સંજીવ ગુપ્તાના સામ્રાજ્ય સામે SFOની તપાસ

Wednesday 26th May 2021 05:49 EDT
 
 

લંડનઃ સ્ટીલ ટાઈકૂન સંજીવ ગુપ્તાની માલીકીના ગુપ્તા ફેમિલી ગ્રૂપ એલાયન્સ (GFG Alliance) અને લિબર્ટી સ્ટીલ સહિત તેમના સામ્રાજ્ય અંગે સીરિયસ ફ્રોડ ઓફિસ (SFO) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસથી બ્રિટનમાં ૫,૦૦૦ જેટલી નોકરીઓનું ભાવિ ડામાડોળ બન્યું છે. SFOના નિર્ણયથી યુરોપ, ઓસ્ટ્રેલિયા અને યુએસમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ ધરાવતા અને વિશ્વભરમાં ૩૫,૦૦૦ લોકોને રોજગારી આપતા ગુપ્તા જૂથને રિફાઈનાન્સિંગ થકી બચાવી લેવાની વાટાઘાટો પણ સંકટમાં આવી પડી છે.

SFO નાં નિવેદનમાં જણાવાયું છે કે ગુપ્તા ફેમિલી ગ્રુપ (GFG) એલાયન્સની અંદરની કંપનીઓને ધિરાણ અને વ્યવહારો સંબંધે શંકાસ્પદ છેતરપિંડી, કપટપૂર્ણ વેપાર અને મની લોન્ડરિંગની તપાસ કરાઈ રહી છે, જેમાં ગ્રીનસિલ કેપિટલ યુકે લિમિટેડ સાથે તેની નાણાકીય વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ અનુસાર, યુએસ ફાઇનાન્સ હાઉસ, વ્હાઇટ ઓક ગ્લોબલ એડવાઇઝર્સના આશરે ૨૩૫ મિલિયન પાઉન્ડના કેશ રિફાઈનાન્સિંગની વાટાઘાટો પણ ભાંગી પડી છે. GFG Allianceએ આ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી સાથે જણાવ્યું છે કે તેઓ તપાસ મુદ્દે અન્ય કોઈ ટીપ્પણી કરશે નહિ. આ તપાસ ગુપ્તાના બદનામ ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સર લેક્સ ગ્રીનસિલના સલાહકાર તરીકે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની ભૂમિકા તરફ દોરી જશે તેમ પણ કહેવાય છે.

એમ કહેવાય છે કે GFG અને તેના મુખ્ય ફાઈનાન્સિયલ સમર્થક ગ્રીનસિલ ફાઈનાન્સ વચ્ચે તથાકથિત ફ્રોડ થયું હતું જેમાં ગ્રીનસિલ મારફત સપ્લાય ચેઈન ટ્રેડ ફાઈનાન્સ પુરું પડાતું હતું. તેઓ GFGના સપ્લાયર્સને ચૂકવણી કરતા હતા અને મહિનાઓ પછી GFGના ગ્રાહકો પાસેથી પેમેન્ટ્સ મેળવતા પહેલા ગ્રૂપને ફંડ આપતા હતા. માર્ચ મહિનામાં ગ્રીનસિલ કેપિટલનું પતન થયું ત્યારે તેના આશરે પાંચ બિલિયન પાઉન્ડ GFG પાસે લેણાં હોવાનું મનાય છે.

SFO એકાદ વર્ષથી GFGની ગતિવિધિઓ ચકાસી રહ્યું હતું. ફાઇનાન્સિયલ ટાઇમ્સના એપ્રિલ મહિનાના અહેવાલમાં જણાવાયું હતું કે ગ્રીનસિલ દ્વારા રોકડના બદલામાં GFGને મોકલાયેલા ઈનવોઈસીસમાં ઉલ્લેખિત અનેક કંપનીઓએ ગુપ્તાના ગ્રૂપ સાતે કદી વેપાર કર્યાનો સદંતર ઈનકાર કર્યો હતો. ગુપ્તાએ પાછળથી એવો બચાવ કર્યો હતે કે આવી એક કંપનીનો ઉલ્લેખ સંભવિત કસ્ટમર તરીકે કરાયો હતો. GFG આના આધારે ફાઈનાન્સિંગ આપતી હોવાનું ગુપ્તાએ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter