સંપુર્ણ ફિટ હોવા છતાં મહિનાઓથી રવિ મહેતાને હોસ્પિટલમાં ગોંધી રખાયાનો આરોપ

એનએચએસ બોર્ડે કેર વર્કર માટે અપાતી સહાય બંધ કરી દીધી‌‌‌‌‌‌ - રવિ મહેતા

Tuesday 26th May 2026 11:21 EDT
 
 

લંડનઃ ગંભીર શારીરિક વિકલાંગતા ધરાવતા 36 વર્ષીય રવિ મહેતાએ આરોપ મૂક્યો છે કે, એનએચએસ બોર્ડ દ્વારા તેમની 24 કલાકની હોમ સપોર્ટ આર્થિક સહાય બંધ કરી દેવાતા તે છેલ્લા આઠ મહિનાથી હોસ્પિટલમાં જ સડી રહ્યો છે. રવિ મહેતા ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફિ નામની ગંભીર બીમારીથી પીડિત છે. તેમને સપ્ટેમ્બર 2025માં વેન્ટિલેટરના સેટિંગ્સ સરખા કરવા માટે એક નિયમિત તપાસ અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ધારણા મુજબ રવિ મહેતા ત્રણ દિવસમાં ઘરે પરત ફરવાના હતા પરંતુ મહિનાઓ વીતી જવા છતાં તેઓ આજે પણ હોસ્પિટલના વોર્ડમાં જ કેદ છે. રવિ મહેતા જણાવે છે કે તેમને શરૂઆતથી જ કહી દેવામાં આવ્યું હતું કે તેઓ તબીબી દ્રષ્ટિએ ઘરે જવા માટે સંપૂર્ણ ફિટ છે. તેમ છતાં, તેમના સ્થાનિક એનએચએસ ઇન્ટિગ્રેટેડ કેર બોર્ડ દ્વારા ઘરબેઠા સહાયકો માટે અપાતું બજેટ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. દિવસના 24 કલાક બે હેલ્થકેર આસિસ્ટન્ટ્સની જરૂરિયાત ધરાવતા મહેતા કહે છે કે, હોસ્પિટલના વોર્ડમાં વિતાવેલો દરેક બિનજરૂરી દિવસ તેમના જીવનનો અમૂલ્ય સમય ઝૂંટવી રહ્યો છે.

મહેતાનો આરોપ છે કે કેર બોર્ડ તેમના પર એવી સારવાર પદ્ધતિ સ્વીકારવા દબાણ કરી રહ્યું છે જે સસ્તી હોય અથવા તેમના મુક્ત જીવન પર તરાપ મારતી હોય. એનએચએસ દ્વારા તેમને પરિવાર પાસે ઘરે મોકલવાના બદલે કેર હોમમાં જવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પોતાના ઘરે રહીને તેઓ નોકરી કરતા હતા, ફૂટબોલ મેચ જોવા જતા હતા અને મિત્રોને મળી શકતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter