લંડનઃ ઔદ્યોગિક સામ્રાજ્ય કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાયા બાદ પણ સ્ટીલ ટાયકૂન સંજીવ ગુપ્તાના પરિવારે સેન્ટ્રલ લંડનના પોતાના આલીશાન બંગલા પર 24.4 મિલિયન પાઉન્ડની નવી મોર્ગેજ લોન લીધી છે. ઈઝરાયેલી મૂળના અબજોપતિ સોલ ઝાકેની પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ટોપલેન્ડ ગ્રુપ દ્વારા ગયા મહિને ગુપ્તા પરિવારના બેલગ્રેવિયા વિસ્તારમાં આવેલા છ માળના જ્યોર્જિયન ટાઉનહાઉસ સામે 18 મહિનાની બ્રિજિંગ લોન પૂરી પાડવામાં આવી હતી.
યુકેના પ્રોપર્ટી રેકોર્ડ્સ મુજબ સ્ટીલ ટાયકૂનની પત્ની નિકોલા ગુપ્તાએ વર્ષ 2020માં બેલગ્રેવ સ્કવેર સ્થિત આ સંપત્તિ બારક્લેઝની સ્વિસ પ્રાઈવેટ બેંકિંગ યુનિટ પાસેથી મોર્ગેજ લઈને 4.2 મિલિયન પાઉન્ડમાં ખરીદી હતી.
ઔદ્યોગિક ગ્રુપના મુખ્ય ફંડર ગ્રીનસિલ કેપિટલના પતનથી ગુપ્તાના જીએફજી એલાયન્સ ગ્રુપને ભારે ફટકો પડ્યો હતો. ગ્રીનસિલના પતન પછીના વર્ષોમાં વિશ્વભરની ઓથોરિટીઝ દ્વારા ગુપ્તાની કંપનીઓ સામે તપાસ અને કાનૂની દાવા શરૂ કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ઉદ્યોગપતિએ નાદારીની પ્રક્રિયાઓને કારણે અનેક સ્ટીલ ઉત્પાદન વ્યવસાયો પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.
પરિવારના અંગત પ્રોપર્ટી પોર્ટફોલિયોમાં આ બેલગ્રેવિયા મેન્શન સૌથી મુખ્ય મિલકત છે. આ મામલાથી માહિતગાર બે વ્યક્તિઓએ જણાવ્યું હતું કે ગુપ્તાએ તાજેતરમાં આ પ્રોપર્ટી વેચવા અંગે પણ ચર્ચા કરી હતી.


