લંડન
ભારતમાં બળાત્કાર, બાળકના અપહરણ અને ફ્રોડના આરોપોમાં વોન્ટેડ એવા સેલ્ફ સ્ટાઇલ્ડ ગોડમેન નિત્યાનંદની કામગીરીની બ્રિટિશ સંસદના ગૃહોના દીવાળી પેમ્ફ્લેટમાં પ્રશંસા કરાતા હોબાળો સર્જાયો છે. નિત્યાનંદની કામગીરીની બ્રિટિશ સંસદમાં યોજાયેલા કાર્યક્રમોમાં પ્રશંસા કરાઇ હતી. નિત્યાનંદ દ્વારા સ્થાપિત સંસ્થાની ફૂલ પેજની જાહેરાત બ્રોશરમાં છાપવામાં આવી હતી જેમાં ઇવેન્ટના આયોજક હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, વડાપ્રધાન રિશી સુનાક, પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને હાલના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનના સંદેશા પણ સામેલ હતાં. નિત્યાનંદના એક કટ્ટર સમર્થકે આ ઇવેન્ટમાં હાજરી પણ આપી હતી. હિન્દુ ફોરમ ઓફ બ્રિટનની દીવાળીની ઉજવણીના બ્રોશરમાં નિત્યાનંદની આગેવાનીમાં બ્રિટનમાં ચાલતા કૈલાશા, યુકે માટે આખા પાનાની જાહેરાત અપાઇ હતી. બની બેઠેલા ગોડમેન નિત્યાનંદ પર ભારતમાં બળાત્કાર, બાળકના અપહરણ અને ફ્રોડ જેવા સંખ્યાબંધ આરોપ મૂકાયા છે. હાલ આ ગોડમેન ફરાર છે અને તે ક્યાં છે તેની કોઇને જાણ નથી.
નિત્યાનંદના ગુનાઓનો ભોગ બનેલી એક પીડિતાએ જાહેરમાં આવીને પહેલીવાર આપવીતી સંભળાવી હતી. આરોગ્ય સેક્ટરમાં કામ કરતી આ પીડિતાએ જણાવ્યું હતું કે નિત્યાનંદે તેના પરિવારનું બ્રેઇનવોશ કરીને વિવિધ પ્રોજેક્ટના નામે 6,00,000 પાઉન્ડ પડાવી લીધાં હતાં અને તેમના કથિત પ્રોજેક્ટ ક્યારેય સાકાર થયાં નહોતાં. પીડિતાએ જણાવ્યું હતું કે કૈલાશાની જાહેરાત અને નિત્યાનંદના સમર્થકોની સંસદ દ્વારા આયોજિત ઇવેન્ટમાં હાજરી શરમજનક છે.


