સંસદમાંથી ગુલ્લી મારીને બોરિસે 1,35,000 પાઉન્ડની કમાણી કરી લીધી

ઘરઆંગણે જનતા પરેશાન, બોરિસ જ્હોન્સન વેકેશન માણવામાં મશગૂલ – લેબર સાંસદ

Wednesday 19th October 2022 04:49 EDT
 
 

લંડન

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને બહારથી કમાણી કરવાનો પ્રારંભ કરી દીધો છે. એકતરફ 5000 માઇલ દૂર લંડનમાં હાઉસ ઓફ કોમન્સમાં સાંસદો ટ્રસના મિની બજેટ પર ચર્ચાઓ કરી રહ્યાં હતાં ત્યારે બોરિસ જ્હોન્સન સંસદમાંથી ગુલ્લી મારીને અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ ખાતે એક કોન્ફરન્સને સંબોધન કરી રહ્યાં હતાં. આ સંબોધન માટે તેમને 1,35,000 પાઉન્ડ ચૂકવવામાં આવ્યા હતા જે તેમના સાંસદ તરીકેના 84,000 પાઉન્ડ કરતાં પણ વધુ છે. કોન્ફરન્સને સંબોધન બાદ બોરિસ જ્હોન્સન પરિવાર સાથે વેકેશન માણવામાં મશગૂલ બની ગયા હતા.

ડિસેમ્બરમાં 3 મહિનાનો પ્રતિબંધ સમાપ્ત થયા પછી બોરિસ જ્હોન્સન આ રીતે બહારથી કમાણી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે બિઝનેસ એપોઇન્ટમેન્ટ વોચડોગની એડવાઇઝરી કમિટી પાસે સંખ્યાબંધ પરવાનગી માગવામાં આવી રહી છે.

લેબર સાંસદ ક્રિસ બ્રાયન્ટે જ્હોન્સનની ટીકા કરતા જણાવ્યું હતું કે, દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે, પરિવારો મોંઘવારીથી પરેશાન છે ત્યારે જ્હોન્સને સંસદમાં હાજર રહેવાને બદલે પરિવાર સાથે વધુ એક વેકેશન માણવાનું પસંદ કર્યું છે.

બોરિસ જ્હોન્સને નિયમોનો ભંગ કર્યો હોવાના આરોપ

અમેરિકામાં વીમા એજન્ટોને સંબોધન કરીને 1,35,000 પાઉન્ડની કમાણી કરવા માટે બોરિસ જ્હોન્સને નિયમોનો ભંગ કર્યો હોવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે આ સંબોધન માટે બોરિસ જ્હોન્સને બિઝનેસ એપોઇન્ટમેન્ટ માટેની એડવાઇઝરી કમિટીની પરવાનગી લીધી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter