લંડનઃ અગ્રણી ઉદ્યોગપતિ અને સખાવતી લોર્ડ સ્વરાજ પોલનું 21 ઓગસ્ટ ગુરુવારની સાંજે 94 વર્ષની વયે નિધન થયું છે. યુકેમાં કાપારો ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના સ્થાપક લોર્ડ સ્વરાજ પોલની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યાં પરિવારજનોની હાજરીમાં તેમણે છેલ્લા શ્વાસ લીધાં હતાં.
ભારતના જલંધરમાં જન્મેલા લોર્ડ પોલ 1966માં તેમની લ્યુકેમિયાથી પીડાતી દીકરી અંબિકાની સારવાર માટે યુકે ગયા હતા. અહીં તેમણે કાપારો ગ્રુપની સ્થાપના કરી હતી. લોર્ડ પોલનું ગ્રુપ આગળ જતાં સ્ટીલ, એન્જિનિયરિંગ અને પ્રોપર્ટી સેક્ટરમાં વૈશ્વિક કંપની બની રહ્યું હતું.
1996માં લોર્ડ સ્વરાજ પોલને હાઉસ ઓફ લોર્ડમાં આજીવન સભ્યપદ અપાયું હતું. તેમણે હાઉસ ઓફ લોર્ડ્સની વેપાર, શિક્ષણ અને ઉદ્યોગ સંબંધિત ઘણી સમિતિઓમાં યોગદાન આપ્યું હતું. ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાના તેમના પ્રયાસો અને શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે તેમના સખાવતી કાર્યો માટે લોર્ડ પોલને હંમેશા યાદ રખાશે. લંડન ઝૂ બંધ થવાની અણી પર હતું ત્યારે તેને બચાવી લેવામાં તેમણે મહત્વની ભુમિકા ભજવી હતી.
બ્રિટનના અમીર એશિયનોમાં લોર્ડ સ્વરાજ પોલની ગણના થતી હતી. બિઝનેસ, પોલિટિક્સ અને સખાવતમાં તેઓ જાણીતું વ્યક્તિત્વ હતા.
ભારત-યુકે સંબંધો મજબૂત બનાવવામાં લોર્ડ પોલનું યોગદાન હંમેશા યાદ રખાશેઃ નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોર્ડ પોલના નિધન પર શોક સંદેશમાં જણાવ્યું હતું કે લોર્ડ સ્વરાજ પોલના નિધનથી ઘણુ દુઃખ થયું છે. ઉદ્યોગ, સખાવત અને યુકેમાં જાહેર સેવાઓમાં તેમનું યોગદાન અને ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં સહયોગને હંમેશા યાદ કરાશે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવું છું.


