રોબર્ટ જ્હોન બ્લેકમેન સીબીઇ 2010થી હેરો ઇસ્ટ મતવિસ્તારના કન્ઝર્વેટિવ સાંસદ છે. બ્રિટિશ બોબ બ્લેકમેન હૃદયથી સંપુર્ણપણે ભારતીય છે. તેઓ યુકે ઇન્ડિયા રિલેશન્સ, યુકે ઇન્ડિયા ટ્રેડ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ અને ઓલ પાર્ટી ગ્રુપ ફોર બ્રિટિશ હિન્દુઝના અધ્યક્ષ પણ છે. સંસદમાં ભારતીય સમુદાય માટે રજૂઆતો કરવામાં બ્લેકમેન હંમેશા અગ્રીમ મોરચા પર રહ્યાં છે. બ્રિટિશ હિન્દુ અને જૈન મેનિફેસ્ટોને સમર્થન આપનારા સાંસદોમાં પણ તેઓ સામેલ છે. ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં તેમણે હેરો ઇસ્ટ માટેની પ્રાથમિકતા અને કન્ઝર્વેટિવ પાર્ટીની યોજનાઓ અંગે વિસ્તારથી વાત કરી હતી.
હેરો ઇસ્ટ માટેની પ્રાથમિકતા પર બ્લેકમેને જણાવ્યું હતું કે, મેં શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે ઘણા કામ કર્યાં છે અને સરકાર પાસેથી ફંડિંગ પણ મેળવ્યાં છે. મેં બરો અને સમગ્ર યુકેમાં સૌપ્રથમ સરકાર સમર્થિત હિન્દુ પ્રાયમરી અને સેકન્ડરી શાળાઓની સ્થાપનામાં મદદ કરી છે. અમે મુસ્લિમ પ્રાયમરી સ્કૂલ માટે પણ સહાય કરી છે. બ્લેકમેને જણાવ્યું હતું કે, સ્ટેનમોરમાં નેશનલ ઓર્થોપેડિક હોસ્પિટલના પુનઃનિર્માણ માટે ફંડિંગ મેળવવામાં મને સફળતા મળી છે. નોર્થરોપ પાર્ક હોસ્પિટલમાં નવા આઇસીયુ માટે પણ મેં ફંડિંગ મેળવ્યું છે. હું સરકારમાંથી વધુ ફંડિંગ લાવવા પ્રતિબદ્ધ છું.
કન્ઝર્વેટિવ પાર્ટીને હિન્દુ સમુદાયના સમર્થન પર બ્લેકમેને જણાવ્યું હતું કે, બ્રિટનને પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન રિશી સુનાક મળ્યા અને તેમણે અદ્દભૂત કામગીરી કરી બતાવી છે. તેમણે બ્રિટન અને ભારતના સંબંધો વધુ મજબૂત બનાવ્યાં છે. કન્ઝર્વેટિવ પાર્ટી તમામ સાઉથ એશિયન સમુદાયો સાથે કામ કરી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટી ભારતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સાથે પણ મજબૂત સંબંધ ધરાવે છે.
બ્લેકમેને જણાવ્યું હતું કે, સંસદમાં ભારતીય સમુદાય અને વિશેષ કરીને હિન્દુ સમુદાયની રજૂઆતો કરવામાં હું હંમેશા આગળ રહ્યો છું. હું તેમનો પ્રવક્તા અને એડવોકેટ છું. હું તેમના સમર્થનની માગ કરી રહ્યો છું જેથી હું મારું સમર્થન જારી રાખી શકું. સંસદમાં દરેક જાણે છે કે હું બ્રિટિશ હિન્દુઓ અને બ્રિટિશ ભારતીયોના અધિકારો માટે લડતો નેતા છું. મને આશા છે કે મારા મતવિસ્તારના લોકો મને સમર્થન આપશે.


