સંરક્ષણ ક્ષેત્રે મજબૂત ભાગીદારી માટે ભારત અને યુકે સંમત

રાજનાથ સિંહ અને રિશી સુનાક વચ્ચે સહકાર મુદ્દે વ્યાપક ચર્ચા, ઇન્ટરનેશનલ કેડેટ એક્સચેન્જ પ્રોગ્રામ અને ડીઆરડીઓ તથા યુકેની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી વચ્ચે કરાર કરાયાં

Tuesday 16th January 2024 12:08 EST
 
 

લંડનઃ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક સાથેની ઉષ્માસભર મુલાકાત અને ભારતીય સમુદાય દ્વારા આયોજિત સમારોહમાં ડાયસ્પોરા સાથે ચર્ચા વિચારણા બાદ તેમની યુકેની મુલાકાત પૂર્ણ કરી હતી. બુધવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રાજનાથ સિંહ અને રિશી સુનાક વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ અને આર્થિક સંબંધો પર વ્યાપક ચર્ચા થઇ હતી. રાજનાથ સિંહે સુનાકને રામ દરબારની પ્રતિમા ભેટમાં આપી હતી. આ સમયે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સર ટીમ બેરો પણ હાજર રહ્યાં હતાં. રાજનાથે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, યુકેના વડા પ્રધાન સુનાક સાથે લંડનમાં ખૂબ જ ઉષ્માપૂર્ણ મુલાકાત થઈ હતી. મને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી. અમે સંરક્ષણ, આર્થિક સહયોગ અને શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક નિયમો-આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત અને યુકે કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તે અંગે ચર્ચા કરી હતી.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન સુનાક યુકે અને ભારતની સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર રાજનાથ સિંહ સાથે સંમત થયા હતા અને આશા વ્યક્ત કરી હતી કે હાલ ચાલી રહેલી મુક્ત વેપાર કરારની વાટાઘાટો સફળ નિષ્કર્ષ પર લાવી શકાશે.

બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકે ભારતીય સંસ્થાઓ સાથે મજબૂત વ્યાપાર અને ટેક્નોલોજી ભાગીદારી માટે સરકારી પીઠબળ સહિત દ્વિપક્ષીય સંબંધોના સંરક્ષણ અને સુરક્ષા સ્તંભને મજબૂત કરવા માટે તેમની અને તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજનાથ સિંહે યુકેના સંરક્ષણ ઉદ્યોગ સાથેની તેમની સકારાત્મક વાટાઘાટો અને દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોમાં નવી સકારાત્મક ઉર્જાની આશા વ્યક્ત કરી હતી.

ભારત અને યુકે વચ્ચે બે સંરક્ષણ કરાર કરાયાં

આ પહેલાં લંડન પહોંચેલા રાજનાથ સિંહનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજનાથ સિંહની આ મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય ઇન્ટરનેશનલ કેડેટ એક્સચેન્જ પ્રોગ્રામ હાથ ધરવાના એમઓયુ અને રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ભારતની ડીઆરડીઓ તથા યુકેની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી વચ્ચે કરાર કરાયો હતો.

હાઇ કમિશન દ્વારા રાજનાથ સિંહનો સ્વાગત સમારોહ યોજાયો

રાજનાથ સિંહે લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત સમુદાય સ્વાગત સમારોહમાં ભારતીય મૂળના લગભગ 200 વ્યક્તિઓ સાથે વાતચીત કરી. આ કાર્યક્રમમાં ભારતીય સૈન્યના ભૂતપૂર્વ સૈનિકો અને બીજા વિશ્વયુદ્ધના નિવૃત્ત સૈનિકોના પરિવારના સભ્યો પણ હાજર હતા, જે દરમિયાન રાજનાથે ભારતમાં ચાલી રહેલા વિકાસ અને વિકાસની ઝડપી ગતિથી ઉપસ્થિત શ્રોતાજનોને માહિતગાર કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter