સંજીવ ગુપ્તા દ્વારા કોવિડ સપોર્ટ સ્કીમનો દુરુપયોગ?

Wednesday 17th March 2021 10:10 EDT
 
 

લંડનઃ યુકેના સૌથી મોટા ઔદ્યોગિકગૃહોમાં એક અને બિઝનેસ ટાઈકૂન સંજીવ ગુપ્તાની લિબર્ટી સ્ટીલની મુખ્ય ફાઈનાન્સર સ્પેશિયાલિસ્ટ બેન્ક ગ્રીનસિલ કેપિટલ એડમિનિસ્ટ્રેશન હેઠળ મૂકાતા ૫,૦૦૦ નોકરીઓ મુશ્કેલીમાં આવી જવાનું જોખમ સર્જાયું છે. ‘સેવિયર ઓફ સ્ટીલ’ તરીકે ઓળખાતા મૂળ ભારતીય સંજીવ ગુપ્તા અને તેના ફાઈનાન્સિયર ગ્રીનસિલ સામે કોવિડ-૧૯ સપોર્ટ સ્કીમમાંથી ૪૦૦ મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમ મેળવવાનો આક્ષેપ છે. અગાઉ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુપ્તાએ સરકારની કોરોના વાઈરસ લાર્જ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CLBILS) દ્વારા નિશ્ચિત મર્યાદાથી આઠ ગણી રકમનું કરજ લેવા ઓસ્ટ્રેલિયન બેન્કરનો ઉપયોગ કર્યો હતો.

આ સ્કીમ હેઠળ માન્ય ધીરાણકારો પાસેથી લેવાયેલી લોન્સના ૮૦ ટકાની ગેરન્ટી આપે છે જે, પ્રતિ ગ્રૂપ મહત્તમ ૫૦ મિલિયન પાઉન્ડની રહે છે. ગ્રીનસિલે સપ્લાયર ફાઈનાન્સનો ઉપયોગ કરી ગુપ્તાની GFG Alliance અને તેની સાથે સંરળાયેલી કંપનીઓને સરકાર સમર્થિત ૫૦ મિલિયન પાઉન્ડની આઠ અલગ લોન્સ મેળવી હતી. જોકે, સરકારની બ્રિટિશ બિઝનેસ બેન્કે (BBB) નિયમભંગના કારણે ત્રણ સપ્તાહ અગાઉ જ આ લોન્સની ગેરન્ટી પાછી ખેંચી લીધી હોવાનું અહેવાલોએ જણાવ્યું છે. ગ્રીનસિલના પતન અગાઉ ગુપ્તાએ નવું ફાઈનાન્સ મેળવવા શોધ કરી ત્યારે જ આ સમાચાર બહાર આવ્યા હતા.

સંજીવ ગુપ્તાની GFG Allianceની લિબર્ટી સ્ટીલ કંપનીએ અગાઉની બ્રિટિશ સ્ટીલ કંપનીનો મોટા ભાગનો હિસ્સો ખરીદેલો છે. સંજીવ ગુપ્તાના ઔદ્યોગિક સામ્રાજ્યને ફાઈનાન્સ કરતી રહેલી સ્પેશિયાલિસ્ટ બેન્ક ગ્રીનસિલ કેપિટલ કાચી પડવાથી એડમિનિસ્ટ્રેશન હેઠળ મૂકાઈ છે જેના પરિણામે, લિબર્ટી સ્ટીલ સહિત અન્ય કંપનીઓમાં ૫,૦૦૦ નોકરી બંધ થવાનું જોખમ સર્જાયું છે. ગ્રીનસિલે કોર્ટ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે મિ. ગુપ્તાના ઓપરેશન્સ ‘નાણાકીય મુશ્કેલી’માં છે અને દેવાંની ચૂકવણીમાં ડિફોલ્ટ થઈ શકે છે.

સંજીવ ગુપ્તાએ કોઈ ટીપ્પણી કરવા નકાર્યું છે પરંતુ તેના બિઝનેસ GFG Alliance દ્વારા અગાઉ કહેવાયું હતું કે વર્તમાન જરુરિયાત માટે તેની પાસે પૂરતું ભંડોળ છે. દરમિયાન, લિબર્ટીના એક સપ્લાયરે ગુપ્તાની કંપની GFG Allainceના ભાવિ સામેના પ્રશ્નાર્થથી ક્રેડિટ લિમિટ સખત બનાવી છે. બીજી તરફ, લિબર્ટીએ તેની ૬૦થી ૮૦ દિવસની ક્રેડિટ ટર્મ ઘટાડી ૩૦ દિવસની કરવા તૈયારી કરી છે. હવે સંજીવ ગુપ્તાએ સ્ટીલ કસ્ટમર્સ પર વેળાસર પેમેન્ટ કરવાનું દબાણ વધારી દીધું છે.

લિબર્ટી યુકેમાં રોધરહામ, મધરવેલ, સ્ટોક્સબ્રિજ, ન્યૂપોર્ટ અને હર્ટલપૂલ સહિત ૧૨ સ્ટીલ પ્લાન્ટ્સની માલિકી ધરાવે છે. વિશ્વભરમાં કંપનીના ૩૫,૦૦૦ કર્મચારી અને અનેક વેપારધંધા છે. ૪૯ વર્ષના ગુપ્તાએ સરકાર પાસેથી નાણા મેળવ્યાની આ પહેલી ઘટના નથી. ગુપ્તાએ પૂર્વ વડા પ્રધાન અને ગ્રીનસિલના સલાહકાર ડેવિડ કેમરન જેવા ઊંચા હોદ્દાઓ પર રહેલા મિત્રોની મદદથી સરકારી સહાયનો મોટો હિસ્સો વારંવાર મેળવ્યો હોવાનું મનાય છે.

સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને તેમને ૨૦૧૬માં હાઈલેન્ડ્સ એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્લાન્ટ સાથે સંકળાયેલા ૫૭૫ મિલિયન પાઉન્ડની સરકારી ગેરન્ટી ૨૫ વર્ષ માટે આપી હતી. તેણે બે સ્કોટિશ સ્ટીલવર્ક્સ ખરીદવા વધારાના ૭ મિલિયન પાઉન્ડ પણ મેળવ્યા હતા. ગુપ્તાએ CLBILS હેઠળ મેળવેલું કુલ ધીરાણ સ્પષ્ટ નથી કારણકે ધીરાણ લેનારે કંપનીઝ હાઉસમાં ચાર્જીસ રજિસ્ટર કરાવવાનું ફરજિયાત હોતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter