લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ દર જૂન માસમાં લેવાતી સંસ્કૃતની ઇન્ટરનેશનલ જીસીએસઇ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જૂન 2027માં છેલ્લી પરીક્ષા યોજાશે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના આ નિર્ણયનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. શાળાઓમાં સંસ્કૃતનો અભ્યાસ અને પરીક્ષા અત્યંત મહત્વના છે. આ માટે એક પીટિશન જારી કરી લોકોને તેમાં હિસ્સો લેવા અપીલ કરાઇ છે.
સંસ્કૃત પાયાની ભાષા છે અને સંખ્યાબંધ આધુનિક ભાષાના મૂળ સંસ્કૃતમાં રહેલાં છે. સંસ્કૃત એક સાંસ્કૃતિક વારસાનો ખજાનો છે. સાયન્સ, મેડિસિન, ફિલોસોફી, લિટરેચરના પૌરાણિક લખાણો સંસ્કૃતમાં જ છે. સંસ્કૃત ફક્ત ભાષા જ નહીં પરંતુ વિશ્વમાં ડહાપણ અને જ્ઞાનને સમજવાનો માર્ગ છે. આજે વિશ્વમાં યોગ અને આયુર્વેદમાં રસ વધી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ માટે સંસ્કૃત અત્યંત મહત્વની ભાષા બની રહે છે.
સંસ્કૃતની ઇન્ટરનેશનલ જીસીએસઇ ન કેવળ સગીરો પરંતુ સંસ્કૃત ભાષા શીખવા માટે તત્પર તમામ લોકો માટે મહત્વની છે. ફક્ત યુકેમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યાં છે. આ પરીક્ષા બંધ કરવાથી ભવિષ્યમાં સંસ્કૃતનું શિક્ષણ મેળવવું અઘરૂં બનશે.


