લંડનઃ બ્રિટિશ ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીની સૌપ્રથમ ફીચર ફિલ્મ સંતોષને 97મા ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નામાંકિત કરાઇ છે. ઓસ્કાર એવોર્ડ્સમાં યુકેનું પ્રતિનિધિત્વ કરી રહેલી ફિલ્મ સંતોષમાં ભારતીય કલાકાર શહાના ગોસ્વામી અને સુનિતા રાજવરે અભિનય આપ્યો છે.
સંતોષ ફિલ્મ એક નવીસવી વિધવા બનેલી ગૃહિણીની આસપાસ ગૂંથાયેલી કથા છે. જેને તેના સ્વર્ગસ્થ પતિના સ્થાને પોલીસ કોન્સ્ટેબલની નોકરી પ્રાપ્ત થાય છે અને તેને એક સગીરાની હત્યાના કેસની તપાસમાં સામેલ થવું પડે છે. સંધ્યા સૂરી દ્વારા પહેલીવાર ફિલ્મનું દિગ્દર્શન પણ કરાયું છે. આ ફિલ્મ હિન્દી ભાષામાં છે અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે યુકે દ્વારા તેની પસંદગી કરાઇ તે બ્રિટિશ ભારતીય સમુદાય માટે ગૌરવની બાબત છે.
સંતોષ ફિલ્મને સૌથી પહેલાં મે 2024માં 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે રજૂ કરાઇ હતી. જેમાં નિષ્ણાતો દ્વારા ફિલ્મના દરેક પાસાની ભરપૂર પ્રશંસા કરાઇ હતી. ઓસ્કાર 2025ની વિદેશી ફિલ્મોની આ કેટેગરીમાં કુલ 85 ફિલ્મો રેસમાં હતી જેમાંથી હવે 15 ફિલ્મ શોર્ટલિસ્ટ કરાઇ છે. છેલ્લે તેમાંથી પાંચ ફિલ્મ અંતિમ રાઉન્ડમાં પહોંચશે.
ફિલ્મમાં અભિનય કરનાર શહાના ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હું અમારી ટીમ માટે ઘણી ખુશ છું. અમારી ફિલ્મને સમર્થન આપનાર તમામની આભારી છું.


