સંજીવ ગુપ્તાએ $૩૨૦ મિલિયનમાં ટેક્સાસની KCI સ્ટીલ કંપની ખરીદી

Wednesday 05th December 2018 01:37 EST
 
 

લંડન, ટેક્સાસઃ બ્રિટિશ મેટલ મેગ્નેટ સંજીવ ગુપ્તાની માલિકીના GFG એલાયન્સે યુએસની સ્ટીલ કંપની કીસ્ટોન કોન્સોલિડેટેડ ઈન્ડસ્ટ્રી (KCI)ને ૩૨૦ મિલિયન ડોલર (૨૫૧ મિલિયન પાઉન્ડ)માં કોન્ટ્રાન કોર્પોરેશન પાસેથી ખરીદી ટેક્સાસમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. આ કંપની વાયર અને એગ્રીકલ્ચરલ ફેન્સીસનું ઉત્પાદન કરે છે. (KCI)ની ખરીદી સાથે અમેરિકામાં સંજીવ ગુપ્તા ગ્રૂપનો પગપેસારો વધુ મજબૂત બનશે. ગુપ્તાનું બિઝનેસ ગ્રૂપ ઝડપી વિસ્તરણ સાથે નોર્થ અમેરિકામાં પાંચ બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

તેમના ગ્રૂપે ઉનાળામાં જ સાઉથ કેરોલિનામાં સ્ટીલ મિલને નવેસરથી ખુલ્લી મૂકી હતી. પ્રેસિડેન્ટ ટ્રમ્પે ધાતુઓની આયાત પર ભારે ડ્યૂટી લાદી હોવાથી યુએસના કેટલાક સ્ટીલ ઉત્પાદકો મોટા પાયે નફો રળી રહ્યા છે. GFG એલાયન્સે KCIની કમાણી જાહેર કરી નથી પરંતુ, તે સતત નફો રળતી હોવાનું કહેવાય છે. ગુપ્તાની લિબર્ટી સ્ટીલ યુએસએ કંપની દ્વારા KCIને હસ્તગત કરવામાં આવી છે, જેનો જ્યોર્જટાઉન પ્લાન્ટ અગાઉ સ્ટાલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલ હસ્તક હતો.

મોટા ભાગે વિશાળ કોમોડિટીઝ ટ્રેડિંગ હાઉસ ગણાયેલા GFG એલાયન્સે ગત થોડાં વર્ષોમાં ડાઈવર્સીફાઈડ ઈન્ડસ્ટ્રીયલ કોન્ગ્લોમેરેટ તરીકે નામના મેળવી છે. મેટલ્સ, મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને ફાઈનાન્સ ક્ષેત્રોમાં કામગીરી અને ૧૪,૦૦૦ કર્મચારીઓ સાથે તેનું વાર્ષિક ટર્નઓવર ૧૫ બિલિયન ડોલરથી પણ વધુ છે. ગુપ્તા ગ્રૂપ ઓસ્ટ્રેલિયામાં પણ લિબર્ટી વનસ્ટીલ નામે કામગીરી બજાવે છે.

સ્ટીલ માંધાતા સપ્લાયરોના બીલ ચૂકવવામાં નિષ્ફળ

લંડનઃ સંજીવ ગુપ્તાના વિસ્તરણ પામી રહેલા લિબર્ટી હાઉસના સપ્લાયરોએ ક્રેડિટ ઈન્સ્યુરન્સ મેળવવામાં પડી રહેલી મુશ્કેલી પર પ્રકાશ પાડતા ચેતવણી આપી હતી કે તેમને સંજીવ ગુપ્તા પાસેથી જંગી રકમ લેવાની નીકળે છે. એક સપ્લાયરે બાકી રકમ ન ચૂકવાય ત્યાં સુધી સંજીવ ગુપ્તાના સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસને માલસામાન નહિ આપવા ચેતવણી આપી હતી.

ગુપ્તા ફેમિલી ગ્રૂપ (GFG) એલાયન્સના બ્રિટિશ સંચાલનને માલસામાન અને સર્વિસ પૂરી પાડતી પાંચ કંપનીઓએ જણાવ્યું હતું કે તેમને સ્ટીલ, કોમોડિટી અને એનર્જી જૂથ પાસેથી પેમેન્ટ મેળવવામાં તકલીફ પડી રહી છે. ક્રેડિટ ઈન્સ્યુરર યુલર હર્મીસે લીબર્ટી હાઉસના સપ્લાયરોનું ક્રેડિટ કવર સંપૂર્ણપણે હટાવી લીધું હોવાનું મનાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter