિવાદિત હોઈ શકે પરંતુ, કાયદેસર છે. ઉલ્લેખનીય છે કે યુકેના પૂર્વ એટર્ની જનરલ જ્યોફ્રી કોક્સ એક સમયે શાહના વકીલ હતા.
પરિણીત સંજય શાહ ત્રણ સંતાનનો પિતા છે. તેનો જન્મ લંડનના મેરીલિબોન ખાતે ૧૯૭૦માં થયો હતો. સર્જનના પુત્ર સંજયે કિંગ્સ કોલેજ લંડનમાં મેડિસીનની ડીગ્રી લેવા પ્રવેશ મેળવ્યો હતો પરંતુ, અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો. આ પછી તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ક્વોલિફિકેશન મેળવ્યું હતું. સંજયને દુબઈ ઘણું ગમી જવાથી તે ૨૦૦૯માં ત્યાં સ્થાયી થયા છે. તેના સૌથી નાના દીકરા નિખિલને ૨૦૧૧માં ઓટિઝમનું નિદાન થયા પછી ત્રણ વર્ષ તેની સારવાર ચાલી હતી. શાહે ઓટિઝમ વિશે જાગૃતિ ઉભી કરવા ૨૦૧૪માં ઓટિઝમ રોક્સ ચેરિટીની સ્થાપના કરી હતી. તેમણે ઓટિઝમ ચેરિટીના હેતુસર આયોજિત કાર્યક્રમ માટે ડેરેક, એલ્ટન જ્હોન અને જેનિફર લોપેઝ જેવા મોટા કલાકારોને પણ બુક કરી લીધા હતા.

શાહ કહે છે, હું કંટાળી ગયો છું

યુકેની નેશનલ ક્રાઈમ એજન્સીએ ‘સોલો કેપિટલ પાર્ટનર્સ LLP’ની ઓફિસીસ પર દરોડા પાડ્યા પછી શાહ પાંચ વર્ષથી આપરાધિક તપાસોનો સામનો કરી રહ્યા છે પરંતુ, કાનૂની સમસ્યાઓ હવે શરૂ થશે. શાહ કહે છે કે, ‘બાળકો અને પરિવાર સાથે સમય વીતાવવો સારો લાગે છે પરંતુ, હું આ બધાથી કંટાળી ગયો છું. મામલો કેટલો લાંબો ચાલશે તે ખબર નથી.’ ડેનમાર્કની એજન્સી સ્કાટના આરોપોને આવરી લેતી સિવિલ ટ્રાયલ આગામી વર્ષે લંડનમાં શરૂ થવાની છે.
શાહના વકીલોની દલીલ છે કે ડિવિડન્ડ આર્બિટ્રેજ ટ્રેડિંગ કાયદેસર છે અને બ્રિટિશ અદાલતોમાં ચાલતા દાવાને આગળ વધારવાનો અધિકાર ડેનમાર્ક પાસે છે ખરો? શાહનું કહેવું છે કે યુકે ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ તેમનો સંપર્ક કર્યો નથી જ્યારે, ઓથોરિટીએ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે તે લંડનના બજારોમાં ગણનાપાત્ર અને શંકાસ્પદ શેર ટ્રેડિંગ વિશે તપાસ કરી રહી છે. આ તપાસ કમ-એક્સ સ્કીમ સાથે સંકળાયેલી છે. ઓગસ્ટમાં દુબઈની એક કોર્ટે શાહ વિરુદ્ધ ડેનમાર્કના એક કેસને ફગાવી દીધો હતો. જોકે, ચુકાદા સામે અપીલ થવાની છે. બીજી તરફ, કથિત કૌભાંડના અન્ય સહયોગીઓ વિરુદ્ધ યુએસમાં સિવિલ કેસ પણ ચલાવાનો છે.

દુબઈમાંથી બહાર નીકળે તો ધરપકડનો ડર

ડેનમાર્ક તેની જીડીપીના લગભગ એક ટકો અથવા તો ૧૨.૭ બિલિયન ક્રોનર (૨ બિલિયન ડોલર) પાછા મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. ડેનમાર્કના કહેવા મુજબ શાહનો ધંધો આખો દેખાડો જ છે. આ પુરવાર કરવા વકીલો શાહના બેન્ક રેકોર્ડ્સ મેળવવા માગે છે. સત્તાવાળાઓએ સંજય શાહની સંપત્તિ સ્થગિત કરી છે અને ઘણા દેશોમાં કાનૂની અને ક્રિમિનલ કેસની કાર્યવાહીનો સામનો કરવાનો આવ્યો છે.
સંજયના વકીલોએ તો એટલે સુધી કહ્યું છે કે કોઈ ચાર્જ લગાવાયા ન હોવાં છતાં, દુબઈમાંથી બહાર નીકળી યુરોપ જવાનો પ્રયાસ કરશો તો પણ તમારી ધરપકડ કરી લેવાશે. સત્તાવાળાઓ તેને દુબઈમાંથી બહાર લાવવા પ્રયાસ કરી રહ્યા છે. ગત પાંચ વર્ષથી સંજય વકીલો સાથે કાયદાઓની માથાકૂટ કરતા રહે છે. તે લોકોને એવી સલાહ આપે છે કે તમારા ટેક્સ કોડને બરાબર ઓળખો. તે કહે છે કે, ‘તમે કોઈની તસવીર અખબારોમાં છાપી દો અને કહો કે દુબઈમાં રહેતો આ માણસ આખો દિવસ સમુદ્રતટે બેસીને પીના કોલાડો પીએ છે અને કોઈ તેની પાસે નોકરી માગવા જાય છે તો સલાહમાં એટલું જ કહે છે તમારા દેશની કાનૂની સિસ્ટમને ઓળખી લો. આમ કહેવાનું ઘણું સરળ છે.’

સંજય શાહને કોઈ પસ્તાવો નથી

ડેનમાર્ક અને જર્મની સહિત ઘણા દેશોની એજન્સીઓ શાહની પાછળ પડી છે પરંતુ, તેને પોતાના કાર્યોનો કોઈ જ પસ્તાવો નથી. દુબઈમાં ૪.૫ મિલિયન ડોલરની કિંમતના આલિશાન ઘરમાંથી ૫૦ વર્ષીય સંજય શાહે ઘણા ઈન્ટર્વ્યૂ આપ્યા છે. આ બધાનો એક જ સૂર છે કે તેમણે કશું ગેરકાનૂની કર્યું નથી. સંપત્તિ કમાવવા અપનાવેલા માર્ગો બાબતે કોઈ પસ્તાવો નથી. શાહ એક વીડિયો ઈન્ટર્વ્યૂમાં કહે છે કે, ‘હેજ ફંડ મેનેજર્સ હોય કે કોઈ પણ, કોઈ બેન્કર્સ પાસે નૈતિકતા રહી નથી. મારી તમામ કમાણી કાયદેસર છે.’ સંજય શાહ અત્યારે પણ પોતાની પ્રોપર્ટીઝ ભાડાં પર આપી વર્ષમાં લગભગ ૨૦૦,૦૦૦ પાઉન્ડની કમાણી કરી રહ્યા છે અને તેમાંથી અડધાથી વધુ કમાણી કોરોના મહામારી અગાઉની છે. શાહ અને તેમની કંપની ‘સોલો કેપિટલ પાર્ટનર્સ LLP ’હાલ ડેનિશ કમ-એક્સ (Cum-Ex) કૌભાંડમાં કેન્દ્રસ્થાને છે. શાહની કંપનીએ ઈન્વેસ્ટર્સને ઉતાવળે તેમના શેર્સ વેચવા અને ડિવિડન્ડ ટેક્સીસમાં મલ્ટિપલ રિફન્ડ્સ મેળવવામાં મદદ કરી હોવાનું કહેવાય છે.

બેન્કર્સ અને વેપારીઓની વ્યાપક તપાસ

ડેનમાર્કમાં સંજય શાહ વિરુદ્ધ દાખલ કેસમાં તો આમજનતા પણ સડકો પર આવી ગઈ છે. તેમનું કહેવું છે કે સંજય શાહ જેવા વેપારીઓએ દેશને લૂંટ્યો છે. ડેનમાર્ક અગાઉથી જ આર્થિક મંદી અનુભવી રહેલ છે અને કોરોના મહામારીએ તેની હાલત વધુ ખરાબ કરી છે. ડેનિશ ઓથોરિટીઝ કરદાતાઓના ભંડોળમાંથી બિલિયન્સ યુરોની કમાણીના મુદ્દે અનેક દેશોમાં ફેલાયેલા સેંકડો બેન્કર્સ, વેપારીઓ અને વકીલોની તપાસ કરી રહી છે. જોકે, શાહ એક જ રટ લગાવીને બેઠા છે કે તેમને ‘બલિનો બકરો’ બનાવાઈ રહ્યા છે. તેમણે સત્તાવાળાઓને પોતાને અપરાધી સાબિત કરવાનો પડકાર કરતા કહ્યું છે કે, ‘આ નાણા હું ગેરરીતિથી કમાયો હોવાનું કે કોઈ કાયદો તોડ્યાનું તેઓ પૂરવાર કરે. આ તો સિસ્ટમે જ મને નાણા કમાવાનો માર્ગ બતાવ્યો છે.’

વાસ્તવિક શેર વિનાનો વેપાર

ડેનમાર્કની ટેક્સ એજન્સી સ્કાટ - Skat કહે છે કે આ વેપારમાં વાસ્તવિક શેર્સ સામેલ હોવા વિશે કોઈ પુરાવા મળ્યા નથી, જેમાંથી શાહે ડિવિડન્ડનાં રિફન્ડ મેળવ્યા હોય. આમાંથી કોઈ શેર સાથે વાસ્તવિક હોલ્ડિંગ અથવા સંબંધ નથી અને એક રીતે માત્ર કાગળ પર ટ્રાન્ઝેક્શન્સ થયાનું જણાય છે. એજન્સીના જણાવ્યા મુજબ તેણે પૂર્વ બેન્કર શાહ અને તેમના કથિત સહયોગીઓ વિરુદ્ધ કાનૂની દાવામાં શાહના લંડનના ૨૦ મિલિયન ડોલરના આલિશાન મેન્શન સહિત ૩.૫ બિલિયન ડેનિશ ક્રોનર મૂલ્યની સંપત્તિ સ્થગિત કરી છે. ડેનમાર્કના ઓફિસરોએ ફ્રોડના મોટા મોટા કેસમાં સારી સફળતા મેળવી છે પરંતુ, ૨ બિલિયન ડોલરના અપરાધ મુદ્દે સફળતા મળતી નથી.
સંજય શાહ માટે જર્મનીમાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ છે. તેઓ જર્મનીમાં વોન્ટેડ તરીકે જોવાય છે. સત્તાવાળાઓએ દેશવ્યાપી જાળું બનાવી ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં હેરાફેરી કરનારા સેંકડો શકમંદોની તપાસ હાથ ધરી છે. જર્મન પ્રોસીક્યુટરોએ ૨૦થી વધુ લોકો સામે ચાર્જ પણ લગાવ્યા છે જેમાંથી બે કર છુપાવવા બદલ દોષિત ઠર્યા છે.

મોટી બેન્કો માટે ટ્રેડર તરીકે કામગીરી

એક દાયકા અગાઉ ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં Cum-Ex ડીલ્સ ઘણા લોકપ્રિય હતા. શાહ કહે છે કે વિશ્વની મોટી બેન્કો માટે લંડનમાં ટ્રેડર તરીકેની કામગીરી દરમિયાન તેને વિચાર સ્ફૂર્યો હતો. તેણે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ક્રેડિટ સ્યુસ ગ્રૂપ એજીમાં વેપારીઓને ડિવિડન્ડ આર્બિટ્રેજ તરીકે ઓળખાતી સ્ટ્રેટેજીના ઉપયોગથી ડિવિડન્ડ ટેક્સીસનો લાભ લેતા જોયા હતા. ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં નાણાકીય કટોકટી મંડરાઈ રહી હતી તે સમયમાં તેણે એમસ્ટર્ડેમની રાબોબેન્ક ગ્રૂપમાં થોડા વર્ષ કામ કર્યું હતું. આ પછી તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
નોકરી ગુમાવ્યા પછી સંજય શાહ બેસી રહે તેવા ન હતા. શાહને ઘણી ફર્મ્સે નફામાં ભાગીદારીની ઓફર કરી પરંતુ, શાહને આખો લાડવો ખાવામાં જ રસ હોવાથી તેણે પોતાની ફર્મ ‘સોલો કેપિટલ પાર્ટનર્સ’ સ્થાપી હતી. આ સમયે તેની પાસે અંદાજે પાંચ લાખ પાઉન્ડની મૂડી હતી. તેમણે પોતાનું આગવું ફંડ સ્થાપી ડિવિડન્ડ ટેક્સના કાયદામાં રહેલા છીંડાઓનો ઉપયોગ કરી ધંધો સ્થાપી દીધો અને સામાન્ય ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી. તેઓ થોડા વર્ષોમાં એટલા મોટા બિઝનેસમેન બની ગયા કે ઓછામાં ઓછાં ૭૦૦ મિલિયન ડોલર (૫૧૧૦ કરોડ રૂપિયા) અને લંડનના રીજેન્ટ પાર્ક ઘરથી માંડી હોંગકોંગ, ટોકિયો, દુબઈ સુધી વિશાળ પ્રોપર્ટી ફોલિયોના માલિક બની ગયા હતા. તેઓ ૬૨ ફૂટ લંબાઈની લક્ઝરી યોટના માલિક પણ બની ગયા.

સંજય શાહની મોડસ ઓપરેન્ડી

યુરોપમાં ટેક્સ કાયદાઓમાં ભારે છીંડા છે. વેપારીઓને શરૂઆતના એક જ હોલ્ડિંગ પર વારંવાર ડિવિડન્ડ જમા કરવાની છૂટ મળે છે. શાહ જેવા વેપારીઓ તેનો ઘણો લાભ લે છે. શાહની પહેલી કસ્ટોડિયન બેન્ક જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની હતી. શાહની યોજનાઓ માથુ ચકરાવી નાખે તેવી હતી. યુકેના એજન્ટોના નાના ગ્રૂપે યુએસ પેન્શન ફંડ અને મલેશિયા અને લક્ઝમબર્ગ સહિત સેંકડો વિદેશી સંસ્થાઓના પ્રતિનિધિ હોવાનો દાવો કરી ૨૦૧૨-૨૦૧૫ના ગાળામાં સ્કાટને ડેનિશ શેરોમાંથી ડિવિડન્ડ મળ્યાનું અને તેઓ ટેક્સ રિફંડના હકદાર હોવાનું જણાવ્યું હતું.
પુરાવાથી સંતુષ્ટ ડેનિશ એજન્સીએ તેમને ૨ બિલિયન ડોલર સોંપ્યા હતા જેમાંથી મોટા ભાગના નાણા સીધા શાહના ખિસામાં ગયા હતા. ડઝનબંધ એજન્ટ અને સેંકડો વિદેશી સંસ્થા તો શાહના નેટવર્કનો એક હિસ્સો હતી. યુકેની કોર્ટમાં દાખલ એક દાવા અનુસાર શાહે ગેરકાયદે રિફન્ડ રિકવેસ્ટ જનરેટ કરવા માટે દેખાવાની લેણદેણની ચેઈન બનાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter