લંડનઃ આગામી ચૂંટણી પહેલાં યુકેમાં આવતા ઇમિગ્રન્ટની સંખ્યામાં ઘટાડો કરવા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન નવી યોજના તૈયાર કરી રહ્યાં છે. આ માટે તેઓ ઇમિગ્રન્ટ માટેની પગાર મર્યાદામાં વધારો કરવાની દલીલ કરી રહ્યાં છે. યુકેની મિડિયન એવરેજ સેલેરી 33,280 પાઉન્ડ કરતાં 20 ટકા ઓછો એટલે કે 26200 પાઉન્ડનો પગાર હોય તો જ સ્કીલ્ડ વર્કરને વિઝા પ્રાપ્ત થઇ શકે છે. તે ઉપરાંત હોમ સેક્રેટરી યુકેમાં આવતા આશ્રિતો અને અનસ્કીલ્ડ વર્કર્સના પરિવારો પર પણ નિયંત્રણ મૂકવા વિચારણા કરી રહ્યાં છે. તેમાં સીઝનલ વર્કર અને કેર વર્કરના આશ્રિતોનો પણ સમાવેશ થઇ શકે છે.
હોમ ઓફિસના સૂત્રના જણાવ્યા અનુસાર અમે અમારા મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું તે પ્રમાણે અમારી પોઇન્ટ આધારિત સિસ્ટમ કામ કરી રહી નથી. વડાપ્રધાને પણ સ્વીકાર્યું છે કે નેટ માઇગ્રેશન ઘણું ઊંચું છે. તેઓ આ માટે હોમ ઓફિસ સાથે મળીને કામ કરી રહ્યાં છે. ઓએનએસ દ્વારા આગામી મહિને નેટ માઇગ્રેશન પરના આંકડા જાહેર કરાય તે પહેલાં નવી યોજના જાહેર કરવાની હોમ ઓફિસની ગણતરી છે પરંતુ તેનો મુસદ્દો હજુ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં હોમ સેક્રેટરીએ સ્ટુડન્ટના આશ્રિતોને યુકેમાં લાવવા પર નિયંત્રણો લાદી દીધાં હતાં. જાન્યુઆરી 2024થી આ નિયંત્રણો અમલમાં આવી રહ્યાં છે.

