સંસદની ચૂંટણીની જાહેરાત પહેલાં વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા ભારતનું યુકેને અલ્ટીમેટમ

આચાર સંહિતા લાગુ થયા પછી નવી સરકારની રચના સુધી રાહ જોવી પડશેઃ ભારત

Tuesday 30th January 2024 11:53 EST
 
 

લંડનઃ ભારત સરકારે યુકેને જણાવ્યું છે કે એકવાર ભારતમાં સંસદની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની તકો બંધ થઇ જશે. ભારતે યુકેના મંત્રણાકારોને જણાવ્યું છે કે એકવાર ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવી ગયા પછી નવી સરકારની રચના થાય ત્યાં સુધી યુકેએ રાહ જોવી પડશે. હાલ બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકના મુખ્ય આર્થિક સલાહકાર ડગ્લાસ મેકનીલની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ દિલ્હીમાં વેપાર કરાર પર ચર્ચા કરી રહ્યું છે.

ભારત અને યુકે વચ્ચે વેપાર કરાર પર છેલ્લા બે વર્ષથી મંત્રણા ચાલી રહી છે. 14 રાઉન્ડની મંત્રણા બાદ પણ બંને પક્ષ વચ્ચે કેટલાક ચોક્કસ વિવાદાસ્પદ મામલાઓ પર સહમતિ સધાઇ રહી નથી. મુક્ત વેપાર કરારમાં 26 હિસ્સા સામેલ કરાયાં છે જેમાંથી 21 મામલાઓમાં બંને દેશ વચ્ચે સહમતિ સધાઇ ગઇ છે. તેમ છતાં હજુ કેટલાક એવા મુદ્દા છે જેના પર બંને દેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

યુકે બ્રિટિશ વ્હિસ્કી અને ઓટોમોબાઇલ્સ પર જકાતમાં ઘટાડો કરવા ઘટાડવાની માગ કરી રહ્યો છે. તે ઉપરાંત યુકે ટેલિકોમ્યુનિકેશન્સ, લીગલ અને ફાઇનાન્સિયલ સર્વિસમાં ભારતીય બજારમાં કેટલીક છૂટછાટની માગ કરી રહ્યો છે. આ મામલાઓમાં બંને દેશ વચ્ચે કેટલાક મતભેદ પ્રવર્તી રહ્યાં છે.

બ્રિટને કેનેડા સાથેની વેપાર કરાર મંત્રણા સ્થગિત કરી દીધી

ચીઝ પર જકાતના મામલે સર્જાયેલા વિવાદને પગલે બ્રિટને કેનેડા સાથેના વેપાર કરારની મંત્રણાઓ સ્થગિત કરી દીધી છે. ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોકે કેનેડાના ટ્રેડ સેક્રેટરીને જણાવ્યું હતું કે, જાન્યુઆરીના પ્રારંભે કેનેડાએ બ્રિટનથી આયાત થતા સ્ટિલ્ટોન, શેડાર અને અને ચીઝ પર 245 ટકાની જકાત લાદી દેતાં હવે મંત્રણા કરવાનો કોઇ અર્થ નથી. કેનેડા એપ્રિલથી બ્રિટનથી આયાત કરાતી કારો પર પણ જકાત વધારવાની તૈયારી કરી રહ્યો છે. બ્રિટનનું માનવું છે કે કેનેડા આ રીતે જકાત વધારીને બ્રિટનનું નાક દબાવવા માગે છે જેથી તેની શરતોએ વેપાર કરાર થઇ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter