લંડનઃ સરકારે 1450 કર્મચારીની નોકરી બચાવવા યુકેના ત્રીજા નંબરના ગણાતા સાઉથ યોર્કશાયર સ્થિત લિબર્ટી સ્ટીલ ગ્રુપની કંપનીની કામગીરી પોતાને હસ્તક લઇ લીધી છે. ગુરુવારે લંડનમાં હાઇકોર્ટે રોધરહામ અને સ્ટોક્સબ્રિજ ખાતે પ્લાન્ટ ધરાવતી સ્પેશિયાલિટી સ્ટીલ યુકે બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. કંપનીએ હાઇકોર્ટને અપીલ કરી હતી કે વધુ નવા ઇન્વેસ્ટર મળે ત્યાં સુધીનો સમય અપાય. આ કંપની પહેલાં મેટલ ટાયકૂન સંજીવ ગુપ્તાની લિબર્ટી સ્ટીલ ગ્રુપનો હિસ્સો હતી. ત્યારબાદ તેને સરકારી અધિકારીના નીરિક્ષણ હેઠળ મૂકાઇ હતી. તે માટે કંપનીના સંચાલન માટે સ્પેશિયલ મેનેજરોની સમિતિની નિયુક્તિ કરાઇ હતી. ગુપ્તા ગ્રુપની 9 દેશમાં આવેલી 15 કંપનીઓ નાદારીનો સામનો કરી રહી છે.
સંજીવ ગુપ્તાને રોયલ નેવીનો 1.6 બિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ
સ્ટીલ ટાયકૂન સંજીવ ગુપ્તાનું ઔદ્યોગિક સામ્રાજ્ય ભલે ધરાશાયી થઇ રહ્યું હોય પરંતુ તેમને રોયલ નેવીના યુદ્ધજહાજોના કાફલાના નિર્માણમાં કેન્દ્રવર્તી ભુમિકા પ્રાપ્ત થઇ છે. લીબર્ટી સ્ટીલના પ્લાન્ટ્સમાં ગુપ્તાનું પ્રોડક્શન ભલે બંધ થયું હોય પરંતુ એકસમયે સેવિયર ઓફ સ્ટીલ તરીકે જાણીતા ગુપ્તા યુકેમાં અન્ય સ્થળોએ પ્રોડક્શન વધારવાની તૈયારી કરી રહ્યા છે. ગુપ્તા મધરવેલ સ્થિત ડાલઝેલ વર્ક્સની માલિકી ધરાવે છે. આ કંપની યુકેની છેલ્લી પ્લેટ મીલ છે. ગુપ્તાની આ કંપનીને રોયલ નેવીના યુદ્ધજહાજોના કાફલાના નિર્માણ માટે બેલફાસ્ટ સ્થિત હાર્લેન્ડ એન્ડ વૂલ્ફ કંપની દ્વારા 1.6 બિલિયન પાઉન્ડનો કોન્ટ્ર્ક્ટ અપાયો છે.


