સગર્ભા સાંસદ ટુલિપ સિદ્દિકે વોટિંગમાં ભાગ લેવાં બાળજન્મમાં વિલંબ રાખ્યો!

Thursday 17th January 2019 02:59 EST
 
 

લંડનઃ લેબર પાર્ટીના સગર્ભા સાંસદ ટુલિપ સિદ્દિકે બ્રેક્ઝિટ ડીલ વિરુદ્ધ વોટિંગમાં ભાગ લઈ શકાય તે માટે ડોક્ટરોની સલાહ અવગણીને પણ તેમનું સિઝેરિયન ઓપરેશન બે દિવસ માટે મુલતવી રાખ્યું હતું. બાંગલાદેશના સર્જક અને દિવંગત પ્રમુખ મુજિબુર રહેમાનના ગ્રાન્ડડોટર મિસ ટુલિપે જણાવ્યું હતું કે તેઓ પોતાનાં નહિ જન્મેલાં બાળકના સારાં જીવન માટે મતદાન કરવાં ઈચ્છુક છે. સાંસદ ટુલિપે નોર્થ લંડનની હોસ્પિટલના લેબર વોર્ડમાં દાખલ થવાનાં બદલે વ્હીલચેરમાં પતિ સાથે કોમન્સમાં આવવાનો આગ્રહ રાખ્યો હતો.

હેમ્પસ્ટડ અને કિલ્બર્નના ૩૬ વર્ષીય સાંસદની બે વર્ષની પુત્રી અઝલીઆ છે, જેની પ્રસૂતિ પણ મુશ્કેલ રહી હતી. તેમણે મૂળ ચોથી ફેબ્રુઆરીએ સીઝેરિયન સેક્શનનું આયોજન કર્યું હતું પરંતુ, તેમને ગેસ્ટેશનલ ડાયાબીટિસ થવાથી ડોક્ટરોએ સોમવાર અથવા મંગળવારે બાળજન્મ કરાવવા સલાહ આપી હતી. જોકે, હવે તેઓ ગુરુવારે બાળજન્મ માટે હોસ્પિટલમાં હશે. આ ભારે જોખમી પ્રેગનન્સી હોવાથી ડોક્ટરોની સલાહ વિરુદ્ધ આ નિર્ણય લેવાયો હોવા મુદ્દે રોયલ ફ્રી હોસ્પિટલ કાનૂની અને આરોગ્ય ફરજો વિશે સ્પષ્ટ છે.

મિસ સિદ્દિકે બાળકના ફેફસાંના વિકાસને ઝડપી બનાવવામાં મદદ માટે સ્ટીરોઈડના ઈન્જેક્શન લીધાં પછી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ વીકએન્ડ ગાળ્યો હતો. ડોક્ટરોએ સીઝેરિયનના ૪૮ કલાક અગાઉ આ ઈન્જેક્શન આપવા કહ્યું હતું પરંતુ, તેનાથી તેમણે મતદાન સમયે હોસ્પિટલમાં જ રહેવાનું થયું હોત.

પાર્લામેન્ટમાં ઘણા વર્ષોથી બીમાર, સગર્ભા અથવા યોગ્ય કારણસર વોટિંગ કરી શકે તેમ ન હોય તેવા સભ્યો માટે ‘પેરિંગ સિસ્ટમ’ ચાલે છે. આ સાંસદોને સામેના પક્ષના રાજકારણી સાથે જોડી તરીકે મૂકાય છે, જેના પરિણામે બેમાંથી કોઈ મતદાનમાં ભાગ લઈ શકતું નથી અને સામસામે મત રદ થાય છે. જોકે, ગત ઉનાળામાં લિબ ડેમ સાંસદ જો સ્વિન્સનને તેમનાં નવજાત બાળકને ઘેર રાખવું ન પડે તે માટે ટોરી પાર્ટીના ચેરમેન બ્રેન્ડન લૂઈ સાથે ‘જોડી’માં મૂકાયા હતા. પરંતુ, સોમવારે રાત્રે કટોકટીપૂર્ણ કસ્ટમ્સ યુનિયન વોટિંગમાં ટોરી ચેરમેન લૂઈએ ભાગ લીધો હતો. આના પરિણામે, ભારે વિવાદ સર્જાયો હતો અને પેરિંગ સિસ્ટમ પરનો વિશ્વાસ ઉઠી ગયો છે. આના બદલે સંબંધિત સાંસદોના સ્થાને પ્રોક્સી દ્વારા મતદાન થઈ શકે તેની માગણી કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter