સંતાનવિહોણા વૃદ્ધોની સંખ્યામાં ચિંતાજનક વધારો, સોશિયલ કેર પર ભારે દબાણ

20 વર્ષમાં સંતાનવિહોણા વૃદ્ધોની સંખ્યા 40 લાખને પાર કરી જશે – હાઉસ ઓફ લોર્ડ્સ

Wednesday 21st December 2022 06:05 EST
 
 

લંડન

બ્રિટનમાં આગામી 20 વર્ષમાં 40 લાખ લોકો એવા હશે જેમની કાળજી લેનારા કોઇ બાળક નહીં હોય. તેના કારણે સોશિયલ કેર સિસ્ટમ પર ભારે દબાણ સર્જાશે. એક સંસદીય રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વૃદ્ધાવસ્થામાં કાળજી લેનારા બાળકો ન હોય તેવા લોકોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો હોવાથી ભવિષ્ય અત્યંત ભયાનક દેખાઇ રહ્યું છે.

હાઉસ ઓફ લોર્ડ્સની એડલ્ટ સોશિયલ કેર કમિટીએ જણાવ્યું છે કે વેતન ન લેતા સ્વયંસેવકો દ્વારા વૃદ્ધોને મદદ નહીં મળે તો દેશની આરોગ્ય અને સોશિયલ કેર સિસ્ટમ પડી ભાંગશે. એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે સગાં સંબંધી વૃદ્ધોની કાળજી લેવા માટે આગળ આવશે. પોતાની કાળજી લેવા માટે પરિવારજનો ન હોય તેવા પેન્શનરોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો રહેશે. હાલ બ્રિટનમાં  65 વર્ષથી વધુ વયના 12 લાખ લોકો એવા છે જેમની કાળજી લેવા માટે કોઇ સંતાન નથી. આ દાયકાના અંત સુધીમાં આવા વૃદ્ધોની સંખ્યા 20 લાખ સુધી પહોંચી જવાની ધારણા છે. 2040 સુધીમાં સંતાનવિહોણા વૃદ્ધોની સંખ્યા 40 લાખ પર પહોંચી જશે. હાલની સિસ્ટમ તેમની જરૂરીયાતો સંતોષવા માટે પુરતી નથી.

સંતાનવિહોણા વૃદ્ધો માટે ફક્ત એકલતા જ મોટો ભય નથી. તેમની પોતાની અંગત જરૂરીયાતો પૂરી કરવી એ પણ એક મોટો પડકાર છે. સંતાનવિહોણા વૃદ્ધોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે તેથી ભવિષ્ય અંધકારમય જણાઇ રહ્યું છે.

હાલ એડલ્ટ સોશિયલ કેરમાં 1.62 મિલિયન કર્મચારીઓ કામ કરી રહ્યાં છે તેમ છતાં હજુ આ વિભાગને 1,65,000 કર્મચારીની અછત છે. સોશિયલ કેર પાછળ સરકાર 17.1 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter