લંડનઃ બોરિસ સરકાર સ્ટીલ મેગ્નેટ અને લિબર્ટી સ્ટીલના ૪૯ વર્ષીય માલિક સંજીવ ગુપ્તાના મેટલ્સ અને કોમોડિટીઝ બિઝનેસ GFG Alliance દ્વારા ૧૭૦ મિલિયન પાઉન્ડની બેઈલ આઉટ પેકેજ સહાય આપવાનો ઈનકાર કરી દીધા પછી મિનિસ્ટર્સ સ્ટીલ બિઝનેસમાં હજારો નોકરીઓ બચાવવાની મથામણમાં પડ્યા છે. GFG બ્રિટનમાં આશરે ૫,૦૦૦ લોકોને રોજગાર આપે છે. મુખ્ય ફાઈનાન્સિયર ગ્રીનસિલ કેપિટલની પડતી પછી સંજીવ ગુપ્તાનો બિઝનેસ અરાજકતામાં આવી ગયો છે. ગુપ્તાના વિવિધ બિઝનેસીસ GFGના છત્ર હેઠળ કાર્યરત છે અને વિશ્વભરમાં ૩૫,૦૦૦ લોકોને કામે રાખે છે. સરકાર લિબર્ટી સ્ટીલ મુદ્દે કંપની, બ્રિટિશ સ્ટીલ ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ યુનિયન સાથે સતત સંપર્કમાં છે.
સંજીવ ગુપ્તાનો સ્ટીલ બિઝનેસ પણ જો વહીવટ હેઠળ મૂકાય તો નોકરીઓ બચાવવા મિનિસ્ટર્સે તૈયારી આરંભી છે. ગ્રીનસિલની નિષ્ફળતા અને GFGની કટોકટીએ નાણાકીય વિશ્વ અને બ્રિટિશ ઈન્ડસ્ટ્રી તેમજ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની ગ્રીનસિલ મુદ્દે સંડોવણી બહાર આવતા વેસ્ટમિન્સ્ટરને પણ હચમચાવી દીધાં છે. જોકે, રજિસ્ટ્રાર ઓફ કન્સલ્ટન્ટ લોબીઈસ્ટ્સ દ્વારા મિનિસ્ટર્સ સાતેના પોતાના સંપર્કો જાહેર નહિ કરીને લોબીઈંગ કાયદાઓના ભંગના આરોપમાંથી કેમરનને મુક્ત કરાયા હતા. રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાને ખાતરી આપી હતી કે ગ્રીનસિલ વતી તેમના દ્વારા મિનિસ્ટર્સ સાથે સંપર્કો કંપનીના કર્મચારી તરીકે કરાયા હતા અને તેથી કાયદા મારફત આવરી લેવાયા નથી.
એવો દાવો પણ કરાય છે કે ગ્રીનસિલના લિસ્ટિંગથી તેમને ૬૦ મિલિયન ડોલર ઉભા થશે તેમ કેમરને તેમના મિત્રોને જણાવ્યું હતું. ૫૪ વર્ષના કેમરન ગ્રીનસિલના એડવાઈઝર હતા અને તેમણે કંપનીને લાખો પાઉન્ડની કરદાતાઓના ભંડોળ સાથેની કોવિડ-૧૯ લોન્સ આપવા ચાન્સેલર સુનાકને સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજીસ કર્યા હોવાના અહેવાલો પણ બહાર આવ્યા છે. સુનાકે આ સંદેશાઓ ટ્રેઝરીના વરિષ્ઠ અધિકારીઓને મોકલી આપ્યા હતા જેમણે ગ્રીનસિલને લોન્સ આપવાનો ઈનકાર કર્યો હતો. હવે કંપની ભાંગી પડવાથી કેમરનના શેર ઓપ્શન્સ કાગળિયાં બની ગયા છે.
સંજીવ ગુપ્તાએ તેના વિશાળ વેપારી હિતોનું સામ્રાજ્ય હસ્તાંતરણો થકી જમાવ્યું છે. તેના જૂથનો વિકાસ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયન ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને એક સમયે તરબૂચ અને શેરડીનું ફાર્મ ધરાવતા લેક્સ ગ્રીનસિલ દ્વારા સ્થાપિત સપ્લાય-ચેઈન ફાઈનાન્સ કંપની ગ્રીનસિલ દ્વારા ભંડોળથી થયો છે. સંજીવ ગુપ્તાની યુકેમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની લિબર્ટી સ્ટીલ્સ ૧૨ પ્લાન્ટ્સની માલિકી સાથે ૩૦૦૦ લોકોને કામે રાખે છે. આ ઉપરાંત GFG, ગ્લોબલ એલ્યુમિનિયમ બિઝનેસ અલવાન્સ અને રિન્યુએબલ એનર્જી ઓપરેશન્સની સિમેક સહિત અન્ય ડિવિઝન્સમાં વધુ ૨,૦૦૦ લોકોને રોજગારી આપે છે. બેઈલ આઉટના નાણા યુકે બહાર જતા રહેવાની અને ગુપ્તાના સામ્રાજ્યની પારદર્શિતાની ચિંતાના લીધે મિનિસ્ટર્સ ઈમર્જન્સી લોન આપતા ખચકાયા હતા.