લંડનઃ આશરે ૨૦ વર્ષ પછીના પ્રથમ સંપૂર્ણ કન્ઝર્વેટિવ બજેટમાં ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૬૫ વર્ષથી વધુ વયના અને સ્વરોજગાર ધરાવતા લોકોને સારી રાહતો આપી છે. જોકે, નીચું વેતન ધરાવતા લોકોને સૌથી વધુ ફટકો પડશે. નીચા વેતનો વધારવા, યુવાન વર્કરો અને મધ્યમ કમાણી કરનારને ઉત્તેજનની સાથે ચાન્સેલરે બેનિફિટ્સમાં કાપ મૂકવા પર વધુ ધ્યાન આપ્યું છે. સરકારે વેલ્ફેર ખર્ચમાં કાપ મૂકવા માટે પગલાંમાં ચાર વર્ષ માટે બેનિફિટ્સ સ્થિર રાખવાથી વર્કિંગ ટેક્સ ક્રેડિટ્સ પર આધારિત પરિવારો મુશ્કેલીમાં આવશે. નોન ડોમિસાઈલ્ડ લોકો ગત ૨૦ વર્ષમાંથી ૧૫ વર્ષ સુધી યુકેના રહેવાસી હશે તો તેમણે યુકેના ટેક્સીસ ચુકવવા પડશે. ઓસ્બોર્ને ટેક્સ ફ્રી એલાવન્સ વધારીને £૧૧,૦૦૦ કરવાની પણ જાહેરાત કરી છે. ઓસ્બોર્ન ટેક્સવધારાથી વધુ £૫૦ બિલિયન મેળવવાની આશા રાખે છે.બિઝનેસીસ, નીચાં વેતનધારકો અને મધ્યમવર્ગીય વર્કર્સને £૨૪.૬ બિલિયનની ટેક્સ રાહતો સાથે તેમનું બજેટ પહેલી નજરે રાહતપ્રદ જણાય છે, પરંતુ અનેક નીતિઓથી તેઓ £૪૭.૨ બિલિયન સેરવી લેશે. આમ, પાર્લામેન્ટના કાર્યકાળ સુધીમાં કરસ્વરુપે ચોખ્ખી આવકમાં £૨૨.૬ બિલિયનનો વધારો થશે. ઈન્સ્યુરન્સ પરની લેવીમાં તીવ્ર વધારા, ડિવિડન્ડ્સ પર ઊંચી લેવીઓ તેમજ મોટરિસ્ટ્સની એક્સાઈઝ ડ્યુટીઝ સહિતના પગલાં બ્રિટનની ગાડી પાટા પર ચડાવશે તેમ તેઓ માને છે. તેમણે ગ્રીસનું ઉદાહરણ આપી કરકસરની નીતિ સાચી ઠરી હોવાનું જણાવ્યું છે. જોકે, ઓસ્બોર્ને સ્વીકાર્યું હતું કે બ્રિટનની વાર્ષિક બજેટ ખાધ નાબૂદ કરવામાં તેમને વધુ એક વર્ષ લાગશે એટલે કે ૨૦૧૯-૨૦માં પુરાંત જોવા મળશે.ગત વર્ષે કુલ ઘરેલુ પેદાશ (GDP)માં ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે ૨૦૦૬ પછી સૌથી ઝડપી અને G7 દેશોમાં સૌથી મજબૂત હતો. ધ ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)ની આગાહી છે કે આ વર્ષે ૨.૪ ટકા અને આગામી વર્ષે ૨.૩ ટકાની વૃદ્ધિ જોવા મળશે. લેબર પાર્ટીના શાસનકાળ ૨૦૦૯-૧૦માં ઋણ વિક્રમી £૧૫૩ બિલિયને પહોંચ્યું હતું, જે ગયા વર્ષે ઘટીને £૮૯ બિલિયન થયું હતું. આ વર્ષે વધુ ઘટી £૬૯ બિલિયન થવા OBRની આગાહી છે. જોકે, કુલ રાષ્ટ્રીય દેવું નાણાકીય કટોકટી અગાઉ આશરે £૫૦૦ બિલિયન હતું તે આજે વધીને £૧૫૦૦ બિલિયન થયું છે.
કોને લાભ થશે...
સૌથી નીચા વેતનધારકોઃ 25 વર્ષથી વધુ વયના વર્કર માટે લઘુતમ વેતન કે નેશનલ લિવિંગ વેજ £૬.૫૦ છે, જે એપ્રિલ મહિનાથી વધીને પ્રતિ કલાક £૭.૨૦ થશે અને ૨૦૨૦ સુધીમાં વધીને £૯ થઈ જશે. લિવિંગ વેજ આવવાથી પૂર્ણકાલીન વર્કરને વધારાની વાર્ષિક £૫,૦૦૦થી વધુ રકમ હાથમાં આવશે. આશરે ૬ મિલિયન વર્કરના વેતનમાં વધારો થશે. જોકે, ટેક્સ ક્રેડિટ્સમાં કાપથી કેટલીક રકમ સરભર કરી દેવાશે. લોકોએ £૧૦,૬૦૦થી જે મર્યાદાથી ટેક્સ ભરવાનો આરંભ થાય છે તેમાં £૪૦૦ના વધારા સાથે હવે મર્યાદા £૧૧,૦૦૦ થશે.
૪૦ p કરદાતાઓઃ હાલ £૪૨,૩૮૫ની મર્યાદાથી ૪૦ p ટેક્સ શરુ થાય છે, તે મર્યાદા આગામી વર્ષે વધીને £૪૩,૦૦૦ થશે. વર્તમાન પાર્લામેન્ટના કાર્યકાળમાં આ મર્યાદા £૫૦,૦૦૦ સુધી લઈ જવા ટોરીઝ કટિબદ્ધ છે. આનાથી ૧૩૦,૦૦૦ લોકો ઊંચા દરમાંથી બહાર આવી જશે.
આર્મ્ડ ફોર્સીસઃ ઓસ્બોર્ને GDPના બે ટકા રકમ સંરક્ષણ પાછળ ખર્ચવા કરેલી જાહેરાતથી જમણેરી ટોરીઝ ખુશ થયા છે.
ભાડે આપવા વધારાનો રુમ ધરાવનારઃ એપ્રિલ મહિનાથી રુમ ભાડે આપનાર વ્યક્તિને £૭,૫૦૦ ટેક્સ-ફ્રી મળશે, જે હાલ £૪.૨૫૦ છે.
NHS: નેશનલ હેલ્થ સર્વિસ (NHS:)ના ખર્ચમાં ૨૦૨૦ સુધીમાં વાસ્તવિકપણે વાર્ષિક ૧૦ બિલિયનનો વધારો થશે.
કોને ગેરલાભ થશે...
ટેક્સ ક્રેટિડ મેળવનારાઃ ટેક્સ ક્રેટિડ જેવા વર્કિંગ એજ બેનિફિટ્સને ચાર વર્ષ માટે સ્થગિત કરાયાં છે. ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર આવકમર્યાદા £૬,૪૨૦થી ઘટાડીને £૩,૮૫૦ કરવામાં આવી છે.
મોટા પરિવારોઃ પરિવારો તેમને પોસાય તેટલા જ બાળકો રાખે તે માટે પ્રોત્સાહિત કરવા ૨૦૧૭થી મહત્તમ માત્ર બે બાળકો માટે જ ટેક્સ ક્રેટિડ મળવાપાત્ર રહેશે. હાલ, ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરતા પાંચમાંથી એક પરિવારને ત્રણ અથવા વધુ બાળક છે.
ગરીબ વિદ્યાર્થીઓઃ સૌથી ગરીબ પશ્ચાદભૂના વિદ્યાર્થીઓ માટે અપાતી મેન્ટેનન્સ ગ્રાન્ટ ૨૦૧૬-૧૭થી લોન્સ તરીકે ગણાશે, જેની ચુકવણી વિદ્યાર્થી £૨૧,૦૦૦ની કમાણી કરતા થાય ત્યારથી કરવાની રહેશે.
જાહેર ક્ષેત્રના વર્કરઃ જાહેર ક્ષેત્રના વેતનવૃદ્ધિમાં ૨૦૦૯માં દાખલ કરાયેલી એક ટકાની મર્યાદા ચાર વર્ષ માટે યથાવત રહેશે. પાર્લામેન્ટના કાર્યકાળમાં ફૂગાવો બે ટકા પહોંચવાની ધારણા છે ત્યારે આ વાસ્તવિક વેતનકાપ છે. બીજી તરફ સાંસદોના વેતનમાં ૧૦ ટકા વૃદ્ધિ થવાની છે તેનાથી યુનિયન નેતાઓ નારાજ છે.
બાય-ટુ-લેટ લેન્ડલોર્ડઃ રહેણાંક સંપત્તિ પર મોર્ગેજ વ્યાજની રાહતને બેઝિક-રેટ ટેક્સ સુધી મર્યાદિત રાખવામાં આવશે, પરિણામે ઈન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી તરીકે ખરીદ કરનારા ૪૦ p કરદાતાઓ મુશ્કેલીમાં મૂકાશે.
બેરોજગારી બેનિફિટના દાવેદારોઃ સરકારી ખર્ચ પર અંકુશ રાખવાના પ્રયાસરુપે બેનિફિટ્સ મળવા માટેની મર્યાદા રાજધાની લંડનમાં £૨૬,૦૦૦થી ઘટીને £૨૩,૦૦૦ અને અન્યત્ર £૨૦,૦૦૦ની થઈ જશે અને ૨૧ વર્ષથી ઓછી વયનો યુવાવર્ગ હાઉસિંગ બેનિફિટ્સ મેળવવા પ્રાપ્ત નહિ ગણાય.
નવી કાર ખરીદનાર પરિવારોઃ મોટા ભાગના નવી કાર ખરીદનારાએ ૨૦૧૭થી £૧૪૦નો ચાર્જ ચુકવવો પડશે. અત્યારે ૧૦માંથી સાત કાર ઈન્કો-ફ્રેન્ડલી હોવાથી તેના માટે વ્હીકલ એક્સાઈઝ ડ્યુટી ચુકવવી પડતી નથી. આ ચાર્જના નાણા માર્ગસુધારના વિશેષ ફંડમાં મૂકાશે.
નોન-ડોમિસાઈલ્સઃ ગત ૨૦ વર્ષમાંથી ૧૫ વર્ષ યુકેમાં રહેનારા કોઈ પણ રહેવાસીએ તેમની તમામ વૈશ્વિક આવક અને લાભો પર સંપૂર્ણ બ્રિટિશ ટેક્સ ચુકવવાના રહેશે. લોકો હવે નોન-ડોમ દરજ્જો વારસામાં મેળવી નહિ શકે.
લેબર પાર્ટીઃ લિવિંગ વેજની જાહેરાતથી લેબર પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. નેતૃત્વવિહોણા પક્ષને ગત પાર્લામેન્ટમાં મોટા ભાગના મતદારોમાં લોકપ્રિય રહેલા બેનિફિટ્સ કાપ વિરુદ્ધ મતદાન કરવાની ભૂલ કરી હતી તેનું પુનરાવર્તન કરવું કે કેમ તેવી મૂંઝવણ નડી શકે છે.