લંડનઃ સરકારે વાલીઓને સલાહ આપી છે કે તેઓ દર સપ્તાહે તેમના સંતાનો સાથે મળીને સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓ ચકાસે. સંતાનોના ફેવરિટ એપ્સની માહિતી મેળવે અને તેના કન્ટેન્ટ અંગે સવાલ જવાબ કરે. જોકે સરકારની આ સલાહની કેટલાક એક્ટિવિસ્ટ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.
સરકારે ઇન્ટરનેટ પરના નુકસાનકારક કન્ટેન્ટથી બાળકોને બચાવવા યુ વોન્ટ નૉ અનટીલ યુ આસ્ક નામનું અભિયાન શરૂ કર્યું છે. સરકારે સલાહ આપી છે કે વાલીઓ સંતાનોની ચેટ અંગે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખે અને તેને દોષી ઠેરવવાનો પ્રયાસ ન કરે. વાલીઓ સંતાનને સવાલ કરે કે તેને કઇ પોસ્ટથી વધુ ખુશી મળી અથવા તો કઇ પોસ્ટથી તે વિચલિત થયાં. તેમને કયા પ્રકારના વીડિયો વધુ પસંદ પડે છે વગેરે વગેરે...
50 ટકા બ્રિટિશ માતાપિતાએ કબૂલાત કરી છે કે તેઓ ક્યારેય તેમના સંતાન સાથે નુકસાનકારક કન્ટેન્ટ અંગે વાત કરતા નથી. 25 ટકા વાલીઓને તો ખબર જ હોતી નથી કે તેમના સંતાન ઓનલાઇન પર કેવા પ્રકારના કન્ટેન્ટ જુએ છે.
જોકે ટીકાકારો કહે છે કે સરકારની માર્ગદર્શિકા સ્પષ્ટ નથી. સરકાર તો નાના બાળકોને તેમના પોતાના ડિવાઇસ ઉપલબ્ધ કરાવવાની તજવીજ કરી રહી હોય એમ લાગે છે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે પાંચ વર્ષથી નાના બાળકને સ્ક્રીનથી બને તેટલું દૂર રાખવું જોઇએ.


