લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક મતદારોને આકર્ષવા માટે આગામી વર્ષે યોજાનારી સંસદની ચૂંટણી પહેલા ઇન્કમ ટેક્સ અથવા નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાનો ઘટાડો કરવા ઉત્સુક છે. છેલ્લા ઘણા સમયથી સીનિયર ટોરી નેતાઓ વડાપ્રધાન પર ટેક્સમાં ઘટાડા માટે દબાણ કરી રહ્યાં છે ત્યારે સરકાર ટેક્સમાં કાપ મૂકી શકાય કે કેમ તે અંગેની સંભાવનાઓ ચકાસી રહી છે. એક અખબારી અહેવાલ પ્રમાણે વડાપ્રધાન રિશી સુનાક આવકવેરા અથવા તો નેશનલ ઇન્શ્યૂરન્સમાં બે ટકાનો ઘટાડો કરવા ઇચ્છે છે.
વડાપ્રધાન રિશી સુનાક આગામી ચૂંટણીમાં જતા પહેલાં મતદારોને ટેક્સમાં ઘટાડાનું વચન આપવા માગે છે. લીડરશિપની ચૂંટણીમાં પણ તેઓ આ પ્રકારનું વચન આપી ચૂક્યા છે. એક વરિષ્ઠ સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર રિશી સુનાક દ્રઢપણે માને છે કે નોકરિયાત લોકો પરનો કરબોજ ઘટાડવો જોઇએ. તેઓ નોકરીઓને વધુ લાભવાળી બનાવવા ઇચ્છે છે. બીજા એક સૂત્રે જણાવ્યું હતું કે, એ વાતમાં કોઇ શંકા નથી કે ચૂંટણી પહેલા સરકાર કરવેરામાં ઘટાડો કરશે અને વધુ ઘટાડાના વચન પણ આપશે.
જોકે, 10 ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રે જણાવ્યું હતું કે, ટેક્સમાં ઘટાડો કરવા માટે હાલ કોઇ ચર્ચા ચાલી રહી નથી. સરકાર હાલ મોંઘવારી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ટેક્સમાં બદલાવની ધારણાઓ પર ટિપ્પણી કરતા નથી.


