લંડનઃ બર્મિંગહામ ખાતે આયોજિત કન્ઝર્વેટિવ કોન્ફરન્સને સંબોધન કરતાં પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે પાર્ટીના નેતાઓને પાર્ટીને એકજૂથ થવા અને સંસદની ચૂંટણીમાં થયેલા કારમા પરાજયમાંથી પદાર્થપાઠ શીખવાની અપીલ કરી હતી.
ધ હાઉસ મેગેઝિન માટે લખેલા એક આર્ટિકલમાં રિશી સુનાકે જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો માટે હું હંમેશા દિલગીર રહીશ. કન્ઝર્વેટિવ પાર્ટી માટે આ વર્ષ ખરેખર મુશ્કેલ રહ્યું છે. સંસદ અને સ્થાનિક ચૂંટણીઓમાં હતાશાજનક પરિણામો પ્રાપ્ત થયાં છે. ઘણા સારા ટોરી નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
કોન્ફરન્સને સંબોધન કરતાં સુનાકે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ આપણી પાર્ટી માટે મહત્વની ક્ષણ છે. પાર્ટીના નેતૃત્વના દાવેદારો પાર્ટીના સભ્યો સમક્ષ પોતાની રજૂઆતો કરી શકશે. નેતૃત્વની રેસમાં રહેલા ચારેય દાવેદારો સારા ટોરી નેતાઓ છે. તેઓ પાર્ટીના મૂલ્યો અને સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છે.

