જુલાઇ 2024ની સંસદીય ચૂંટણીમાં લેસ્ટર સ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પર ચૂંટાઇ આવેલા બ્રિટિશ ગુજરાતી શિવાની રાજાએ હાઉસ ઓફ કોમન્સમાં તેમના પ્રથમ કાર્યકાળના પ્રથમ વર્ષના મૂલ્યાંકન અંગે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથે ચર્ચા કરી હતી. અખબાર દ્વારા પૂછાયેલા સવાલોના તેમણે પ્રમાણિકતા અને પારદર્શકતા સાથે જવાબ આપ્યાં હતાં.
ગુજરાત સમાચારઃ તમારા વૈવિધ્યપૂર્ણ મતવિસ્તારમાં સેવા પર બ્રિટિશ ગુજરાતી મહિલા તરીકે કેવો પ્રભાવ પડ્યો, તમને કયા કાર્યો પૂર્ણ કર્યાનું ગર્વ છે....
શિવાની રાજાઃ મતવિસ્તારમાં અમે સાથે મળીને કરેલી પ્રગતિનું મને ગૌરવ છે. ટૂંકાગાળામાં અમે ઘણા કામ સિદ્ધ કર્યાં છે. આગામી વર્ષોમાં પણ હું આજ રીતે લેસ્ટરના લોકો માટે આગળ વધવા માગુ છું. મારા માસિક શિવાનિઝ સ્પોટલાઇટ દ્વારા હું મતવિસ્તારના રહેવાસીઓને માહિતી આપતી રહું છું. હું બંધ બારણે કામ કરતી હોવાથી તેમને માહિતી મળે તે જરૂરી છે. હું સ્થાનિક બિઝનેસોને પણ સહાય કરી રહી છું. તેમની મુશ્કેલીઓ સરકાર સમક્ષ રજૂ કરી રહી છું. હું ઇચ્છું છે કે સ્થાનિક બિઝનેસોને વિકાસની તમામ તો મળે. લેસ્ટર યુકેમાં સૌથી વધુ ઉદ્યોગ સાહસિકો ધરાવતું શહેર છે અને સંસદમાં હું તેમનો મજબૂત અવાજ બની રહી છું. બ્રિટિશ ગુજરાતી મહિલા તરીકેનું બેકગ્રાઉન્ડ જાહેર સેવા માટેના મારા વલણને આકાર આપી રહ્યું છે. હું ઇમિગ્રન્ટ સમુદાયોની મુશ્કેલીઓથી સુપેરે વાકેફ છું તેથી હું તમામનો અવાજ રજૂ કરી રહી છું.
ગુજરાત સમાચારઃ તમે લેસ્ટર ઇસ્ટમાં લેબર પાર્ટીના 37 વર્ષ લાંબા વર્ચસ્વને પરાસ્ત કર્યું. તમે સમાજમાં આ રાજકીય બદલાવ કેવી રીતે આણ્યો...
શિવાની રાજાઃ લેસ્ટર ઇસ્ટમાં મારો વિજય ફક્ત મારા માટે જ નહીં પરંતુ સમગ્ર સમુદાય માટે ઐતિહાસિક ક્ષણ હતી. મારો વિજય એ વાતનો સાક્ષી રહ્યો કે સ્થાનિક સમર્થન અને બદલાવની ઇચ્છા ઇચ્છિત પરિણામ આપી શકે છે. મતદારોનો સીધો સંપર્ક કરીને હું વિશ્વાસ જીતી શકી હતી.
ગુજરાત સમાચારઃ સાંસદ બન્યા પછી તમે કયા મહત્વના પડકારોનો સામનો કર્યો.....
શિવાની રાજાઃ સૌથી મોટો પડકાર લેસ્ટર ઇસ્ટની જનતા અને રાજનીતિ વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાનો હતો. વર્ષોથી થઇ રહેલી અવગણનાથી લેસ્ટર ઇસ્ટની જનતા સિસ્ટમથી નારાજ હતી. તેથી મેં સતત સંપર્ક, પારદર્શકતા અને પરિણામલક્ષી કામગીરીથી જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ કર્યા છે. સૌથી મોટો પડકાર લેસ્ટરને પુનઃઉર્જાન્વિત કરવાનો હતો. ઘણા લાંબા સમયથી આર્થિક મોરચા પર લેસ્ટર પીછેહઠ કરી રહ્યું હતું. અમારા શહેર માટે કોઇ બોલે તેવી વ્યક્તિની અમારે જરૂર હતી અને તે માટે હું તૈયાર હતી. હું સંસદમાં લેસ્ટરની સમસ્યાઓ રજૂ કરવા ઘણી મહેનત કરી રહી છું. હું હંમેશા જનતાલક્ષી ઉકેલો લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું.